ઓસ્કાર નોમિનેટેડ ડોક્યુમેન્ટરી ઉપર બનનારી ફિલ્મમાં પ્રિયંકા ચોપ્રાની આ ભૂમિકા…

મુંબઈ: પ્રિયંકા ચોપ્રા જોનાસ હવે બોલિવૂડની ફિલ્મોમાં ઘણી ઓછી દેખાય છે તેના કારણે તેના ચાહકો આમ તો તેને ખૂબ જ મિસ કરતા હોય છે. જોકે, તે સોશિયલ મીડિયા ઉપર તેમ જ હોલિવૂડ ફિલ્મો તેમ જ વિવિધ કોન્સર્ટ અને ઇવેન્ટ્સમાં પોતાની ઝલક દેખાડતી હોય છે.
હવે પ્રિયંકા ચોપરા એક ખૂબ જ મહત્ત્વનો પ્રોજેક્ટ હાથમાં લેવા જઇ રહી છે. ઓસ્કાર માટે નોમિનેટ થયેલી ડોક્યુમેન્ટરી ઉપરથી બની રહેલી ફિલ્મ સાથે પ્રિયંકા સંકળાઇ છે અને તેની જાહેરાત પ્રિયંકાએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર કરેલી છે.
ઓસ્કાર માટે નોમિનેટ થયેલી અને ખૂબ જ વખણાયેલી ‘યુ કિલ અ ટાઇગર’ ડોક્યુમેન્ટરી ઉપરથી બનવા જઇ રહેલી ફિલ્મની એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર તરીકે પ્રિયંકા ફિલ્મની ટીમ સાથે જોડાઇ છે. આ ફિલ્મની ટીમમાં ‘સ્લમ ડોગ મિલિયોનેર’ ફેમ દેવ પટેલ અને મિંડી કેલિંગ વગેરેનો સમાવેશ પણ થાય છે.
‘ટુ કિલ અ ટાઇગર’ ડોક્યુમેન્ટરી રણજીત નામના એક ગરીબ ખેડૂત ઉપર બનાવાયેલી હતી, જેની 13 વર્ષની દિકરી અત્યંત હિચકારા જાતીય હુમલાનો ભોગ બની હોય છે.
પ્રિયંકા પ્રોજેક્ટ વિશે વાત કરતા પોતાની પોસ્ટમાં લખે છે કે એકેડમી નોમિનેટેડ ડોક્યુમેન્ટરી ‘ટુ કિલ અ ટાઇગર’ની ટીમનો ભાગ બનવા બદલ હું ખૂબ જ ગર્વ અનુભવી રહી છું. 2022માં મેં જ્યારે આ ડોક્યુમેન્ટરી જોઇ હતી ત્યારે એક પિતાના પોતાની દિકરીને ન્યાય મળે એ માટે ન્યાય વ્યવસ્થા સાથેના સંઘર્ષની આ કથાએ મને જકડી રાખી હતી. આ કળાનો એક એવો નમૂનો છે જે તમને ઘણા બધા સ્તરે સ્પર્શી જાય છે. આ કથાના પાત્ર, પિતા ઝારખંડથી છે અને હું પણ ઝારખંડમાં જન્મેલી છું. એવી એવી દિકરી જેની માટે તેના પિતા હંમેશા એક ચેમ્પિયન રહ્યા છે, તેની માટે આ કથા ખૂબ જ તલસ્પર્શી હતી. આખી દુનિયાની સામે આ કથા આવે અને તેઓ આ નિહાળે તેનો હું ઇંતેજાર નથી કરી શકતી.