મરાઠા અનામત આંદોલન મુદ્દે ઠાકરે જૂથના નેતાએ હવે આપી આ પ્રતિક્રિયા, સરકાર પર તાક્યું નિશાન
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ મુદ્દે રાજકારણ ગરમાયું છે, જેમાં 10 ટકા બિલ પસાર થયા પછી હજુ પણ રાજ્યમાં આ મુદ્દે વાતાવરણ તંગ છે. સર્વસમંતિથી બિલ પસાર થયા પછી પણ રાજ્યમાં મરાઠા અનામતને લઈ અમુક જિલ્લામાં હિંસાના માહોલ વચ્ચે વિવિધ પાર્ટીની પ્રતિક્રિયા મળી હતી, જે અંગે ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ પહેલી જ વખતે મરાઠા આંદોલન વિશે પોતાનો અભિપ્રાય લોકોની સમક્ષ રાખ્યો છે.
તેમણે દેશ તેમ જ રાજ્યમાં ચાલી રહેલા આંદોલન વિશે જણાવ્યું હતું કે જે રીતે દિલ્હીમાં કિસાન આંદોલન ચાલી રહ્યું છે તે જ રીતે રાજ્યમાં મહારાષ્ટ્રમાં પણ મોરચા કાઢવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે આંદોલનકારીઓની શું માગ છે તે વિશે વિચારવું જોઇએ. તેના બદલે કેન્દ્ર સરકાર તેમના ઉપર અર્બન નક્સલનું કે પછી તે કોઇની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હોવાનું લેબલ લગાડે છે. કોઇની સાથે અન્યાય થઇ રહ્યો છે તો તેમનું અપમાન ન કરવું જોઇએ.
આદિત્યએ સરકાર ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે સરકાર કહે છે કે મરાઠા ચળવળકાર મનોજ જરાંગે પાછળ અમારો હાથ છે. સરકાર તમારી છે, તમારે અમને સામે બેસાડીને વાત કરવી જોઇએ. આ ઉપરાંત અંધેરીમાં ગોખલે બ્રિજના ઉદ્ઘાટન વિશે આદિત્યએ કહ્યું હતું કે જો સરકાર પાસે ગોખલે બ્રિજ હોય કે અન્ય કોઇ પ્રકલ્પ હોય, તેનું ઉદ્ઘાટન કરવાનો સમય ન હોય તો જનતા માટે બધા જ બ્રિજ અને પ્રકલ્પો ઉપયોગ માટે ખુલ્લા મૂકી દેવા જોઇએ.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે અને પક્ષાંતર ઉપરાંત આંદોલન અને ગોળીબાર જેવા ગંભીર મુદ્દાઓ ચૂંટણી પહેલા જ ચાલી રહ્યા છે ત્યારે આદિત્ય ઠાકરે આ વિશે કંઇ પ્રતિક્રિયા આપે તેની રાહ જોવામાં આવી રહી હતી.
આખરે આદિત્યા ઠાકરેએ મરાઠા આંદોલન ઉપરાંત દિલ્હીમાં ચાલી રહેલા કિસાન(ખેડૂત) આંદોલન વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. એટલે જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના તમામ નેતાઓ પણ સક્રિય થઇ રહ્યા છે.