આમચી મુંબઈ

મુંબઈને રિઝર્વ પાણી નહીં મળે તો પાણીકાપ: કમિશનર ચહેલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીનો સ્ટોક ઓછો છે ત્યારે પહેલી માર્ચથી મુંબઈમાં પાણીકાપ મૂકવામાં આવશે સંકટ એવા અહેવાલો વહેતા થયા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહેલે એવી સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકારે જો રિઝર્વ પાણી વાપરવાની મંજૂરી આપી દે તો પાણીકાપ મૂકવાની કોઈ આવશ્યકતા જણાશે નહીં.

પાણીકાપના અહેવાલો વચ્ચે એવું ચર્ચાઈ રહ્યુંં છે કે આગામી સમયમાં ચૂંટણી હોવાથી રાજ્ય સરકાર મુંબઈમાં પાણીકાપ લાદવાનો કોઈ ઈરાદો રાખતી નથી. ત્યારે પાલિકા કમિશન ઈકબાલસિંહ ચહેલે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ભાતસા અને અપર વૈતરણાનો રિઝર્વ પાણીનો સ્ટોક વાપરવાની મંજૂરી માગતો પત્ર રાજ્ય સરકારને લખવામાં આવ્યો છે. તેમના તરફથી હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી. જો સરકાર મંજૂરી આપી દે તો પાણીકાપ લાદવાની આવશ્યકતા જણાશે નહીં. હાલના તબક્કે પાણીકાપ લાદવાને લઈને કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે સરકારના જવાબની રાહ જોઈ રહ્યા છે.

મુંબઈના સાતેય જળાશયોમાં હાલ લગભગ ૪૫ ટકા પાણીનો જથ્થો બચ્યો છે. ચોમાસાના આગમને હજી સાડા ત્રણ મહિનાનો સમય છે. ગયા વર્ષે અપૂરતો વરસાદને પગલે પાણીની સમસ્યા સર્જાઈ હતી. આગામી દિવસમાં ઉનાળો પણ આકરો જવાની શક્યતા વચ્ચે પાણીની સપાટીમાં હજી ઘટાડો થશે. તેથી મુંબઈમાં પહેલી માર્ચથી ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવશે એવો અહેવાલો આવી રહ્યા છે, તેથી નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.

જળાશયોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે, તેથી રિઝર્વ સ્ટોકમાંથી પાણી વાપરવાની નોબત માર્ચ મહિનામાં જ આવી ગઈ છે. ગયા વર્ષે જૂન મહિનામાં ચોમાસાનું આગમન મોડું થવાથી રિઝર્વ પાણીનો સ્ટોક વાપરવાની રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. તેથી પાણીકાપ ટળી ગયો હતો. જોકે બાદમાં ચોમાસું ખેંચાઈ જતા પહેલી જુલાઈથી ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો હતો અને બાદમાં જળાશયોમાં ૮૧ ટકા પાણીનો સ્ટોક થયા બાદ ઑગસ્ટ ૨૦૨૩માં પાણીકાપ પાછો ખેંચવામાં આવ્યો હતો.

મુંબઈને અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી આ સાત જળાશયમાંથી ૩,૮૫૦ મિલિયન લિટર પાણીપુરવઠો કરવામાં આવે છે. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે પહેલી ઑક્ટોબરના જળાશયમાં ૧૪,૪૭,૩૬૩ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો જરૂરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button