ગુજરાતમાં અનેક ઠેકાણે મેઘમહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ : ગુજરાતમાં જન્માષ્ટમીના પર્વે અમીવૃષ્ટિ થતાં અંદાજે ૫૧ જેટલા તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ગરમી અને બફારાના વાતાવરણ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડક છવાઇ ગઇ હતી.
લગભગ એક મહિનાના વિરામ બાદ ફરીથી ગુજરાતમાં ચોમાસું કાર્યરત થયું હતું. હવામાન ખાતાની તાજેતરની આગાહી મુજબ ૧૧ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં અલગ અલગ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગરસ્થિત સ્ટેટ ઇમરજન્સી સ્ટેટ ઓપરેશનના આંકડા મુજબ ગુરૂવારે સૌથી વધુ સવાત્રણ ઇંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં નોંધાયો હતો. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઇમાં ૨ ઇંચ, આહવામાં પોણા ૨ ઇંચ, નર્મદાના ડેડીયાપાડા અને સુબીર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.
જૂન-જુલાઇ મહિનામાં ચોમાસાના આગમન સાથે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, પરંતુ ઓગસ્ટ મહિનામાં ચોમાસાની રફતાર પર બ્રેક લાગી જતા ફરીવાર લોકોને અસહ્ય ગરમી અને બફારા-ઉકળાટનો અનુભવ કરવો પડ્યો હતો. જો કે ગઇકાલથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાતા લોકોને મોટી રાહત થઇ હતી તેમજ ખેડૂતોમાં પણ વરસાદ વરસતા આનંદ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં પણ સાંજ પછી વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરના મોટભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. શહેરના પાલડી, આશ્રમ રોડ, નવાવાડજ, સાબરમતી, ચાંદખેડા, ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઉપરાંત સરખેજ, નારોલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.