મુખ્ય પ્રધાનનો મિજાજ તો જુઓ, મહિલાને આપ્યો આવો જવાબ
સત્તાનો મદ માણસને ચડે ત્યારે તે ભાન ભૂલી જતો હોય છે અને સાથે એ પણ ભૂલી જાય છે કે તે જે પદ પર બેઠાં છે તેની ગરિમા જળવાઈ છે કે નહીં. કોઈપણ રાજ્યમાં રોજગારી ઊભી કરવી તે જે તે સરકારની પહેલી ફરજોમાંની એક છે. જોકે તે હરિયાણાના ભાજપના મુખ્ય પ્રધાન ભૂલી ગયા હોય તેમ લાગે છે. આથી એક મહિલાએ જ્યારે રોજગારી ઊભી કરવાની માગણી કરી ત્યારે મુખ્ય પ્રધાન સાહેબે અર્થ વિનાનો જવાબ આપી દીધો હતો.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે એક જાહેર કાર્યક્રમ દરમિયાન પાડોશી ગામમાં કારખાનું શરૂ કરવાની માગ કરતી એક મહિલાની મજાક ઉડાડી હતી.
સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં મહિલાને તેના પાડોશી ગામ ભટોલ જટ્ટામાં એક કારખાનું બનાવી આપવા કહેતી સાંભળી શકાય છે, જેમાં ખટ્ટરે કહ્યું હતું કે તમને ચંદ્રયાન-4માં મિશન પર મોકલીશું.
સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં મહિલાને તેના પાડોશી ગામ ભટોલ જટ્ટામાં એક કારખાનું બનાવી આપવા કહેતી સાંભળી શકાય છે જેથી મહિલાઓ માટે રોજગારીની તકો પેદા થઇ શકે. તેના જવાબમાં હરિયાણાના સીએમ ખટ્ટરને એમ કહેતા સાંભળી શકાય છે કે આગામી વખતે જ્યારે ચંદ્ર પર વધુ એક મિશન ચંદ્રયાન-4 જશે તો તેમાં તમને મોકલીશું, બેસી જાઓ.. આ વીડિયો ક્યાંનો છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. ખટ્ટર તે સમયે જનસંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા હિસાર જિલ્લામાં હતા.
આ દરમિયાન વિપક્ષી દળો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખટ્ટરની ચંદ્રયાન ટિપ્પણીને લઈને તેમની સામે નિશાન તાક્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ લખ્યું કે મહિલાઓ પ્રત્યે તિરસ્કાર અને અપમાનનો ભાવ, ભાજપ અને આરએસએસના ડીએનએમાં છે. હરિયાણાના ભાજપના સીએમ સત્તાના અહંકારમાં એ જ મહિલા વિરોધી વિચારધારાનું પ્રદર્શન ભારે નિર્લજ્જતા સાથે કરી રહ્યા છે.