છ મહિના બાદ બંધ થઈ જશે Gmail? Googleએ કરવી પડી આવી સ્પષ્ટતા…
આજે દુનિયામાં સોશિયલ મીડિયા પર એક્ટિવ લોકોની સંખ્યા ખૂબ જ મોટી છે. વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, જીમેલ વગેરે વગેરે… એમાં Gmail એ તો દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈ-મેલ સર્વિસ અને આ Gmailનો ઉપયોગ પર્સનલ અને પ્રોફેશનલ બંને રીતે એકદમ છૂટથી કરવામાં આવે છે. પરંતુ અચાનકથી જ Gmail એકદમ ચર્ચામાં આવી ગયું છે અને લોકો એના વિશે વાત કરી રહ્યા છે.
છેલ્લાં કેટલાક સમયથી એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે ગૂગલ તેની મેન મેલ સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે. જ્યારે લોકોને આ સમાચાર સાંભળવા મળ્યા તો પહેલાં તો કોઈએ એના પર વિશ્વાસ ના કર્યો પણ બાદમાં આ વાતને લઈને લોકોમાં થોડી અસમંજસમાં પડી ગયા હતા. જોકે, બાદમાં ગૂગલ દ્વારા તેના વિશે સ્પષ્ટતા કરવામાં આવી હતી. આવો જોઈએ શું કહ્યું ગૂગલે…
અનેક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે Gmail ટૂંક સમયમાં જ તેની આ મેલ સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે. દાવા આપવામાં આવેલી માહિતી અનુસાર ઓગસ્ટ, 2024માં Gmail સંપૂર્ણપણે બંધ થઈ જશે અને ત્યાર બાદ લોકો Gmailની સર્વિસનો ઉપયોગ કરી શકશે નહીં.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર Gmailના બંધ થવા વિશે અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા અને આ જ દરમિયાન ઈલોન મસ્કે Xmailના આગમનની પુષ્ટિ કરી હતી. આ પછી તો લોકોને વિશ્વાસ થઈ ગયો હતો કે Gmail ખરેખર બંધ થવા જઈ રહ્યું છે, પરંતુ આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ગૂગલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, Gmail અહીં જ છે અને તે બંધ નથી થવા જઈ રહ્યું.
વાત જાણે એમ છે કે આ આખી ગરબડ Gmailના એક ફીચર બંધ થવાને કારણે શરૂ થઈ હતી. ગૂગલ Gmailના મૂળભૂત HTML સંસ્કરણને બંધ કરવા જઈ રહ્યું છે જેનો કોઈ ઉપયોગ કોઈ દ્વારા નથી કરવામાં આવતો અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ આ અંગેની એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી.