ધર્મતેજ

તત્ત્વજ્ઞાન

ગીતા મહિમા -સારંગપ્રીત

આજે ભગવાન કૃષ્ણ તેરમા અધ્યાયનો આરંભ કરે છે.
ગીતાનો તેરમો અધ્યાય તત્ત્વજ્ઞાન સંબંધી છે. સામાન્યત: માણસને તત્ત્વજ્ઞાનની વાતોમાં રસ ઓછો પડે છે, પરંતુ આ તત્ત્વજ્ઞાન જ છે જે આપણા મૂળભૂત પ્રશ્ર્નોના સમાધાન આપી શકે છે. જોકે આ તત્ત્વજ્ઞાન શીખવા માટે આપણે આપણી જાત સાથે એકલા બેસવું પડે.

એક કઠિયારો દરરોજ વહેલી સવારે ઊઠે. સૂર્ય ક્ષિતિજે આવે તે પહેલા કુહાડી લઈને જંગલમાં પહોંચી જાય. વહેલી સવારથી લાકડા કાપવાની શરૂઆત કરે તે સૂર્યાસ્ત સુધી. ખૂબ પરસેવો રેડે. ભૂખ, ઊંઘ, થાક, તડકો સહન કરે. કાળી મજૂરી કરે પણ તોય ગરીબી જાય નહીં. કઠિયારાએ એક સંત-મહાત્મા પાસે પોતાની વ્યથા વ્યક્ત કરી. આ દારુણ ગરીબીમાંથી ઉગારવાનો ઉપાય માગ્યો.
મહાત્માએ એક સોનેરી સલાહ આપી અને કઠિયારાની જિંદગીમાં આશાનો સૂર્યોદય થવા લાગ્યો. મહેનત રંગ લાવી. સમય અને શક્તિનું યોગ્ય વળતર મળવા લાગ્યું. જીવન આનંદ અને ઉત્સાહથી ભરાવવા લાગ્યું. કઠિયારાને સંતે જે સૂચન કર્યું તે જો આપણા જીવનમાં અમલમાં મૂકીએ તો આપણી જિંદગીની કરવટ પણ બદલાઈ શકે તેમ છે. મહાત્માએ એટલું જ કહ્યું હતું કે તું રોજ રાત્રે તારી કુહાડીની ધાર કાઢવાનું શરૂ કરી દે. સામાન્ય લાગતી બાબત છે. ક્યારેક એમ લાગે કે લે! કઠિયારાને એટલી તો ખબર પડવી જોઈએ ને! ‘એમાં શું નવી વાત કરી’ પણ આ સહજ લાગતું સત્ય આપણી સડસડાટ દોડતી જિંદગીમાં એટલું સહજ નથી.

એ કઠિયારાની જેમ આપણે પણ મહેનત કરી છીએ. સમય-શક્તિનું ઇન્વેસ્ટમેન્ટ કરી છીએ. ક્યારેક આપણને પણ એવો વિચાર આવી જાય છે કે હું જે પ્રમાણમાં પુરુષાર્થ કરું છું તે પ્રમાણે મને વળતર મળતું નથી. તો જરૂર છે આપણી કુહાડીની ધાર કાઢવાની. સ્વયં સાથે સંવાદ કરી જીવનને નિખારવાની. પદ-પ્રતિષ્ઠા-પૈસાની દોડમાં આપણે પોતાની જાત સાથે બેસવાનું ભૂલી તો નથી ગયા ને! તમે ક્યારેક તમારા ખુદના નંબર પર કોલ કરી જોજો, સામેથી જીવનની વાસ્તવિકતા સંભળાશે, ‘તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હમણાં વ્યસ્ત છે’ વ્યસ્ત રહેવામાં આપણે જીવનનો આનંદ લેવાનું કે પોતાની જાતને વધુ બહેતર બનાવવાનું જ ભૂલી જઈએ તો તે વ્યસ્તતા શા કામની? એવી વ્યસ્તતા તો મજૂરથી માંડીને પશુઓની પણ હોય છે. તો પછી ભગવાને આપણને બુદ્ધિ આપીને ખારભૂમિમાં બીજ વાવ્યું કે શું! ભગવાન સ્વામિનારાયણ પોતાની પરવાણીના ગ્રંથ વચનામૃતમાં કહે છે કે બાહ્યદૃષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે પણ જોનારો પોતે પોતાને નથી જોતો એ જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. આવો, આપણે પોતાના જીવનને વધુ સમૃદ્ધ બનાવવા આપણા ૨૪ કલાકમાંથી માત્ર થોડો સમય પોતાની જાતને આપીએ.
હું કોણ છું, શા માટે છું, આ જગત શું છે, આ ક્યારે બન્યું, આનો કોઈ નિયામક છે કે નહિ વગેરે પ્રશ્નોના સમાધાન ભીડમાં મળવા સંભવ નથી. આપણા શાશ્ર્વત અસ્તિત્વના મૂળ સુધી જ્યાં સુધી નહિ પહોંચીએ ત્યાં સુધી પ્રશ્ર્ન, હતાશા, સમસ્યા અને સુખ દુ:ખના વેગ આપણને વ્યથિત કરતા રહેશે.

તેના સમાધાન માટે જ ભગવાન અને ઋષિમુનિઓએ તત્ત્વજ્ઞાનનો રસ્તો બતાવ્યો છે. તત્ત્વજ્ઞાન એ વાસ્તવિકતા, જ્ઞાન, નીતિશાસ્ત્ર અને અસ્તિત્વની પ્રકૃતિ વિશેના મૂળભૂત પ્રશ્ર્નોનો અભ્યાસ છે. તે વિશ્ર્વને સમજવા અને અર્થઘટન કરવા માટેનું માળખું પૂરું પાડે છે, તેમજ નિર્ણયો લેવા અને માન્યતાઓ બનાવવા માટેનો આધાર આપે છે. તત્ત્વજ્ઞાન અને જીવન એ બંને અભિન્ન છે. માનવ જીવન આદિ અને અંતથી યુક્ત છે, પરંતુ આ જ્ઞાનનો કોઈ અંત નથી. આ દરેક માનવ માટે એક મહત્ત્વનો માર્ગ પ્રદાન કરે છે. આપણે પ્રકૃતિ, જીવ, પરમાત્મા, ધર્મ, સમાજ, સંસાર, અને અનેક અન્ય બાબતોને તત્ત્વજ્ઞાનના માધ્યમથી જ સમજી શકીએ છે. વળી આત્મગતિ અને તત્ત્વજ્ઞાનનો માર્ગ પરસ્પર સંબંધિત છે.

તત્ત્વજ્ઞાન એ વિદ્યા છે જે આત્મા, જીવનનું મહત્ત્વ, સત્ય, અને પરમાત્માની અન્ય શક્તિઓનું અધ્યયન કરે છે. તત્ત્વજ્ઞાન આપણા આત્મવિકાસ, આત્મપરિચય, અને માનવ જીવનની સમજ માટે આવશ્યક છે. જીવનની સુખરૂપ યાત્રા માટે આંતરિક શાંતિ અને સમાધાન અનિવાર્ય છે જે તત્ત્વજ્ઞાન જ સમજાવી શકે છે.

તત્ત્વજ્ઞાનની સિદ્ધિ સ્વયં થતી નથી. બ્રહ્મસ્વરૂપ, શ્રોત્રીય અને પરમાત્મનિષ્ઠ ગુરુની મદદથી જ તત્ત્વજ્ઞાન સિદ્ધ થાય છે. તેઓ આપણને આ વિષયોનો સાર અને બોધ આપી શકે છે. ગુરુ માનવની તુચ્છ રુચિઓ, માન્યતાઓથી પર એવા તત્ત્વજ્ઞાનના શાશ્ર્વત સિદ્ધાંતો સમજાવે છે તેના આધારે જીવનની દિશા અને દશા બદલાઈ જાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…