નેશનલ

દિલ્હીમાં રખડતા શ્વાનોનો આતંકનો ભોગ બની બાળકી

નવી દિલ્હીઃ રાજધાનીના શહેર દિલ્હીમાં રખડતા શ્વાનોનો આતંક હવે માઝા મૂકી રહ્યો છે. તાજેતરના બનાવમાં દિલ્હીમાં રખડતા શ્વાનોને કારણે બે વર્ષની બાળકીની જાન ગઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે અહીં રખડતા શ્વાનોના એક જૂથે બે વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. આ ઘટના તુગલક લેનના ધોબી ઘાટ વિસ્તારમાં બની હતી. બાળકીના પરિવારજનોએ દાવો કર્યો હતો કે કેટલાક લોકો વિસ્તારની નજીકના રખડતા શ્વાનોને ખવડાવતા હતા. તેમણે તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટનાની માહિતી આપતા દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે બાળકી તેના ઘરની બહાર બેઠી હતી ત્યારે ચારથી પાંચ શ્વાનોએ તેના પર હુમલો કર્યો હતો અને તેને કેટલાક મીટર સુધી ઢસડીને મારી નાખી હતી. પોસ્ટમોર્ટમ બાદ બાળકીના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. આ મામલે પ્રતિક્રિયા આપતા નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.

બાળકીના પરિવારે દાવો કર્યો હતો કે કેટલાક લોકો વિસ્તારની નજીક રખડતા શ્વાનોને ખવડાવે છે. બાળકીના પરિવારજનોએ તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. પીડિતાના કાકા રવિએ જણાવ્યું હતું કે, સાંજે 6 વાગ્યાની આસપાસ ચારથી પાંચ રખડતા શ્વાનોએ અચાનક અમારી દીકરી પર હુમલો કર્યો અને તેને 100-150 મીટર સુધી ખેંચીને ઘાયલ કરી દીધી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં રખડતા શ્વાનોનો આ પહેલો મામલો નથી. આ શ્વાનોએ ઘણી વાર ઘરની બહાર રમતા અન્ય બાળકો, બિલાડીઓ અને મરઘીઓ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે સ્થાનિક લોકોએ સંબંધિત અધિકારીઓને વારંવાર ફરિયાદ કરી હતી, પરંતુ તેની અવગણના કરવામાં આવી હતી. અમે ગરીબ લોકો છીએ. જ્યારે અમે લોકોને શ્વાનોને ખવડાવતા રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉલ્ટા તેઓએ અમને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ અને ફોરેન્સિક નિષ્ણાતોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. વધુ તપાસ ચાલુ છે. જોકે, દિલ્હીમાં રખડતા શ્વાનોનો આંતક કંઇ નવો નથી.આ પહેલા પણ દિલ્હીમાં શ્વાનોના હુમલાની ઘટનાઓ સામે આવી છે. 29 જાન્યુઆરીના રોજ, રોહિણીના સેક્ટર-25 વિસ્તારમાં સાત વર્ષની બાળકી જ્યારે તેના મિત્રો સાથે બહાર રમતી હતી ત્યારે વખતે એક અમેરિકન બુલી ડૉગ દ્વારા તેના કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં છોકરીને ઘણી ઈજાઓ થઈ હતી. 22 જાન્યુઆરીના રોજ અન્ય એક ઘટનામાં ઉત્તરપૂર્વ દિલ્હીના વિશ્વાસ નગરમાં બે વર્ષની બાળકી પર પાળેલા શ્વાન દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ સિવાય ઉત્તર પશ્ચિમ દિલ્હીના મહેન્દ્ર પાર્ક વિસ્તારમાં પિટ બુલના હુમલામાં સાત વર્ષનો છોકરો ઘાયલ થયો હતો. શાહબાદ ડેરી વિસ્તારમાં એક સાત વર્ષની બાળકી જ્યારે તેના ઘરની નજીક રમતી હતી ત્યારે એક અમેરિકન બુલી ડૉગ દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. અન્ય એક ઘટનામાં, બુરારીની ઉત્તરાખંડ કોલોનીમાં એક 18 મહિનાના બાળકને શ્વાનોએ તેના દાદાના ખોળામાંથી છીનવી લીધો હતો અને તેના પર હુમલો કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button