તે ભક્ત છે પ્રિય મને
વિશેષ -રાજેશ યાજ્ઞિક
પ્રશ્ર્ન એ થાય કે શું ઈશ્ર્વર ભક્તો વચ્ચે પણ ભેદ રાખે. શું ઈશ્ર્વરને કોઈ ભક્ત પ્રિય હોય છે તો કોઈ અપ્રિય. શું ઈશ્ર્વરના સામ્રાજ્યમાં આ પ્રકારનો ભેદભાવ યોગ્ય ગણાય. જો આમ હોય તો ઈશ્ર્વર કોઈકની તરફેણ કરતા હોય – ક્યાંક પક્ષપાત હોય તેમ માની શકાય. ભક્ત એ ભક્ત છે – કે શું તેમાં પણ માન્ય કે અમાન્ય હોવાની સંભાવના હોય છે. પ્રશ્ર્ન થાય એ સ્વાભાવિક છે.
રાવણ પણ શિવભક્ત હતો અને શ્રીરામ પણ. આ બંનેમાં સ્વાભાવિક છે કે શિવજીને શ્રીરામ પ્રિય હોય. વરદાન તો ભસ્માસુરને પણ મળેલું, પણ તેનાથી સ્વયં શિવજી ડરી ગયા હતા. તપના ફળ સ્વરૂપે વરદાન પામવું એ એક પ્રકારની ઘટના છે, જ્યારે ઈશ્ર્વરનું પ્રિય-પદ પ્રાપ્ત કરવું એ અન્ય પ્રકારની ઘટના છે.
વરદાન કર્મ ફળના નિયમને આધારિત મળે. તપના પ્રકાર અને માત્રા પરથી તેનું ફળ નિર્ધારિત થાય. ઈશ્ર્વર સ્વયં આવીને તે ફળને માન્ય રાખે. આ એક પ્રકારની પરિસ્થિતિ થઈ જેમાં ઈશ્ર્વર સાથે ભાવાત્મક સંબંધ નથી સ્થપાતો. આ તો કાર્યને ઇચ્છિત પરિણામમાં રૂપાંતરિત કરવાની ઘટના માત્ર છે.
રાવણ કે ભસ્માસુરને તેમની ભક્તિનું એક કર્મ ગણીને ફળ આપવામાં આવ્યું છે. અહીં ક્યાંક પરસ્પરની કાળજી કે સંવેદના પણ નથી. નહીં તો રાવણે કૈલાશ ઉઠાવવાનો પ્રયત્ન પણ ન કર્યો હોત. રાવણ શિવજીનો ભક્ત હતો છતાં પણ તે શિવજીને પ્રિય ન હતો.
તો સામે પોતાની મર્યાદાનું પાલન કરનાર, નીતિ પ્રમાણે આચરણ કરનાર, હંમેશાં ધર્મ અને સત્યનો પક્ષ લેનાર, અપાર સામર્થ્ય હોવા છતાં નમ્રતા રાખનાર, લોક કલ્યાણ માટે સ્વયંની જિંદગી સાથે સમાધાન કરી ધર્મનું રાજ્ય સ્થાપનાર એવા શ્રીરામ શિવજીને પ્રિય હોય. તેથી જ જ્યારે ઈશ્ર્વર ગીતામાં અમુક પ્રકારના ભક્ત પ્રિય છે તેમ વિધાન કરે તો તે સ્વીકાર્ય છે. ભક્તોની પણ વિવિધ શ્રેણી
હોય.
દુ:ખી માણસ ભક્તિ કરે તો તેની પાછળ દુ:ખના નિવારણની અપેક્ષા હોય – ફળની આશા હોય. અર્થાર્થી – લોભી વ્યક્તિ જ્યારે ઈશ્ર્વરના શરણે જાય ત્યારે પણ ધન પ્રાપ્તિની તેને કામના હોય.
જિજ્ઞાસુ વ્યક્તિ દ્વારા કરાયેલ ભક્તિમાં કુતૂહલ વૃત્તિનું પ્રાધાન્ય હોય – તે ઈશ્ર્વરને પામવા નહીં પણ સમજવા માગતો હોય. સાચી ભક્તિ તો જ્ઞાની કરી શકે. જ્ઞાનીના મનમાં ઈશ્ર્વરની પૂર્ણતાની ધારણા પરિપક્વ બની ચૂકી હોય. ઐશ્ર્વરિય ગુણો માટે તેને શંકા ન હોય. ઈશ્ર્વરની સત્તા તેણે સ્વીકારી લીધી હોય. પોતાની સ્થિતિ માટે પણ તે સ્પષ્ટ હોય. જીવન-મૃત્યુના ચક્રને તે બંધન તરીકે જાણી ચૂક્યો હોય અને તેથી જ તેણે ઈશ્ર્વરનું શરણું લીધું હોય. જ્ઞાની સાચો ભક્ત કહેવાય. ભક્તિના પરિણામ સ્વરૂપ – પ્રસાદ રૂપે તે ભક્તિને જ માગે.
ગીતાના બારમા અધ્યાયમાં સ્વયં ઈશ્ર્વર જણાવે છે કે કેવા પ્રકારના ભક્ત તેને પ્રિય હોય છે, જે કોઈના પણ પ્રત્યે કોઈપણ પ્રકારના દ્વેષ વિનાનો હોય, દરેક પ્રત્યે મૈત્રીપૂર્ણ સંબંધ સ્થાપી કરૂણા રાખનાર હોય, આવા સંબંધોની હાજરીમાં પણ તેનામાં મમત્વનો અભાવ હોય, પ્રત્યેક વ્યક્તિના બધા જ પ્રકારના ગુના માફ કરવા સમર્થ – ક્ષમાશીલ હોય, દરેક પ્રકારના દ્વન્દ્વથી પર અને અહંકાર મુક્ત હોય, જે મળે તેનાથી સંતુષ્ટ થઈ સર્વ પ્રકારની કામનાનો ત્યાગ કરી મન અને ઇન્દ્રિયોને વશમાં રાખવા સમર્થ હોય, અંત:કરણની બધી જ અવસ્થામાં પ્રભુને જ સમર્પિત હોય અને પ્રભુ માટેની શ્રદ્ધા માટે દૃઢ નિશ્ર્ચયી હોય; તેવો ભક્ત ભગવાનને પ્રિય હોય. આવી વ્યક્તિ તો દરેકને પ્રિય હોય. તેમની સામે કોઈને, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ પ્રકારનો વાંધો ન હોય.
આવી વ્યક્તિ નિર્મળ, નિર્લેપ તથા નિરૂપદ્રવી હોય. ન તેનાથી કોઈ ઉદ્વેગિત થાય કે ન તે કોઈનાથી ઉદ્વેગ પામે. દરેક પ્રકારના ભાવથી, લાગણીઓના ઊભરાથી તે મુક્ત હોય. કોઈપણ પ્રકારના પક્ષપાત વિનાની આવી તટસ્થ વ્યક્તિ, આમ પણ સંસારના સમીકરણોથી મુક્ત હોય – તે ઈશ્ર્વર સાથેના સમીકરણ-યુક્ત હોય. તેમને ઈશ્ર્વરનું સાંનિધ્ય ગમે અને ઈશ્ર્વરને તેમની ભક્તિ ગમે.
રાગ દ્વેષ ઉત્પન્ન કરનાર વિવિધ પ્રકારના દ્વન્દ્વ છે. માન-અપમાન, ગરમી-ઠંડી, સુખ-દુ:ખ, સંગ-વિરહ, શત્રુ-મિત્ર, પ્રશંસા-નિંદા, શુભ-અશુભ તથા હર્ષ-શોક જેવા દ્વન્દ્વ સાથે સંમિલિત થવાથી બંધનની સંભાવના ઉદ્ભવે. ઈશ્ર્વરને કોઈ પણ પ્રકારનું, કોઈ પણ અસ્તિત્વ માટેનું બંધન માન્ય નથી. સૃષ્ટિના સંચાર માટે ઈશ્વર નિયમોમાં માને છે, બંધનમાં
નહીં. દ્વન્દ્વના બંધનથી જે મુક્ત તે ઈશ્ર્વરને પ્રિય. તેમાં પણ જો આવી વ્યક્તિ ભક્તિમાં લીન હોય તો સોનામાં સુગંધ મળવા જેવી પરિસ્થિતિ સર્જાય.
ઈશ્ર્વરને પામવામાં, ઈશ્ર્વરને ખુશ કરવામાં કર્તાપણાનો અભાવ જરૂરી છે. કર્તાપણાથી અહંકાર જાગે. અહંકાર-યુક્ત વ્યક્તિ વિવેક ગુમાવી બેસે. વિવેક હીનતાની સ્થિતિમાં ક્યારે અધર્મનું આચરણ થઈ જાય તો કહેવાય નહીં. ઈશ્ર્વર ધર્મની સ્થાપના માટે છે, માટે અધર્મ આચરનાર ક્યારે ય ઈશ્ર્વરને પ્રિય ન બની શકે. હું પણાનો નાશ
જરૂરી છે.
હેતુપૂર્વક – ફળની આશા સાથે કરાયેલા કર્મોથી કર્મબંધન જાગ્રત થાય. દેહધારીએ કર્મ તો કરવું જ પડે, પણ કર્મની શરૂઆત પાછળ સર્વ પ્રકારના આરંભના ત્યાગની ભાવના જરૂરી છે. આરંભ કરતી વખતે આરંભ કરવાનો ભાવ ન હોવો જોઈએ, કે ન હોવી જોઈએ કોઈપણ પ્રકારે આરંભથી મુક્ત થવાની ઈચ્છા. કોઈપણ પ્રકારના પરિણામની આશા પણ ન હોવી જોઈએ. ઈશ્ર્વરને આવી પરિસ્થિતિ
પ્રિય છે.
આમ તો ઈશ્ર્વર પ્રિય અને અપ્રિયના દ્વંદ્વથી પર ગણાય. તેઓ તટસ્થ હોવાથી સમ્યક્ ભાવે દરેકને કર્મનું ફળ આપે છે. આ ફળ જે તે કર્મની પાછળ રહેલા ભાવને આધારિત પણ હોય છે. જો ભક્તિ અણીશુદ્ધ હોય, સાત્ત્વિક શ્રદ્ધાથી ભરપૂર હોય, નિર્દોષતાને આધારે ટકેલી હોય તો તેને તે પ્રકારનું ફળ મળે – અને આ ફળ છે પ્રભુ-પ્રિયતાનું. એમાં ઈશ્ર્વરનો પક્ષપાત નથી. એમાં પણ ઈશ્ર્વરની નિર્દોષ
તટસ્થતા છે.