નવી દિલ્હીઃ ભારતીય રેલવે માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય રેલવેને 41,000 કરોડની 2,000થી વધુ યોજનાની ભેટ આપી હતી. પીએમ મોદીએ તેને ઐતિહાસિક ગણાવીને દેશને સમર્પિત કરી હતી. ભારતીયોના પ્રવાસને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશના 553 સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
27 રાજ્યના 553 રેલવે સ્ટેશનને એકદમ આધુનિક બનાવવાથી સ્ટેશનના પરિસરમાં અવરજવર કરવામાં પ્રવાસીઓને રાહત રહેશે. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયાના જાણીતા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક છે. પ્રવાસને શ્રેષ્ઠ અને સુખદ બનાવવા માટે અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે 553 સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવશે.
ઓનલાઈન કોન્ફરન્સ મારફત પીએમ મોદીએ વિવિધ યોજનાનું ઉદ્ધાટન કર્યું હતું. અહીંના કાર્યક્રમમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા. વીડિયો શેર કરતા પીએમ મોદીએ લખ્યું હતું કે એક જ વખત 2000 યોજના શરુ કરવાની સાથે ભારત રેલવેના પરંપરાગત માળખાને મૂળભૂત રીતે ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
27 રાજ્યના 553 રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના સૌથી વધુ છે. મહારાષ્ટ્રના 56 અને ગુજરાતના 46 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે, જેમાં મધ્ય અને પશ્ચિમ રેલવેના મહત્ત્વના સ્ટેશનને સમાવી લેવામાં આવ્યા છે. એના સિવાય આંધ્ર પ્રદેશના 46, તમિલનાડુના 34, બિહારના 33, મધ્ય પ્રદેશના 33, કર્ણાટકના 31, ઝારખંડના 27, છત્તીસગઢના 21, ઓડિશાના 21 અને રાજસ્થાનના 21 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. એના સિવાય ભારતના 1,500 રોડઓવર બ્ર્રિજ અને અંડરપાસનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
અમૃત ભારત સ્ટેશનની યોજના અન્વયે ભારતીય રેલવે સ્ટેશનના વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં રુફ પ્લાઝાની યોજના અન્વયે સ્ટેશનની છતના ઉપરના ભાગમાં ફૂડ કોર્ટ સહિત અન્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ યોજના અન્વયે તમામ શ્રેણીના સ્ટેશનમાં હાઈ ક્લાસ પ્લેટફોર્મ (760થી 840 મિલિમીટર) ઊભા કરવામાં આવશે, જ્યારે પ્લેટફોર્મની લંબાઈ 600 મીટરની હશે.
આ ઉપરાંત, સ્ટેશનના પરિસરમાં વેઈટિંગ રુમ, શૌચાલય, પીવાના પાણીની ઉપલબ્ધિ, લિફ્ટ-એસ્કેલેટર્સ, મફત વાઈફાઈ સહિત સર્વોતમ ઈન્ફર્મેશન, કમ્યુનિકેશન સિસ્ટમ સહિત અન્ય સુવિધા ઊભી કરવામાં આવશે. સ્ટેશનના પરિસરના એફઓબી, આરઓબી, પાર્કિંગ સહિત અન્ય જરુરી સુવિધા પૂરી પાડવામાં આવશે.
Taboola Feed