ઉત્સવ

યારી હૈ ઇમાન મેરા…દરિયાદિલીથી દુશ્મની

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ:
મિત્રો, આપણી ખાનગી વાતોનો છુપો ખજાનો છે. (છેલવાણી)
બે મિત્રો એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એમની સામે વિકરાળ રીંછ આવી ચડે છે. પેલા બંને રીંછને જુએ છે ને રીંછ પેલા બંનેને તાકે છે. હવે રીંછ પેલા બેઉ તરફ દોડવાનું શરૂ કરે છે. બેમાંથી એક છોકરો ઝડપથી એની બેગમાંથી જૂતાં કાઢીને ઉતાવળે પહેરવા માંડે છે.

મિત્રએ પૂછ્યું, ‘મૂરખ, શું કરે છે? જૂતાં કંઇ તને રીંછથી નહીં બચાવી શકે.’

પેલાએ કહ્યું, ‘ઇડિયટ, અત્યારે મારે રીંછથી નથી બચવાનું. અત્યારે તો મારે ઝડપથી દોડીને તારાથી આગળ નીકળી જવાની જરૂર છે, બસ!’
(અર્થાત્- રીંછ તને ખાઇ જશે તો જ હું બચી જઇશને?! )
અમારી ફિલ્મ-લાઇનમાં સ્ટાર લોકો વચ્ચેની દુશ્મનીના કિસ્સાઓ, મીડિયા અને ગોસિપ બજારમાં બહુ ગાજતા હોય છે. જો કે એની સામે બે કલાકાર વચ્ચે દોસ્તી પણ ખૂબ તગડી પણ હોય છે, જેના બેનમૂન દાખલાઓ પણ મોજૂદ છે….અને એમાં યે મજાની વાત એ છે કે ‘દોસ્તી’ શબ્દ પરથી બનેલી ફિલ્મો સાથે જ દોસ્તીના અનેક કિસ્સાઓ જોડાયેલા છે! ૧૯૬૪માં ‘દોસ્તી’ ફિલ્મ આવેલી, જેમાં લક્ષ્મી-પ્યારેનું સંગીત હતું અને બધાં ગીતોમાં માઉથ ઓર્ગન નામનું વાજિંત્ર એલ.પી.ના કટ્ટર હરીફ એવા આર.ડી.બર્મને વગાડેલું, કારણકે એ ત્રણેયમાં હરીફાઇ કરતાં દોસ્તી મોટી હતી. પહેલાં શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે ખૂબ દોસ્તી હતી પછી અચાનક એક ફિલ્મ પાર્ટીમાં ઝગડો થયો અને શાહરૂખ-સલમાન વચ્ચે વરસો સુધી અબોલા રહ્યા. આમ છતાં પણ શાહરૂખ સલમાનનાં મા-બાપને મળવા જતો. સલમાનના લેખક-પિતા સલિમ ખાન સાથે નિયમિત ચર્ચાઓ કરતો અને એમનાં ઘરે જમીને જ પાછો જતો!

નિર્દેશક દુલાલ ગુહાએ ‘દુશ્મન’(૧૯૭૧) નામની અતિ સફળ ફિલ્મ રાજેશ ખન્ના સાથે બનાવેલી. પછી એ જ ગુહાજીએ ‘દુશ્મન’ બાદ ૧૯૭૪માં ‘દોસ્ત’ ફિલ્મ પ્લાન કરી પણ એ ‘દોસ્ત’ ફિલ્મ પાછળ દોસ્તીની એક અજીબ ઘટના છૂપાયેલી છે. થયેલું એવું કે ૧ વરસ પહેલા રોટી’ ફિલ્મ માટે નિર્દેશક મનમોહન દેસાઇએ શત્રુઘ્ન સિંહાને હીરો તરીકે ફાઇનલ કરેલા અને મહેમાન કલાકાર તરીકે રાજેશ ખન્નાનો સંપર્ક કર્યો, પણ ‘રોટી’ની
વાર્તા સાંભળીને રાજેશ ખન્નાએ જીદ કરી કે હીરોનો રોલ પોતે જ કરશે, પણ મનમોહનજીએ કહ્યું કે અમે તો ‘શત્રુઘ્નને સાઇન કરી લીધો છે… ત્યારે રાજેશ ખન્નાએ સામેથી શત્રુઘ્નને દોસ્તી-યારીમાં વિનંતિ કરી કે યાર, રોટી ફિલ્મ મને કરવા દે, અત્યારે મને હિટ ફિલ્મની જરૂર છે. બદલામાં બીજી કોઇ ફિલ્મ તને મેળવી આપીશ…’ દિલદાર શત્રુઘ્ન માની ગયા. પછી જ્યારે એ જ ગુહાજી દોસ્ત’ ફિલ્મ માટે રાજેશ ખન્ના પાસે ગયા ત્યારે રાજેશ ખન્નાએ એ ‘દોસ્ત’ ફિલ્મ શત્રુઘ્નને અપાવી અને ‘રોટી’ વખતનું વચન અને દોસ્તી બેઉ નિભાવી.
જો કે, એ જ શત્રુઘ્ન, રાજેશ ખન્ના સામે ૧૯૯૨માં દિલ્હીમાં ઇલેક્શન લડેલા અને હારી ગયેલા. શત્રુઘ્ન એને જિંદગીની સૌથી મોટી ભૂલ ગણાવીને કહે છે ‘મારે મિત્ર સામે ચુનાવી કીચડમાં ઊતરવું નહોતું જોઇતું.’

ઇંટરવલ
તો દોસ્ત હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે. (હેમેન શાહ)
આમ તો ફિલ્મ ‘દોસ્તાના’ (૧૯૮૦)ની વાર્તા ભલે બે પાકા મિત્રોની દોસ્તી પર હતી, પણ ફિલ્મનાં નિર્માણ દરમ્યાન બે ગાઢ મિત્ર અમિતાભ અને શત્રુઘ્ન વચ્ચે દોસ્તીમાંથી જાલિમ દુશ્મની થઇ ગયેલી! એ બંનેએ ‘દોસ્તાના’ પછી ક્યારેય સાથે કામ કર્યું નહીં. વરસો સુધી અબોલા રહ્યા અને વચ્ચે ‘નસીબ’ જેવી અધૂરી ફિલ્મ બંનેએ માંડમાંડ પૂરી કરેલી. વરસો બાદ અમિતાભે પુત્ર અભિષેકના લગ્ન નિમિત્તે આખી ફિલ્મ ઇંડસ્ટ્રીને મીઠાઇ મોકલાવેલી ત્યારે શત્રુઘ્નએ તો એ મીઠાઇ સુધ્ધાં પાછી મોકલાવી દીધેલી! છેવટે છેક હમણાં શત્રુઘ્ન, બહુ જ બીમાર પડેલા ત્યારે અમિતાભ એમને હોસ્પિટલમાં મળવા ગયેલા અને ફરી તૂટેલી દોસ્તી સંધાઇ ગઇ.

૧૯૫૦-૬૦માં મોતીલાલ નામના મહાન એક્ટર, એમના જમાનાનાં બીજા સ્ટાર- કલાકાર ચંદ્રમોહન સાથે રોજ સાંજે પાર્ટી કરતા અને જૂની વાતો વાગોળતા. એકવાર ચંદ્રમોહન મોંઘી વિદેશી દારૂ પોતે એકલા જ પી રહ્યા હતા ત્યારે મોતીલાલને અજીબ લાગ્યું કે- આજે એનો મિત્ર, એક પેગ પણ કેમ ઓફર નથી કરી રહ્યો? પછી નારાજ મોતીલાલ ઘરે જવા નીકળે છે, ત્યારે ચંદ્રમોહન ઉંબરા પર એમને ભેટીને કહે છે, માફ કરજે દોસ્ત, આજે મેં તને ૧ પેગ પણ ઓફર ન કર્યો , કારણ કે ‘આજે હું વેટ-૬૯’ની વિદેશી બોટલમાં સસ્તો દેશી દારૂ ભરીને પી રહ્યો છું! એ તમને કંઇ રીતે ઓફર કરું? તમે ભલે મારા દોસ્ત છો પણ મારાથી મોટા કલાકાર છો!’ મોતીલાલ પાસે દોસ્તની આ વાત સામે કોઇ જવાબ નહોતો.

ઘણીવાર દોસ્તી તમને લાજવાબ કરી મૂકે છે. બે મિત્રો વચ્ચેનું મૌન, ખાનદાનીનાં અદ્રશ્ય દસ્તાવેજ સમાન બની જાય છે.

૧૯૮૭માં નિર્દેશક મહેશ ભટ્ટે ‘નામ’ ની ફિલ્મ લખેલી , જેમાં એક જમાનાનો હતાશ સુપર સ્ટાર, એનું બાળક અને એની એક સમયની પત્ની સાથેનો કડવો ડ્રામા હતો. પત્નીનો રોલ ડિંપલ કાપડિયા કરવાનાં હતાં એટલે વાત સાફ હતી કે હીરોનો રોલ એક સમયના સુપરસ્ટાર રાજેશ ખન્નાના વ્યક્તિત્વ પરથી પ્રેરિત હતો.

મહેશ ભટ્ટે આ વાર્તા ત્યારના સ્ટાર-અભિનેતા વિનોદ ખન્નાને સંભળાવી. વિનોદે તરત જ પૂછ્યું, યહ ફિલ્મ કાકા (રાજેશ ખન્ના)કે કિરદાર પર લિખી ગઇ હૈ ના? સોરી, મૈં નહીં કરુંગા…ફિલ્મ છોડ સકતા હું, દોસ્તી નહીં. ! ’ કારણ કે વિનોદ ખન્ના અને રાજેશ ખન્ના કોલેજ કાળના પાક્કા મિત્રો હતા. ઈન શોર્ટ…દોસ્તી, એ આપણે સામે ચાલીને બાંધેલો એવો સંબંધ છે, જેનું કરારનામું ફકત બે દિલ વચ્ચે થાય છે ને એટલે જ દરિયાદિલી એનો પ્રાણ છે.
એંડ-ટાઇટલ્સ:
આદમ: પરણી જઇએ?
ઈવ: દોસ્તી નહીં બચે, હોં!

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત