ઈંગ્લેંડના ૩૫૩ રનના જવાબમાં ભારતના સાત વિકેટે ૨૧૯ રન
રાંચી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. આજે બીજા દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે, જેમાં ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં સાત વિકેટના નુકસાને ૨૧૯ રન કર્યા છે. ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં ૨૦૦થી વધુનો સ્કોર કર્યો છે, આજે દિવસના અંત સુધી કુલદીપ યાદવ ૧૭ રન અને ધ્રુવ જુરેલ ૩૦ રન કરીને અણનમ રમી રહ્યાં છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૩૫૩ રન કર્યા હતા. આ મામલે ટીમ ઈન્ડિયા હજુ ૧૩૪ રન પાછળ છે. ભારતીય બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. શોએબ બશીરે ચાર અને ટોમ હાર્ટલીએ બે વિકેટ ઝડપી છે. આ સિવાય જેમ્સ એન્ડરસનને એક વિકેટ મળી છે.
ભારતીય ટીમ અત્યારે સિરીઝમાં ૨-૧થી આગળ છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દાવમાં ૩૫૩ રન કર્યા હતા. જો રુટે સદી ફટકારી છે અને તે ફોર્મમાં પાછો ફર્યો છે. અત્યારે ભારતનો પ્રથમ દાવ ચાલી રહ્યો છે. ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ ૩૫૩ રન પર સમેટાઇ ગઇ હતી. જેના જવાબમાં બેટિંગ કરવા આવેલી
ભારતીય ટીમની શરૂઆત સારી ન હતી રહી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા માત્ર બે રન કરીને આઉટ થયો હતો. આ પછી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. જયસ્વાલ અને શુભમન ગીલે બીજી વિકેટ માટે ૮૨ રન જોડ્યા હતા, પરંતુ ત્યારબાદ ભારતીય બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફર્યા હતા.
રજત પાટીદાર એકવાર નિરાશ કર્યા હતા, આ વખતે પણ રજત પાટીદાર ૧૭ રન કરીને શોએબ બશીરના બોલ પર આઉટ થઇને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ બશીરે રવિન્દ્ર જાડેજાને પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે સરફરાઝ ખાન ટોમ હાર્ટલીના બોલ પર ૧૪ રન કરીને આઉટ થયો હતો. ધ્રુવ જુરેલને કુલદીપ યાદવનો સારો સાથ મળ્યો, ધ્રુવ જુરેલ અને કુલદીપ યાદવ વચ્ચે આઠમી વિકેટ માટે ૪૨ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.