PM Narendra Modiએ દ્વારકામાં અર્પણ કરેલાં મોરપીંછનો શ્રી કૃષ્ણ સાથે શું સંબંધ છે?
ભગવો કુર્તો, કમર પર મોરપીંછાની પ્રિન્ટ હોય એવી પૈઠણીનો કમરમાં બાંધેલો ગમતો અને એમાં મોરપીંછ… આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડુબી ગયેલી દ્વારકાનું દર્શન કરવા માટે સ્કુબા ડાઈવિંગ પણ કર્યું હતું. ગોમતી ઘાટ પર આવેલા સુદામા પુલ ઓળંગીને પંચકુઈ બીચ પરિસર પહોંચીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકદમ ભક્તિભાવથી કાન્હાને મોરપીંછ અર્પણ કર્યું હતું. ત્યારે આવો જોઈએ આખરે શું છે મોરપીંછ અને કૃષ્ણ વચ્ચેનો સંબંધ…
આપણે બધા જ એ વાત ખૂબ જ સારી રીતે જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણને મોરપીંછ ખૂબ જ પસંગ છે અને શ્રી કૃષ્ણની મૂર્તિ પણ મોરપીંછ વિના જોવા મળતી નથી. માતા યશોદા પણ બાળપણથી જ બાલગોપાલના માથા પર મોરપીંછ લગાવતા હતા. કૃષ્ણ ભગવાન મોરપીંછ ખૂબ જ પસંદ કરે છે અને આ પાછળ અનેક દંતકથાઓ છે.
એક દંતકથા અનુસાર રાધા કૃષ્ણની વાંસળીની ધૂન પર નૃત્ય કરી રહી હતી અને એ જ સમયે મોર પણ આ મધુર સૂર પર નાચી રહ્યા હતા. એ સમયે મોરનું એક પીંછુ નીચે પડી ગયું હતું જે ભગવાન કૃષ્ણે પોતાના કપાળ પર સજાવ્યું બસ ત્યારથી જ મોરના પીંછાને કૃષ્ણરાધાના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. ત્યારથી હંમેશા જ કૃષ્ણના કપાળે મોરપીંછ સજાવવામાં આવે છે.
શ્રી કૃષ્ણના મોરપીંછ ધારણ કરવા પાછળ એક એવી કથા પણ પ્રચલિક છે કે મોર એ એકમાત્ર એવું પક્ષી છે કે જે આયુષ્યભર બ્રહ્મચારી રહે છે. નર મોરના આંસુ પીને ઢેલ ગર્ભવતી થાય છે એવું પણ પણ કહેવાય છે. આ રીતે શ્રી કૃષ્ણ પોતાના કપાળ પર આ પવિત્ર પક્ષીનું પીંછુ ધારણ કરે છે.
શ્રી કૃષ્ણ અને મોરપીંછનો સંબંધ ખૂબ જ ગાઢ અને જૂનો છે અને આ જ કારણે પીએમ મોદીએ આજે જ્યારે સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારિકાના અવશેષના દર્શન કરવા પહોંચ્યા ત્યારે તેમણે કાન્હાને મોરપીંછ અર્પણ કર્યું હતું.