આમચી મુંબઈમહારાષ્ટ્ર

આવતીકાલથી શરુ થનારું વિધાનસભાનું સત્ર તોફાની બનશે, વિપક્ષ આ બધા મુદ્દાને લઈ સરકારને ઘેરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું પાંચ દિવસનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થશે અને આ અધિવેશન દરમિયાન વિરોધપક્ષ સરકારને ઘેરવા માટે વિવિધ મુદ્દાઓ તૈયાર રાખેલા છે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ અધિવેશન ખૂબ જ મહત્ત્વનું પુરવાર થઇ શકે છે. વિપક્ષ સરકારને ઘેરવાનો પૂરો પ્રયત્ન કરશે જ્યારે સરકાર પણ પોતાનો પક્ષ માંડીને પૂરો જોર લગાવશે.

દહીંસરમાં શિવસેનાના દિગ્ગજ નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકરની ગોળી મારીને થયેલી હત્યા ઉપરાંત ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ દ્વારા શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ ઉપર થયેલા ગોળીબારને પગલે રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થાની સ્થિતિ એ સૌથી મોટો મુદ્દો હશે, જે વિરોધ પક્ષનું સરકાર વિરુદ્ધ નિશાન તાકવા માટે મોટું હથિયાર હશે.

આ ઉપરાંત મરાઠા સમાજ દ્વારા અનામત માટે ચલાવવામાં આવી રહેલું આંદોલન પણ અધિવેશનમાં મોટો મુદ્દો બનશે. આ સિવાય પુણેમાં મળી આવેલા હજારો કરોડો રૂપિયાના ડ્રગ્ઝના મુદ્દે પણ સરકાર ઉપર પસ્તાળ પાડવાનો પ્રયત્ન કરવામાં આવે એવી શક્યતા છે.

આ અધિવેશનનો મુખ્ય એજન્ડા રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કરવાનો હશે. પરંતુ એ દરમિયાન વિરોધ પક્ષ સરકારને વિવિધ મુદ્દે સરકારને ઘેરશે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ઉપર જેટલા પ્રહારો કરી શકાય તેટલા પ્રહાર કરવાનો મોકો વિપક્ષને આ અધિવેશનમાં મળશે.

અધિવેશનના પહેલા દિવસે સૌપ્રથમ મૃત્યુ પામેલા ભાજપના વિધાનસભ્ય રાજેન્દ્ર પાટણી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીના નિધન થયાને પગલે શોકપ્રસ્તાવ માંડીને વિધાનસભાની કાર્યવાહી પૂરી કરાશે. જ્યારે 27 ફેબ્રુઆરીના રોજ અધિવેશનના બીજા દિવસે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી પૂર્વે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવનાર હોઇ સરકાર માટે પણ આ અત્યંત મહત્ત્વનું અધિવેશન બની રહેશે, કારણ કે નાગરિકોને બજેટમાં શું લાભ, સુવિધા મળે છે, તેના ઉપર બધાની નજર હશે. જો બજેટમાં સામાન્ય નાગરિકોને લાભ મળે તેવું ખાસ કંઇ ન હોય, તો તે મુદ્દે પણ વિરોધ પક્ષ સરકારને નિશાન ઉપર લેવા માટે તૈયાર રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button