Jaya બચ્ચનને સમાજવાદી પાર્ટી વારંવાર શા માટે રાજ્યસભા મોકલે છે, જાણો Real Story?
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનાં પત્ની અને પીઢ અભિનેત્રી જયા બચ્ચન વર્ષોથી સમાજવાદી પાર્ટીની તરફથી રાજ્યસભાનાં સાંસદ તરીકે પસંદગી પામે છે. જોકે, આ વખતે આ મુદ્દે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (સપ)ને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમાજવાદી પાર્ટી આમ તો પછાત વર્ગ, આદિવાસી અને દલિતોની વાતો કરે છે, પરંતુ જ્યારે રાજ્યસભાનું સંસદપદ આપવાની વારો આવે છે ત્યારે તેમને નજરઅંદાજ કરે છે તેવો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.
સમાજવાદી પાર્ટીના ત્રણ રાજ્યસભા સાંસદમાંથી બે સામાન્ય વર્ગમાંથી છે, જ્યારે એક દલિત વર્ગના છે. હવે સમાજવાદી પાર્ટી ફરી એક વખત જયા બચ્ચનને રાજ્યસભા સાંસદ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે ત્યારે સમાજવાદી પાર્ટીમાં અંદરોઅંદર જ ચર્ચા ચાલી છે. પાર્ટીના વર્ષો જૂના કાર્યકરો અને પદાધિકારીઓ તેમ જ નિષ્ઠાવાન નેતાઓને છોડીને જયા બચ્ચનને શા માટે રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવે છે, એવો સવાલ પાર્ટીના જ કાર્યકરો પૂછી રહ્યા છે.
જોકે, જયા બચ્ચન સમાજવાદી પાર્ટીમાં લોકપ્રિય શા માટે છે તેના અમુક કારણ સમજાય છે, જેમાં પહેલું કારણ જયા બચ્ચન અને યાદવ કુટુંબની ઘનિષ્ઠતા મનાય છે. જયા બચ્ચન પાંચમી વખત રાજ્યસભા સાંસદ બનવા જઇ રહી છે તેનું કારણ યાદવ કુટુંબ સાથે તેમનો વૈચારિક મેળ ઉપરાંત કૌટુંબિક સ્નેહ પણ છે. મુલાયમ સિંહ યાદવે જયા બચ્ચનને પહેલી વખત રાજ્યસભા સાંસદ બનાવ્યા હતા, જ્યારે અમર સિંહે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડ્યો ત્યારે પણ જયા બચ્ચન યાદવ પરિવાર સાથે ઊભા રહ્યા હતા.
બીજું કારણ ડિમ્પલ યાદવ અને જયા બચ્ચનના ગાઢ સંબંધો મનાય છે. બંનેને એકબીજા સાથે ખૂબ ફાવે છે. ઉપરાંત, રામગોપાલ યાદવ પણ જયા બચ્ચનના સમર્થનમાં છે. ત્રીજું કારણ સમાજવાદી જેમનું પ્રતિનિધિત્વ પાર્ટીમાં જોવા માંગે છે તે ચહેરો જયા બચ્ચન છે. તે પાર્ટીમાં મહિલા સમાજનું પ્રતિનિધિત્વ પણ કરે છે.
ચોથું કારણ જયા બચ્ચનનું સેલિબ્રિટી સ્ટેટસ છે. ભારતીય જનતા ઉપર સેલિબ્રિટીઝનો પ્રભાવ ખૂબ હોય છે અને જયા બચ્ચનનો ચાહક વર્ગ પણ બહોળો છે. પાર્ટીમાં જયા બચ્ચન કલા અને સંસ્કૃતિનો ચહેરો તરીકે પણ જોવાય છે. છેલ્લું કારણ જયા બચ્ચન પાર્ટીના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નથી કરતા. કોની સાથે જોડાણ કરવું, કોને ટિકિટ આપવી કે પછી કોઇપણ વાત હોય. જયા બચ્ચન તેમાં ન પડતા હોવાથી તે પાર્ટીને કોઇ પ્રકારની તકલીફમાં મૂકતા નથી. આ કારણોસર જયા બચ્ચન સમાજવાદી પાર્ટીનાં લોકપ્રિય માનવામાં આવે છે.