સુરક્ષા કાફલા સાથે આજે દિલ્હી પહોંચશે અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેન
પીએમ મોદી સાથે ખાનગી ડિનર કરશે
નવી દિલ્હીઃ જી-20 સમિટની યજમાની માટે તૈયાર છે. જી-20 સમિટ માટે દિલ્હીની તમામ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ઈમારતો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠી છે. જી-20 સમિટમાં ભાગ લેવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ભારત જવા રવાના થઇ ગયા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ જો બાઇડેનની આ પ્રથમ ભારત મુલાકાત છે.
તેઓ આજે સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જશે. બાઇડેન એરફોર્સ વન એરક્રાફ્ટ દ્વારા દિલ્હી પહોંચશે. એરફોર્સ વનની સાથે સાથે બીજું એરક્રાફ્ટ બેકઅપ પ્લેન પણ હશે, જેનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં થઈ શકશે. બેકઅપ પ્લેન ગુપ્ત જગ્યાએ રાખવામાં આવ્યું છે. સ્પેશિયલ એરફોર્સ વનને મિની પેન્ટાગોન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં તમામ સુરક્ષા સાધનો લગાવવામાં આવ્યા છે. એરફોર્સ વન એરક્રાફ્ટ તમામ પ્રકારના હુમલાથી બચવામાં સક્ષમ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાઇડેન શુક્રવારે સાંજે દ્વિપક્ષીય મંત્રણા કરશે જેમાં ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવે તેવી શક્યતા છે. બંને નેતાઓ સ્વચ્છ ઊર્જા, વેપાર, ઉચ્ચ ટેકનોલોજી, સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરે તેવી અપેક્ષા છે.
જો બાઇડેનનું આજે સાંજે 6.55 કલાકે નવી દિલ્હીના એરપોર્ટ પર આગમન થશે. વીકે સિંહ તેમને રિસીવ કરવા જશે. આ સિવાય એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના લોક કલ્યાણ માર્ગ નિવાસસ્થાને ખાનગી ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે અને બંને નેતાઓ સાંજે 7.30 વાગ્યે મળવાની શક્યતા છે.