ઉત્સવ

બાળ રાજાની સલામતી માટે દુર્ગાદાસે શાહજાદાનોસાથ ન છોડ્યો

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૩૩)
વીર દુર્ગાદાસ રાઠોડ માત્ર શૌર્યવાન, સ્વામી-ભક્ત કે વતન-પ્રેમી નહોતા. ગજબના કુનેહબાજ યોદ્ધા હતા. અકારણ મોગલોને વતાવવાને બદલે ગોલકોન્ડા પહોંચવા માટે પહેલાં બાંદા પહોંચ્યા. આ બાંદા એટલે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના સીમાડે આવેલું બાંદા નહિ પણ ગોવાની ૫૦ માઈલ ઉત્તરે આવેલું સ્થળ.

અહીં જવા પાછળ એક વિશેષ કારણ હતું. શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબરે પોર્ટુગીઝ સાથે સંબંધ સ્થાપીને જહાજ મેળવવાનું ગોઠવ્યું હતું. પરંતુ આફતે દરિયાના ખારા પાણીમાંય એનો પીછો ન છોડ્યો. શાહજાદાને જાણકારી મળી કે મોગલોની નૌકાદળના યાકુબ નામના અફસરને જ પોતાની વિરુદ્ધની તપાસનો મુખિયા બનાવ્યો છે. એનું શાહજાદાને ઝડપીને ઔરંગઝેબને વ્હાલા થવાનું ઝનૂન સમજી શકાય.

વચ્ચે ત્રણવાર ઔરંગઝેબની સેના સાથે યુદ્ધ થયા. આમાં બંને પક્ષે ખુવારી થઈ. ફરી શાહજાદાએ દૂર જતા રહેવા માટે પોર્ટુગીઝ જહાજ ખરીદી લીધું. બધા જહાજ પર પહોંચી ગયા ત્યાં છત્રપતિ સંભાજીના વિશ્ર્વાસુ કવિ કલસે ખાતરી આપી કે મરાઠા છત્રપતિ આપને ઔરંગઝેબ સાથેની લડાઈમાં સાથ આપવા માગે છે. દુર્ગાદાસની સમજાવટ અને સલાહને પગલે ફરી દરિયાઈ સફર પડતી મુકાઈ. ત્યાર બાદ પોર્ટુગીઝ અને મરાઠા સામ્રાજ્ય વચ્ચે સંધી થઈ, જેની ચર્ચામાં કવિ કલસ અને દુર્ગાદાસ રાઠોડ પણ સામેલ હતા.

આના પછી દુર્ગાદાસ રાઠોડ સતત એકાદ વરસ શાહજાદા સાથે મરાઠા સામ્રાજ્યના જૈતપુર, માલકપુર, રત્નાગિરીમાં રહ્યા. આમ છતાં શાહજાદાના મનમાં અજંપો હતો. હવે કંટાળીને પાછા ફરવા માટે ઔરંગઝેબે પણ શાહજાદાને પકડવા-હટાવવા માટે ગોઠવેલી સેના હટાવી લીધી. સાથોસાથ કહેણ મોકલ્યું કે ઔરંગઝેબ શાહજાદાના બધા અપરાધ માફ કરી દેશે. પણ બેટો બાપને પૂરેપૂરો ઓળખતો હતો. એ મીઠા શબ્દોની જાળમાં ન સપડાયો. આ નિર્ણયમાં ય દુર્ગાદાસનો ફાળો નાનોસૂનો નહોતો જ.

ઈ. સ. ૧૬૮૫ના ઓકટોબરમાં મરાઠા સેનાની મદદથી શાહજાદાએ મોગલ કબજા હેઠળના ભડૌચમાં બળવો કર્યો. ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. ૧૬૮૬ના જૂનમાં દુર્ગાદાસ, શાહજાદા અને દસેક હજાર મરાઠા સૈનિકોએ અહમદનગર ભણી ધસી ગયા. ભીમા નદી પાસેના નીમ ગામમાં જોરદાર લડાઈ થઈ. આમાં દુર્ગાદાસે અભૂતપૂર્વ બહાદુરી બતાવી. પરંતુ ઘણાં રાજપૂત આગેવાનો માર્યા ગયા કે પકડાઈ ગયા બાદ મક્કમ રહેતા ઔરંગઝેબે મરાવી નાખ્યા.

ભારે નુકસાન બાદ શાહજાદાએ પીછેહઠ કરી પણ દુર્ગાદાસની વીરતાએ સૌને અચંબિત કરી મૂક્યા. ફરી બધા મરાઠા સામ્રાજ્યના કલ્યાણ નજીકના માહોલીના કિલ્લામાં રહેવા પહોંચી ગયા. ત્યાંથી શાહજાદાએ ગુજરાત જવાનું વિચાર્યું પણ મોગલ સેના આવકારવા તત્પર દેખાઈ એટલે રત્નાગિરીના પર્વતોમાં જતા રહ્યા.

સતત દોડધામ અને લડાઈ વચ્ચે ભારતના બાદશાહ બનવાનું સપનું પાછું ઠેલાતા શાહજાદો એકદમ હતાશ થવા માંડ્યો. બધા દૃષ્ટિકોણથી વિચારતા એને લાગ્યું કે ઈરાન પહોંચી જવું સલામત, આવકાર્ય અને અનિવાર્ય છે. એને મારવાડમાં રહેલી પત્ની અને દીકરીની યાદ આવતી હતી. તો ઔરંગઝેબની કેદમાં રહેલો દીકરો ય બહુ સાંભરતો હતો.

આ સમયે જ દુર્ગાદાસને પત્ર મળ્યો કે હવે બાળ મહારાજા અજીતસિંહને અન્યત્ર ખસેડવાની તાકીદે જરૂર છે, તો આપ સત્વરે મારવાડ આવી જાઓ.

વીર દુર્ગાદાસ માટે સૌથી મોટી અને પહેલી પ્રાથમિકતા અજીતસિંહ અને તેમની સલામતી હતી. એટલે હવે થોડું રોકાવાય?
(ક્રમશ:)ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?