ગોરેગામમાં ‘ફૅમિલી ડ્રામા’માં પતિએ કર્યો ગોળીબાર
ફ્લૅટમાંથી બે પિસ્તોલ, બે રિવોલ્વર, 78 કારતૂસ મળી આવી: ત્રણ ગેરકાયદે કારતૂસની તપાસ શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામમાં પત્ની સાથેના વિવાદમાં સોસાયટી માથે લેનારા પતિએ ફ્લૅટમાં ગોળીબાર કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્રણ રાઉન્ડ ફાયર કરનારા પતિને તાબામાં લઈ પોલીસે ફ્લૅટમાંથી બે પિસ્તોલ, બે રિવોલ્વર અને 78 કારતૂસ હસ્તગત કરી હતી. જોકે કથિત ગેરકાયદે રાખવામાં આવેલી ત્રણ કારતૂસ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે સાંજે સાડાપાંચ વાગ્યાથી લગભગ ચાર કલાક સુધી આ ‘ફૅમિલી ડ્રામા’ ચાલ્યો હતો. ગોરેગામ પૂર્વમાં ગોકુળધામ ખાતેના કૃષ્ણવાટિકા માર્ગ પરની ડી. બી. વૂડ્સ સીએચએસ ખાતેના રહેવાસીએ પોલીસ કંટ્રોલ રૂમમાં કૉલ કરી દંપતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાની માહિતી આપી હતી. ભારે હંગામો થયો હોવાની જાણકારી મળતાં દિંડોશી પોલીસ સ્ટેશનનો બીટ માર્શલ કોન્સ્ટેબલ પ્રદીપ મોરે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
ઘટનાસ્થળે મોરેને જાણવા મળેલી વિગતો અનુસાર ઈમારતના બી-3001 ફ્લૅટમાં રહેતા રાજીવ રંજનનો પત્ની નીતા રંજન સાથે વિવાદ થયો હતો. નીતા પુત્ર સાથે ફ્લૅટની બહાર હતી, જ્યારે રાજીવે ફ્લૅટનો દરવાજો અંદરથી લૉક કરી લીધો હતો. વારંવાર ખટખટાવ્યા છતાં રાજીવ દરવાજો ખોલતો નહોતો. ઉપરથી ફ્લૅટ બહાર કોઈએ એકઠા થવું નહીં, અહીંથી બધા જતા રહો, એવી સૂચના તે આપતો હતો. સાંજે 5.50 વાગ્યાની આસપાસ ફ્લૅટમાંથી પિસ્તોલથી બેથી ત્રણ રાઉન્ડ કરવાનો અવાજ સંભળાયો હતો.
બીટ માર્શલે આપેલી માહિતી પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની સમજાવટ પછી રાતે 9.30 વાગ્યે રાજીવે ફ્લૅટનો દરવાજો ખોલ્યો હતો. પોલીસે પૂછપરછ માટે તેને તાબામાં લીધો હતો.
પોલીસ ફ્લૅટમાં દાખલ થઈ ત્યારે હૉલમાં સોફા પરથી પૉઈન્ટ 32 બૉરની પિસ્તોલ મળી આવી હતી. રાજીવે એક ગોળી કિચનના કાચના દરવાજા તરફ છોડી હતી. કાચ તોડીને ગોળી લાકડાના કબાટમાં ખૂંપી ગઈ હતી. એક ગોળી હૉલની દીવાલ પર ચલાવવામાં આવી હતી. પોલીસને હૉલના ફ્લોરિંગ પરથી ત્રણ ખાલી કારતૂસ મળી આવી હતી.
ફ્લૅટમાંથી પોલીસને બે પિસ્તોલ અને બે રિવોલ્વર સાથે મૅગેઝિન, 78 કારતૂસ મળી આવી હતી. આ શસ્ત્રો રાખવા માટે દંપતી પાસે લાઈસન્સ હોવાની ખાતરી પોલીસે કરી હતી. જોકે ફ્લૅટમાંથી 12 બૉરની પિસ્તોલની ત્રણ કારતૂસ મળી હતી, જેનું લાઈસન્સ દંપતી પાસે ન હોવાનો દાવો પોલીસે કર્યો હતો. ઘટનાની વધુ તપાસ માટે પોલીસે ફ્લૅટમાં લાગેલા સીસીટીવી કૅમેરાનું ડીવીઆર જપ્ત કર્યું હતું.