આપણું ગુજરાત

Happy Birthday: ઐતિહાસિક પણ ખરુ ને આધુનિક પણ ખરું આવું છે અમદાવાદ

દરેક શહેર પોતાની સાથે એક ભવ્ય ઈતિહાસ અને વિસ્તરતો વર્તમાન લઈને જીવે છે. શહેર- શહેરની પોતાની વિશેષતાઓ, રહેણી-કરણી, પહેરવેશ, ભાષા અને મિજાજ છે. તમે મુસાફરી કરતા હો અને એક જગ્યાએ ઉતરો અને જો વાત વાતમાં કોઈ તમને ‘બકા’ કહીને બોલાવે તો સમજી જવાનું કે તમે દેશના માન્ચેસ્ટર કહેવાતા અમદાવાદમાં છો. આજે આ અમદાવાદ શહેર 613માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. આજે અમદાવાદનો 613મો સ્થાપના દિવસ છે. અમદાવાદ શહેર 612 વર્ષનું થયું છે. વર્ષ 1411માં માણેક બુર્જ પાસે 26 ફેબ્રુઆરીએ અહેમદશાહે અમદાવાદની સ્થાપના કરી હતી. છ સદીની સફરમાં સ્વાભાવિક રીતે આ શહેર સતત બદલાયા કર્યું છે. પોળમાં વસ્તુ શહેર હવે આલિશાન ફ્લેટ્માં વસે છે અને ક્યારેક બળદગાડામાં સફર કરતા લોકો હવે મેટ્રોમાં ફરે છે.

સ્વાતંત્ર્યની ચળવળ સહિતનો ઈતિહાસ ધરબીને બેસેલું આ શહેર વર્તમાન સમયની રાજકીય ઘટનાઓનું પણ સાક્ષી અને ક્યાક સહભાગી પણ રહ્યું છે. એક સમયે ટેક્સટાઈલ્સ સિટી તરીકે ઓળખાતા અને મીલોને લીધે માન્ચેસ્ટર કહેવાતા અમદાવાદમાં હવે ગુજરાતભરથી લોકો આવી બિઝનેસ કે સર્વિસ સેક્ટરમાં સ્થાયી થાય છે. ગુજરાતના લોકો જેટલો જ ધસારો અહીં યુપી-બિહાર, રાજસ્થાનના લોકોનો પણ છે. રોજગારની શોધમાં આવેલા અને અહીં જ વસેલા આ પરપ્રાંતીયો હવે અમદાવાદના થઈ ગયા છે.


રોજગારી સાથે પર્યટન, શિક્ષણ, કલાકારી માટે પણ આ શહેર લોકોને આકર્ષે છે. ભદ્રનો કિલ્લો, હેરીટેજ સ્ટ્રક્ચર, સિદ્દી સૈયદની જાળી જેવા ઐતિહાસિક સ્થળો તો બીજી બાજુ રિવર ફ્રન્ટ, સાયન્સ સિટી, અટલ બ્રિજ જેવા આધુનિક સ્થળો પણ અહીં છે. કોટન કપડાની ખરીદીથી માંડી મરી-મસાલાનું પણ અહીં મોટું માર્કેટ છે.


આજે શહેરના સ્થાપના દિવસે માણેકબુરજની સમાધિએ અમદાવાદના મેયરે પૂજન કર્યું હતું. માણેકચોકમાં માણેક બુરજની સમાધિ આવેલી છે. તેમજ નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી છે.


સાબરમતી નદી કિનારે ભુદરના આરે પણ પૂજન કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ શહેરમાં હેરિટેજ રેલી પણ યોજાઈ હતી.


સતત પ્રગતિ કરતું આ શહેર હજુ વધારે પ્રગતિ કરે તેવી શુભેચ્છા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button