ગુજરાતમાં અનેક ગુનામાં સંડોવાયેલા બે આરોપીની ચોરીના કેસમાં ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગુજરાતનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા અનેક ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી સહિત ત્રણ જણની વિરાર પોલીસે ચોરીના કેસમાં ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ તારીક ખાન ઉર્ફે ટિંકલ (32), ધર્મેન્દ્ર પાસવાન (35) અને દીપક ભાકિયાદાર ઉર્ફે બોબડ્યા (28) તરીકે થઈ હતી. આરોપીઓ પાસેથી સોનાના દાગીના અને રોકડ મળી અંદાજે 1.24 લાખ રૂપિયાની મતા હસ્તગત કરવામાં આવી હતી.
વિરાર પશ્ર્ચિમમાં આવેલા વિઠ્ઠલ હરિ ટાવરમાં રહેતા આનંદ ભંવરલાલ જૈને નોંધાવેલી ફરિયાદને આધારે વિરાર પોલીસે 11 ફેબ્રુઆરીએ અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 9 ફેબ્રુઆરીના મળસકે અજાણ્યા શખસો ફરિયાદીના ફ્લૅટમાંથી સોનાના દાગીના અને રોકડ ચોરી ફરાર થઈ ગયા હતા. બારી તોડી ફ્લૅટના હૉલમાં પ્રવેશેલા ચોરોએ બેડરૂમના કબાટમાંથી મતા ચોરી હતી.
તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે શકમંદોને ઓળખી કાઢ્યા હતા. બે શકમંદ ગુજરાતના વલસાડ જિલ્લામાં હોવાની માહિતી મળતાં પોલીસની એક ટીમ વાપી પહોંચી હતી. વાપીથી ખાન અને પાસવાનને પકડી પાડવામાં આવ્યા હતા. તેમણે આપેલી માહિતી પરથી દીપકને ઉરણથી તાબામાં લેવાયો હતો. દીપક વિરુદ્ધ ગુજરાતનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં 13 ગુના અને ખાન વિરુદ્ધ છ ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં પોલીસે જાણવા મળ્યું હતું.