ઇગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ જીતથી ખુશ વિરાટ કોહલી, કહ્યું- આપણી યુવા ટીમની શાનદાર જીત
નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતની જીતને શાનદાર ગણાવી અને `યુવાન’ ટીમની ધીરજ, નિશ્ચયની પ્રશંસા કરી હતી. નોંધનીય છે કે ભારતે રાંચીમાં ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પાંચ રને હરાવ્યું હતું અને સિરીઝમાં 3-1ની અજેય લીડ હાંસલ કરી હતી.
અંગત કારણોસર ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયા બાદ ક્રિકેટ પરના પોતાના પ્રથમ ટ્વીટમાં કોહલીએ કહ્યું હતું કે યસ, અમારી યુવા ટીમની શાનદાર જીત. ધીરજ, નિશ્ચય બતાવી. નોંધનીય છે કે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો.
ટીમની જીત પર સચિન તેંડુલકરે ટ્વિટર પર લખ્યું હતું કે, ભારત ફરી એકવાર દબાણની પરિસ્થિતિમાંથી બહાર આવ્યું અને મેચ જીતી. આ અમારા ખેલાડીઓની માનસિક શક્તિ દર્શાવે છે. તેમણે લખ્યું હતું કે આકાશ દીપે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પહેલો સ્પેલ કર્યો. ધ્રુવ જુરેલે બંને દાવમાં બોલને ખૂબ સારી રીતે જજ કર્યો હતો અને તેનું ફૂટવર્ક સારુ હતું. પ્રથમ દાવમાં કુલદીપ યાદવ સાથે તેની ભાગીદારી મહત્ત્વની હતી.
ટીમને અભિનંદન આપતાં બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે લખ્યું હતું કે રાંચીમાં ચોથી ટેસ્ટમાં ભારતની શાનદાર જીત. સિરીઝ પોતાના નામે કરી.