નેશનલ

મોડસ ઓપરેન્ડી, હત્યાની પદ્ધતિ અને વાહનને ઘેરી લઈ ગોળીઓનો વરસાદ…

નફે સિંહ રાઠીની હત્યા મૂઝવાલા જેવી જ હતી..

હરિયાણાના પૂર્વ વિધાનસભ્ય અને INLDના વરિષ્ઠ નેતા નફે સિંહ રાઠીની જે રીતે હત્યા કરવામાં આવી તે હકીકતમાં ગેંગસ્ટર લોકોની પેટર્ન છે. બે વર્ષ પહેલા પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની જે રીતે હત્યા કરવામાં આવી હતી એ જ રીતે નફે સિંહની હત્યા કરવામાં આવી હતી. નફે સિંહની કારનો પીછો કરીને તેમની પર ગોળી ચલાવવામાં આવી હતી, તે જોતા આ હત્યા કેસમાં પણ કોઇ ગેગંસ્ટરનો હાથ છે એવો સવાલ માથું ઉંચકી રહ્યો છે. આ કેસમાં સોપારી આપી હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે કોઈ ગેંગસ્ટર દ્વારા કરવામાં આવી હોઇ શકે છે.

શું નફે સિંહની હત્યા કોઈ ગેંગસ્ટર સાથે જોડાયેલી છે? શું રવિવારે હરિયાણામાં નફે સિંહની હત્યાનો લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કોઈ સંબંધ છે? શું નફે સિંહની હત્યાનો સિદ્ધુ મૂઝવાલાની હત્યા સાથે કોઈ સંબંધ છે? હકીકતમાં હરિયાણાના બહાદુરગઢમાં ગોળીઓના નિશાનોવાળી ફોર્ચ્યુનર પંજાબના માનસા જિલ્લામાં 29 મે 2022ના રોજ થયેલી સિદ્ધુ મૂઝવાલાની હત્યાની અને તસવીરોને તાજી કરે છે. સિદ્ધુ મૂઝવાલાની જેમ નફે સિંહની હત્યા કરવામાં આવી હતી.

તે સમયે સિદ્ધુ મૂઝવાલાની પણ આવી જ રીતે હત્યા કરવામાં આવી હતી. શૂટરોએ તેમના થાર વાહન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. અને એ જ ઝડપી ગોળીબારમાં સિદ્ધુ મૂઝવાલાનું મોત થયું હતું. બાદમાં જાણવા મળ્યું હતું કે સિદ્ધુના થાર ગાડી પર આડેધડ લગભગ 30 ગોળીઓ ચલાવવામાં આવી હતી.

રવિવારે સાંજે 5.15 વાગે બહાદુરગઢના બારાહી રેલ્વે ફાટક આગળ ફોર્ચ્યુનર પર ધડાધડ ગોળીબાર થયો હતો. આ ફોર્ચ્યુનર કારમાં બે વખત ભૂતપૂર્વ વિધાનસભ્ય નફે સિંહ તેમના ડ્રાઈવર અને સુરક્ષાકર્મીઓ સાથે મુસાફરી કરી રહ્યા હતા. આ મામલે દાખલ કરવામાં આવેલી એફઆઇઆર અનુસાર ગાડીના ડ્રાઇવર અને તેના ભત્રીજા રાકેશને અંદેશઓ આવી ગયો હતો કે તેમની ગાડીનો પીછો કરવામાં આવી રહ્યો છે.

તેણે ગાડીને ઝડપથી આગળ હંકારી પણ એ વખતે રેલવે ફાટક આવી જતા તેણે ગાડીને થોભાવવી પડી. એ સમયે પાછળ આવીને ઊભી રહેલી આઇ-10 કારમાંથી પાંચ છોકરા ઉતર્યા અને નફે સિંહની ગાડી પાસે આવ્યા અને એકદમ નજીકથી ધડાધડ ફાયરિંગ કરવા લાગ્યા. લગભગ 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા.

આ ભયાનક ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ અને નફે સિંહના ડ્રાઇવરના જણાવ્યા અનુસાર, નફે સિંહ આગળની સીટ પર બેઠા હતા જ્યારે તેમના સુરક્ષા કર્મચારી જયકિશન અને સંજીત પાછળ બેઠા હતા. ડ્રાઈવરના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ એક પછી એક 50 રાઉન્ડ ફાયરિંગ કર્યા. નફે સિંહની હત્યાને સિદ્ધુ મૂઝવાલાની હત્યાની પેટર્ન સાથે જોડવામાં આવી રહી છે કારણ કે સમગ્ર મોડસ ઓપરેન્ડી સમાન છે.

નફે સિંહની હત્યા માટે સિદ્ધુ મૂઝવાલાની જ મર્ડર પેટર્ન અપનાવવામાં આવી હતી. હત્યા માટે સાંજનો સમય, હત્યા પહેલા કારનો પીછો. કાર પર ધાંયધાંય ગોળીબાર. આ હત્યાની ઘટનામાં પોલીસને હજુ સુધી કોઈ કડી મળી નથી. આ હત્યાની કોઈ ટોળકી દ્વારા જવાબદારી લેવામાં આવી નથી, પરંતુ હત્યાની પદ્ધતિ અને સમગ્ર મોડસ ઓપરેન્ડી પરથી પોલીસે અનુમાન લગાવ્યું છે કે આ ઘટનામાં કોઈ ગેંગ સામેલ હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે. પોલીસ નફે સિંહની હત્યા માટે સોપારી આપી હોવાની શક્યતા પણ નકારી રહી નથી.

પરિવારજનોએ કહ્યું હતું કે આ રાજકીય હત્યા છે. હરિયાણાના બહાદુરગઢમાં કારમાં સવાર હુમલાખોરોએ જે રીતે પૂર્વ વિધાનસભ્ય નફે સિંહ રાઠીની ગોળીઓ ચલાવીને હત્યા કરી હતી. તે જોતા નફે સિંહના પરિવારજનોને લાગે છે કે આ એક રાજકીય હત્યા છે. અને આ ઘટના પાછળ નફે સિંહ સાથે રાજકીય દુશ્મનાવટ ધરાવતા લોકો જ હોઈ શકે છે. નફે સિંહ INLDના હરિયાણા ચીફ હતા. તેમની ફોર્ચ્યુનર કાર પર ગોળીઓ છોડવામાં આવી હતી. સૌથી મોટી વાત એ છે કે હત્યારો અને તેની કાર સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તેમાં તેની કાર સ્પષ્ટ દેખાઈ રહી છે.

કારનો દરવાજો તોડીને અંદર ઘુસેલી ગોળીઓ, વેરવિખેર કાચના ટુકડા, ગાડીને ઘેરીને ઊભેલી ભીડ અને કારની અંદર લોહીલુહાણ થયેલ માનવ દેહ. હુમલા બાદ કંઇક આવું દ્રશ્ય હતું. આખી કાર પર બુલેટના નિશાન સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓ જણાવે છે કે ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર ચાર હુમલાખોરોએ નફે સિંહની કાર પર પચાસથી વધુ ગોળીઓ ચલાવી હતી.

આ હુમલામાં કારની આગળની સીટ પર બેઠેલા ઈન્ડિયન નેશનલ લોકદળના હરિયાણાના ચીફ નફે સિંહ રાઠીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમની પીઠ, ગરદન અને પેટમાં ગોળીઓ વાગી હતી. ઘણી ગોળીઓ કારના દરવાજાને વીંધી ગઈ છે. મૂઝવાલા મર્ડર કેસમાં પણ એવું જ થયું હતું. તેમની થાર કારના દરવાજા પણ ગોળીઓથી ફાડી નાખ્યા હતા.

નફે સિંહના પુત્રએ આને રાજકીય દુશ્મનાવટ ગણાવી હતી. આ વિસ્તારના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોરો વિશે કેટલીક કડીઓ મળી છે અને ટૂંક સમયમાં હત્યારાઓની ધરપકડ કરવામાં આવશે. હરિયાણાના ગૃહ પ્રધાનનું કહેવું છે કે આ ઘટનાના દોષિતોને છોડવામાં નહીં આવે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button