ધર્મતેજ

દેવી તમે કેટલાય કલ્પોથી મારી અર્ધાંગિની તરીકે મારી સાથે છો, તો આ જિજ્ઞાસા શેની?: શ્રી વિષ્ણુ

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
ભગવાન શ્રીહરિ વિષ્ણુ શંખચૂડનું રૂપ ધારણ કરી રાજમહેલ પહોંચ્યા. પોતાના સ્વામીને આવેલા જોઈ દેવી તુલસી તેમની ભેટી પડતાં જ તુલસીનું સતીત્વ ખંડિત થઈ જાય છે અને એ જ સમયે યુદ્ધભૂમિમાં ભગવાન શિવ અને શંખચૂડ વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલતું હોય છે, ભગવાન શિવ પોતાનું ઉદિપ્ત ત્રિશૂળ હાથમાં લે છે, ત્રિશૂળ પોતાની ઉત્કૃષ્ટ પ્રભા પાથરતાં જ બધી દિશાઓ, પૃથ્વી અને આકાશ પ્રકાશિત થઈ જાય છે. ત્રિશૂળના પ્રલયાગ્નિની શિખા સમાન ચમકદાર બની જતાં તેનું નિવારણ અસંભવ હતું, તેની લંબાઈ હજાર ધનુષ અને પહોળાઈ સો હાથ જેટલી હતી. ભગવાન શિવની આજ્ઞાથી આ ત્રિશૂળ પરાક્રમી શંખચૂડ પર પડયું અને એ જ ક્ષણે તેને રાખનો ઢગલો બનાવી પરત ભગવાન શિવ પાસે પરત ફર્યું, શિવજી પર પુષ્પોની વર્ષા થવા લાગી. ભગવાન શિવની કૃપાથી શંખચૂડ શાપમુક્ત થઈ ગયો અને તેના હાડકામાંથી શંખ જાતિનો પાદુર્ભાવ થયો. દેવી તુલસીનું સતીત્વ નષ્ટ થતાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ પોતાના ખરા રૂપમાં પ્રગટ થાય છે. ક્રોધિત તુલસી ભગવાન શ્રીહરિ વિષ્ણુને શ્રાપ આપે છે કે તમે મારા શ્રાપથી પાષાણ-પથ્થર થઈ જાઓ. ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે અને તુલસીને સમજાવતાં કહે છે, હવે તમે આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કરી લો અને લક્ષ્મીની જેમ નિત્ય શ્રીહરિ સાથે વૈકુંઠમાં વિહાર કરતા રહો. થોડા સમયમાં જ તમે દેવપૂજન સામગ્રીમાં તુલસી છોડ તરીકે પ્રધાન સ્થાન પામશો. તમે સ્વર્ગલોકમાં, મૃત્યુલોકમાં અને પાતાળલોકમાં સદાય શ્રીહરિ સાથે નિવાસ કરશો. શ્રીહરિ વિષ્ણુ પણ ગંદકી નદીના જલ પાસે તમારા શાપવશ પથ્થરરૂપે નિવાસ કરશે અને તે અત્યંત પુણ્ય પ્રદાન કરનારી શાલિગ્રામ શિલા કહેવાશે. વિષ્ણુની શાલિગ્રામ શિલા અને વૃક્ષરૂપિણી તુલસીનો સમાગમ સદા અનુકૂળ તથા પુણ્યોની વૃદ્ધિ કરનાર થશે. જે મહાજ્ઞાની શાલિગ્રામશિલા, તુલસી અને શંખને એકત્ર રાખીને એમની રક્ષા કરશે તે શ્રીહરિને ખૂબ વહાલો થશે. તુલસી પોતાના શરીરનો પરિત્યાગ કરીને દિવ્યરૂપ ધારણ કરે છે અને શ્રીહરિ વિષ્ણુ સાથે વૈકુંઠધામ તરફ ચાલી નીકળે છે. તુલસીનું ત્યાગેલું શરીર ગંડકી નદી તરીકે વિદ્યમાન થાય છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ એના તટ પર શાલિગ્રામશિલા તરીકે વિદ્યમાન થાય છે.


શંખચૂડના વધ બાદ અસુરો પલાયન થઇ જાય છે. ભગવાન શિવ કૈલાસ તરફ, ભગવાન શ્રીહરિ વિષ્ણુ વૈકુંઠલોક અને બ્રહ્માજી બ્રહ્મલોક તરફ પ્રયાણ કરે છે. વૈકુંઠલોકમાં ભગવાન શ્રીહરિ પહોંચતાં જ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કહે છે.

માતા લક્ષ્મી: ‘સ્વામી હું જોઈ રહી છું કે મારા પિતા સમુદ્રદેવ ઘણા સમયથી નિરાશ થઈ ગયા છે, યોગ્ય ઉપાય જણાવો.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવી લક્ષ્મી તમે સાચું કહી રહ્યા છો એમની ચિંતા તમે જ દૂર કરી શકશો, તમે એમને મળશો તો એમનું દુ:ખ અવશ્ય દૂર થશે.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુના કહેવાથી માતા લક્ષ્મી એમના પિતાને મળવા સમુદ્રતટ પર પહોંચી આવાહન કરતાં સમુદ્રદેવ ઉપસ્થિત થાય છે.
માતા લક્ષ્મી: ‘પ્રણામ પિતાશ્રી.’
સમુદ્રદેવ: ‘સદાય ખુશ રહો.’
માતા લક્ષ્મી: ‘તમારી આ અવસ્થા જોઈ હું ખૂબ ચિંતિત છું પિતાશ્રી.’
સમુદ્રદેવ: ‘મંથન બાદ મારા રત્નોનું દેવતાઓમાં વિતરણ થયું એના પરિણામની ગ્લાનિ છે જે મારા મનોમસ્તક પર છવાઈ ગઈ છે. પુત્રી તમારી બાબતે હું પ્રસન્ન છું કે તમને સ્વયં નારાયણ પ્રાપ્ત થયાં છે, તેઓ તમને ખૂબ પ્રસન્ન રાખી રહ્યા છે, પરંતુ મંથન બાદ પ્રાપ્ત થયેલા રત્નો સ્વાર્થી દેવતાઓના હસ્તક ગયા છે અને તેઓ એનો દુરુપયોગ કરી રહ્યા છે. જો ભગવાન શિવે વિષનું પાન ન કર્યું હોત અને દેવતાઓમાં સમભાવે વહેંચી દીધું હોત તો સારું થાત, દેવતાઓને જ્ઞાત થાત કે વિષ સાથે રત્નોને કઈ રીતે સંભાળી શકાય. એમને આ રત્નો સહજતાથી પ્રાપ્ત થયા હોવાથી તેઓને એ રત્ન કેટલાં મૂલ્યવાન છે તેની જાણ નથી. ફક્ત એટલું જ નહીં મને અપ્સરારૂપી મારી અન્ય પુત્રીઓના બાબતે પણ ઘણી ચિંતા છે. તેઓ પણ તમારી જેમ સુખી હોત તો…’
માતા લક્ષ્મી: ‘શું થયું છે મારી બહેનોને?’

સમુદ્રદેવ: ‘સુવેશા, સુકેશી, સમિચી, સુનેત્રા અને વેતા શ્રીહરિ વિષ્ણુને પોતાના પતિ તરીકે પામવા ઘોર તપસ્યા કરી રહી છે, જ્યારે નારાયણે તમારું પાણીગ્રહણ કરી લીધું છે
તો તેમણે શ્રીહરિ વિષ્ણુને પતિ તરીકે માનવાની શી જરૂરત છે. હું મારી આ પાંચેય પુત્રીઓને સુખી જોવા માગું છું, પણ
તેઓ એ જગ્યાએ સુખ શોધી રહી છે જ્યાં એની સંભાવના જ નથી.’
માતા લક્ષ્મી: ‘પિતાશ્રી તમે ચિંતિત નહીં થાઓ, શ્રીહરિ વિષ્ણુ આનો માર્ગ અવશ્ય કાઢશે.’
આટલું કહી માતા લક્ષ્મી સમુદ્રદેવને પ્રણામ કરી ત્યાંથી વિદાય લે છે. વૈકુંઠલોક આવી જુએ છે કે ભગવાન શ્રીહરિ વિષ્ણુ આનંદિત મુદ્રામાં ધ્યાન ધરી રહેલાં હોય છે. માતા લક્ષ્મી વિચારે છે કે સ્વામીના હોઠો પર આ સ્મિત શેનું હશે? હું ખોટી ચિંતા કરી રહી છું, મારી બહેનો તપસ્યા કરે તો ભલે કરે. મને મારા સ્વામી પર વિશ્ર્વાસ છે.’
એ જ સમયે દેવર્ષિ નારદ ત્યાં પધારે છે અને તેઓ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રણામ કરે છે.

દેવર્ષિ નારદ: ‘પ્રભુ તો ધ્યાનમગ્ન છે, ચાલો પાછો આવીશ.’
માતા લક્ષ્મી: ‘થોભો દેવર્ષિ નારદ, સ્વામીના હોઠ પરના સ્મિત પરથી લાગે છે કે તેઓ થોડા જ સમયમાં તેમનું ધ્યાન પૂર્ણ કરશે, પણ દેવર્ષિ એ જણાવો કે સ્વામી હમણાં કોનું ધ્યાન ધરતાં હશે.’
દેવર્ષિ: ‘માતા તમે તો એમના અર્ધાંગિની છો, સંસારમાં કઈ વાત હશે જે મને ખબર હોય ને તમને ખબર ન હોય. હું તો
એટલું જાણું છું કે શ્રીહરિ મહાદેવનું
અથવા તેમના ભક્તોનું ધ્યાન ધરતા
હોય છે.’
માતા લક્ષ્મી: ‘દેવર્ષિ હું તેમની પત્ની છું એવું ન હોય શકે કે તેઓ મારા વિચારોમાં તલ્લીન હોય.’
દેવર્ષિ: ‘માતા… હું એ પણ જાણં છું કે નિયતિએ ભગવાન શ્રીહરિના વામભાગમાં અનેક સ્ત્રીઓનું સ્થાન નિશ્ર્ચિત કરી રાખ્યું છે અને નિયતિએ જે નિશ્ર્ચિત કર્યું હોય તેનો પ્રભાવ તેના પર અવશ્ય પડતો હોય છે, માતા તમને તો જાણ છે કે વામાંગી થવા કોઈપણ સ્ત્રી પવિત્ર મનથી શ્રીહરિની તપસ્યા કરશે તેની ઇચ્છા શ્રીહરિ વિષ્ણુ અવશ્ય પૂરી
કરે છે.’
માતા લક્ષ્મીને અસ્વસ્થ થતાં જોઈ દેવર્ષિ નારદ કહે છે, ‘માતા તમે જ શ્રીહરિના અર્ધાંગિની છો, શ્રીહરિ તમારા વિચારોમાં જ તલ્લીન હશે, હું ફરી આવીશ.’ કહી દેવર્ષિ ત્યાંથી વિદાય લે છે.
માતા લક્ષ્મી અસ્વસ્થતાની જાણ શ્રીહરિ વિષ્ણુને થતાં તેઓ તપસ્યામાંથી બહાર આવે છે.

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવી તમે તમારા પિતાને મળવા ગયા હતા આટલા શીઘ્ર પરત આવી ગયા, ત્યાં બધું બરાબર છે ને?’

માતા લક્ષ્મી: ‘સ્વામી ત્યાં તો બધું બરાબર છે, પણ… હું તમને એક સવાલ પૂછવા માગું છું કે તમે જ્યારે ધ્યાન ધરો છો ત્યારે તમારા હોઠ પર એક આનંદિત મુદ્રા દેખા દે છે એ શું દર્શાવે છે અને તમે કોની તપસ્યા કરો છો?’

ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવી તમે કેટલાય કલ્પોથી મારી અર્ધાંગિની તરીકે મારી સાથે છો, તો આ જિજ્ઞાસા શેની?’
માતા લક્ષ્મી: ‘હું તમારી પાસેથી જાણવા માગું છું કે અત્યાર તમે કોનું ધ્યાન કરતા હતા?’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવી અધિકાંશ સમય તમારું જ સ્મરણ કરતો હોઉં છું.’
માતા લક્ષ્મી: ‘અધિકાંશ એટલે… હંમેશાં નથી કરતા? મારા પિતાશ્રીએ મને કહ્યું કે મારી પાંચેય બહેનો તમને પતિ માની પૂજતી રહી છે, ત્યારથી મારી વ્યાકુળતા વધી ગઈ છે. સાચું કહેજો સ્વામી કે એમના વિચારો તમારી સ્મિતનું કારણ તો નથી ને? મને વિશ્ર્વાસ અપાવો કે તમારા હૃદયમાં ફક્ત હું જ છું.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવી તમારી વ્યાકુળતાને દૂર કરવા હું કેવી રીતે કહી દઉં કે મારા પૂર્ણ હૃદયમાં ફક્ત તમે જ છો. સત્ય તો એ છે કે મારા અડધા હૃદયમાં મહાદેવનો
વાસ છે.’
માતા લક્ષ્મી: ‘સ્વામી તો એમ કહી દો કે તમારા અડધા હૃદયમાં મહાદેવ અને અડધા હૃદયમાં હું વાસ ધરાવું છું.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘દેવી એ સત્ય છે કે અડધા હૃદયમાં મહાદેવ અને અન્ય ભાગમાં તમે પણ વિદ્યમાન છો.’
એજ સમયે પાંચેય બહેનોની તપસ્યાનો ધ્વનિ વૈકુંઠલોક સુધી પહોંચવા માંડે છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button