આપણું ગુજરાત

ગુજરાતની પ્રથમ એઇમ્સમાં ટેલી મેડિસિન સેવાથી રોજ ૧૫૦ જેટલા દર્દી ઘરબેઠા નિદાન મેળવે છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાને દેશમાં પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)નું લોકાર્પણ કર્યું હતું. જેમાં રાજકોટ એઇમ્સનો પણ સમાવેશ થાય છે.

રાજકોટ એઇમ્સનું નિર્માણ અંદાજિત રૂ.૧૧૯૫ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ એઇમ્સના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં ટાવર એએન્ડબી હૉસ્પિટલ બ્લોકમાં ૨૫૦ બેડ્સની ક્ષમતાવાળી આઇપીડી સેવાઓ, ૫૦૦ લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાયનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલ, ૬૬ કેવી કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન, શોપિંગ કોમ્પ્લેક્સ, ૧૪ વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે. એઇમ્સના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર સી.ડી.એસ. કટોચે જણાવ્યું હતું કે, અત્યારે ૬૯ ફેકલ્ટી એઇમ્સ રાજકોટ પાસે છે, જેમના દ્વારા દર્દીઓને તપાસવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ પણ કરાવવામાં આવે છે. આઇપીડી માટેની નર્સિંગ ટ્રેનિંગ પૂર્ણ થઈ ચૂકી છે. પીડીયુ હૉસ્પિટલ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી લેવામાં આવી છે. ૧૪ ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓપીડીમાં સેવા આપવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે, એઇમ્સ દ્વારા ટેલી મેડિસિન સેવા પણ શરૂ કરવામાં આવી છે. પ્રતિ દિવસ ૧૫૦ જેટલા દર્દીઓ ઘરબેઠા નિદાન મેળવી રહ્યા છે. લોકાર્પણ પૂર્ણ થયા બાદ થોડા સમયમાં આઇપીડી સેવા શરૂ કરવામાં આવશે. ઓપીડી માફક આઇપીડીમાં કેશલેશ સુવિધા શરૂ કરવામાં આવશે. આઇસીએમઆર દ્વારા બીએસએલ- ૩ લેબને મંજૂરી આપવામાં આવી છે. એઇમ્સ દ્વારા ડ્રોન દ્વારા સેમ્પલ કલેક્ટ અને દવા પણ પહોંચાડવામાં આવશે.

દર્દીઓના પરિવારજનોને રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે. તેમજ એર એમ્બ્યુલન્સની સુવિધા માટે ત્રણ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. એઇમ્સ દિલ્હીમાં જે કિંમતમાં સેવાઓ મળી રહી છે એજ કિંમતમાં સેવાઓ મળશે. સિટી બસની સુવિધા આગામી દિવસમાં ડબલ કરવામાં આવશે. ઈ-રિક્ષાની સુવિધા ડબલ કરવામાં આવશે. ૧જીપીબીએસની ઈન્ટરનેટની સ્પીડ દ્વારા સેવા મેળવવામાં આવી રહી છે. ૪ મોબાઈલ ઓપરેટર દ્વારા પોતાના ટાવર લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં એઇમ્સ સંકુલ ખાતે પીજી અને નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button