સ્પોર્ટસ

રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચ્યું તમિલનાડુ, સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 33 રનથી હરાવ્યું

કોઈમ્બતુરઃ રણજી ટ્રોફી 2023-24ની ત્રીજી ક્વાર્ટર ફાઈનલ મેચમાં તમિલનાડુ ક્રિકેટ ટીમે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ સામે ભવ્ય જીત મેળવી હતી. બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે તમિલનાડુએ સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 33 રનથી હાર આપી હતી. તમિલનાડુને 7 વર્ષ બાદ સેમિફાઇનલની ટિકિટ મળી છે.

કોઈમ્બતુરમાં રમાયેલી આ મેચમાં સૌરાષ્ટ્રનો પ્રથમ દાવ 183 રનમાં સમેટાઈ ગયો હતો જેના જવાબમાં તમિલનાડુએ 338 રન કર્યા હતા. પ્રથમ દાવના આધારે પાછળ રહેલી સૌરાષ્ટ્રની ટીમે તેના બીજા દાવમાં પણ નિરાશ કર્યા હતા અને ટીમ માત્ર 122 રન જ કરી શકી હતી. તમિલનાડુના કેપ્ટન સાઈ કિશોરે કુલ 9 વિકેટ ઝડપી હતી.

સૌરાષ્ટ્રના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ આ સીઝનમાં 8 મેચની 13 ઇનિંગમાં 69.08ની એવરેજથી 829 રન કર્યા આ દરમિયાન તેણે 3 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. તે પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન કરનાર બેટ્સમેન હતો.

કર્ણાટકે પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં વિદર્ભના 460 રનના જવાબમાં તેની પ્રથમ ઇનિંગમાં 286 રન કર્યા હતા. કર્ણાટક તરફથી નિકન જોશે સૌથી વધુ 82 રન કર્યા હતા.

મજબૂત લીડ ધરાવતી વિદર્ભની ટીમે તેના બીજા દાવમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 50 રન કરી લીધા છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં વિદર્ભની કુલ લીડ 216 રનની થઈ ગઈ હતી. હાલમાં અથર્વ તાયડે (21) અને ધ્રુવ શોરે (29) ક્રિઝ પર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button