પ્રોટીનની ઉણપને કારણે થતી ગંભીર સમસ્યા વિશે જાણો
શરીરના મશીનને સરળતાથી ચલાવવા માટે ઘણા પ્રકારના ‘ફ્યુઅલ’ની જરૂર પડે છે. આ મહત્વપૂર્ણ ઇંધણમાંનું એક પ્રોટીન છે. દરેક વ્યક્તિ માટે પ્રોટીનની જરૂરિયાત અલગ-અલગ હોય છે. નિષ્ણાતોના મતે, પુખ્ત વયના લોકોને તેમના વજનના કિલોગ્રામ દીઠ 0.8 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. જ્યારે બાળકો માટે આ પ્રમાણ 1 થી 1.5 ગ્રામ છે.
સગર્ભા સ્ત્રીઓને પ્રતિ કિલોગ્રામ વજનમાં 1.1 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને 1.2 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. એથ્લેટ્સ અને બોડી બિલ્ડીંગ લોકોએ પ્રતિ કિલોગ્રામ વજનમાં 1.2 થી 2.0 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે ઘણી આડઅસરો જોવા મળે છે, જેના પર સમયસર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.
પગના સોજા શરીરમાં ઓછા પ્રોટીનની પ્રથમ સ્પષ્ટ આડઅસર હાથ, પગ અને પેટમાં સોજો આવે છે. તેને એડીમા પણ કહેવાય છે. રક્ત દ્વારા પ્રોટીન પેશીઓમાં પ્રવાહીના નિર્માણને રોકવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે પ્રોટીન ઓછું હોય ત્યારે આ પ્રક્રિયા પ્રભાવિત થાય છે અને શરીરમાં સોજો આવવા લાગે છે.
મૂડ સ્વિંગનું મુખ્ય કારણ છે પ્રોટીનની ઉણપ મગજ અનેક જોડાણો સાથે જોડાયેલું છે. આમાં એક પ્રકારની સાંકળ વ્યવસ્થા છે. કોઈપણ એક વિક્ષેપ સમગ્ર સિસ્ટમને અસર કરે છે. પ્રોટીન પણ આ સિસ્ટમનો એક મહત્વનો ભાગ છે, જ્યારે તે ઓછું હોય છે તો તમને મૂડ સ્વિંગ થવા લાગે છે. હકીકતમાં, મગજ કોષોને માહિતી મોકલવા માટે ન્યુરોટ્રાન્સમીટરનો ઉપયોગ કરે છે. ઘણા ન્યુરોટ્રાન્સમીટર એમિનો એસિડમાંથી બને છે, જેની રચના માટે પ્રોટીન જરૂરી છે. પ્રોટીનની ઉણપ ડોપામાઇન અને સેરોટોનિન જેવા ચેતાતંતુઓને સીધી રીતે ઘટાડે છે. જેના કારણે મૂડ સ્વિંગ થાય છે. તમે ઉદાસી અનુભવવા લાગો છો.
તમારા વાળ, નખ અને ત્વચા પર પ્રોટીનની ઉણપ સ્પષ્ટપણે દેખાય છે. આ બધાને સ્વસ્થ રાખવા માટે ઈલાસ્ટિન, કોલેજન અને કેરાટિન જેવા પ્રોટીન જરૂરી છે. જ્યારે તેની ઉણપ હોય છે, ત્યારે તેની આડઅસરો દેખાવા લાગે છે. તમારા વાળ અને નખ તૂટવા લાગે છે અને ત્વચા શુષ્ક અને નિર્જીવ બની જાય છે. ક્યારેક નખ પર ઊંડી રેખાઓ દેખાવા લાગે છે.
પ્રોટીનની ઉણપ તમારા સ્નાયુઓની તાકાત છીનવી લે છે. આવી સ્થિતિમાં, તમે હંમેશા થાક અને નબળાઇ અનુભવશો. ઘણી વખત વ્યક્તિ અચાનક ઉભી રહેતી વખતે સંતુલન જાળવી શકતી નથી. રિસર્ચ અનુસાર, જો કોઈ વ્યક્તિ એક અઠવાડિયા સુધી પૂરતું પ્રોટીન ન ખાય તો તેની કામ કરવાની ક્ષમતા પર અસર થાય છે. પ્રોટીનની અછતને કારણે તમારું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે. તેનાથી એનિમિયાનું જોખમ પણ વધી જાય છે. જ્યારે શરીરના કોષોને પૂરતો ઓક્સિજન મળતો નથી ત્યારે આપણને થાક લાગે છે.
જો તમને ખૂબ જ ભૂખ લાગી રહી હોય અથવા ભરપૂર ભોજન કર્યા પછી પણ સંતોષ ન અનુભવો તો તે પ્રોટીનની ઉણપની અસર છે. શરીરને સરળતાથી કામ કરવા માટે ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સની સાથે પ્રોટીનની પણ જરૂર પડે છે. જ્યારે શરીરને આ મળતું નથી, ત્યારે ભૂખ સંતોષાતી નથી.
દહીં, દૂધ, ડેરી પ્રોડક્ટ્સ, ઇંડા, દાળ, કઠોળ, સોયાબીન, ટોફુ, ફીશ, સીફૂડ, ચીકન, કાજુ, નટ્સ વગેરેમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ બધાને તમારા ડેઇલી ડાયેટમાં સામેલ કરવા જોઇએ.