ઉત્સવ

ખેડૂતોએ વારંવાર કેમ આંદોલન કરવું પડે છે?

આ સમસ્યાનો ઉકેલ શું છે….ખેડૂતો જે માગણી કરી રહ્યા છે એનાથી વેપારીઓ – ઉદ્યોગપતિઓ નારાજ થશે એવો ડર કેન્દ્ર સરકારને પજવે છે..?

કવર સ્ટોરી -વિજય વ્યાસ

લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) અંગે કાયદો બનાવવાની માગણીઓ સહિતના મુદ્દે ખેડૂત સંગઠનો ફરી મેદાનમાં ઊતર્યા છે. ખેડૂત સંગઠનોએ દિલ્હી કૂચનું એલાન કરીને દિલ્હી સરહદે ધામા નાંખ્યા છે અને સરકાર ખેડૂતોની માગણીઓનો સંતોષકારક ઉકેલ ના લાવે ત્યાં સુધી નહીં હટવાનું એલાન
કર્યું છે.

લોકસભાની ચૂંટણી નજીક હોવાથી મોદી સરકારે આંદોલને ચડેલા ખેડૂતોને મનાવવા માટેની મથામણ શરૂ કરી છે ને જાત જાતની ઓફરો આપવા માંડી છે, પણ ખેડૂત સંગઠનો માનતા નથી તેથી આંદોલન લંબાય એવાં એંધાણ છે.

ખેડૂતોના આંદોલને એક સવાલ પેદા કર્યો છે કે, ખેડૂતોએ કેમ વારંવાર આંદોલનનું હથિયાર ઉગામવું પડે છે?

આ સવાલનો જવાબ એ છે કે, સરકાર ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવતી નથી તેથી ખેડૂતો પાસે આંદોલન કરવા સિવાય બીજો આરો રહેતો નથી. આપણે બહુ લાંબો ઈતિહાસ ના ઉખેળીએ ને થોડાંક વરસો પહેલાંની જ વાત કરીએ તો આ વાત સમજાશે.

ખેડૂત સંગઠનોએ મોદી સરકારે બનાવેલા ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માગણી સાથે ૨૦૨૦માં આંદોલન શરૂ કરેલું. પંદર મહિના સુધી આંદોલન ચાલ્યું પછી મોદી સરકારે ૨૦૨૧માં દેવ દિવાળીના દિવસે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરવી પડેલી. એ વખતે ખેડૂત સંગઠનાએ સરકારને બીજી છ માગણીઓનું લિસ્ટ આપેલું. આ માગણીઓમાં મુખ્ય માગ લઘુતમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ-‘એમએસપી’) માટે કાયદો બનાવવાની હતી.

ખેડૂતને પાકના ઉત્પાદનમાં થયેલા ખર્ચ પર ૫૦ ટકા નફો મળે એ રીતે એમએસપી નક્કી કરવાની સ્વામીનાથન સમિતિની ભલામણનો અમલ તેમાં મુખ્ય હતો. આ સિવાય બીજી નાની નાની કેટલીક માગણી હતી. એમાંથી મોદી સરકારે બે સિવાયની બધી માગણીઓ અંગે ખેડૂતોને લેખિતમાં ખાતરી આપવાની તૈયારી બતાવેલી તેથી ખેડૂત સંગઠનોએ મમત છોડીને એ વખતે આંદોલન સમેટી લીધું હતું. મોદી સરકારે ‘એમએસપી’ને કાનૂની સ્વરૂપ આપવા માટે શું કરવું એ અંગે કમિટી બનાવાની ખાતરી લેખિતમાં આપી હતી.

આ વાતને બે વર્ષથી વધારે સમય થઈ ગયો પણ સરકારે કશું કર્યું નથી પછી ખેડૂતો પાસે આંદોલન કરવા સિવાય બીજો શું વિકલ્પ બચે? ખેડૂતો એ જ કરી રહ્યા છે.
બીજો સવાલ એ છે કે, આ સમસ્યાનો ઉકેલ શું?

આ સમસ્યાનો ઉકેલ ખેડૂતોના પ્રશ્ર્નોનું કાયમી નિરાકરણ છે અને એ મુદ્દે પણ મોદી સરકાર બોલીને ફરી ગયેલી છે. ખેડૂતોની બધી જ સમસ્યાઓનો ઉકેલ સ્વામીનાથન સમિતિની ભલામણોમાં છે. મોદી સરકારે સંસદમાં સ્વામીનાથન સમિતિની તમામ ભલામણોનો અમલ કરવાની ખાતરી આપેલી પણ કશું કર્યું નથી. કેન્દ્ર સરકાર સ્વામીનાથન સમિતિની ભલામણોનો અમલ કરી દે તો આખો પ્રશ્ર્ન જ ઉકેલાઈ જાય કેમ કે સ્વામીનાથન સમિતિની મુખ્ય ભલામણ જ ખેડૂતને પડતર કિંમતના ૧૫૦ ટકા ‘એમએસપી’ આપવાની છે અને ખેડૂત સંગઠનો એ જ માગણી કરી રહ્યા છે ને સરકાર આઘીપાછી થઈ રહી છે કેમ કે સરકાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નારાજ કરવા નથી માગતી. સરકાર ‘એમએસપી’ વધારે તો જેણે પણ ખેડૂતો પાસેથી માલ ખરીદવો હોય એ ઊંચા ભાવે ખરીદવો પડે. ઊંચા ભાવે કાચો માલ ખરીદ્યા પછી છેલ્લે જે પ્રોડક્ટ બને એ ઊંચા ભાવ ના વેચી શકાય, કેમ કે ભાવ વધારે તો લોકો ખરીદે નહીં. માલ તો ખપાવવો જ પડે તેથી ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ પોતાના નફામાં કાપ મૂકવો પડે ને તેના માટે એ લોકો તૈયાર નથી. સરકાર તેમને એવું કરવાની ફરજ પાડી શકે પણ એવું કરતી નથી કેમ કે નફો ઘટે તો ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ચૂંટણી ફંડમાં કાપ મૂકે. તેના કારણે ખેડૂતોના હમદર્દ હોવાનો દેખાવ કરાય છે, પણ એમની માગણીઓ સ્વીકારાતી નથી.

સ્વામીનાથને તો ખેડૂતોની મહેનતનું યોગ્ય વળતર મળે એ માટે સહકારી માળખું ઊભું કરવાની પણ તરફેણ કરી છે. સહકારી માળખું ઊભું કરાય ને મહિલાઓ ઘેરબેઠાં કૃષિ પેદાશોમાંથી વાપરી શકાય એવાં ઉત્પાદનો બનાવે તેની સ્વામીનાથને તરફેણ કરેલી. એ પણ કરાતું નથી કેમ કે તેના કારણે પણ ફટકો ઉદ્યોગપતિઓને જ પડે. સહકારી ધોરણે અમૂલ બની તો બીજી ખાનગી ડેરીઓ બેસી જ ગઈ ને?

સોશિયલ મીડિયા પર સરકારના ટેકેદારોનો એક વર્ગ ખેડૂતોને ગાળો પણ આપે છે. ચૂંટણી આવે ત્યારે જ ખેડૂતોનું આંદોલન શરૂ થાય છે એવા કટાક્ષ પણ કરવામાં આવે છે. ખેડૂતોને ગમે ત્યારે માગણીઓનો ઝંડો ઉઠાવીને ઊભા થઈ જવાની ટેવ પડી ગઈ છે તેથી એમને સાંભળવા જ ના જોઈએ એવા લવારા પણ થઈ રહ્યા છે. ખેડૂત સંગઠનો ચોક્કસ રાજકીય પક્ષના ઈશારે આંદોલન કરતા હોવાની બકવાસ વાતો પણ થતી રહે છે.

ચૂંટણી નજીક આવે ત્યારે જ ખેડૂત સંગઠનો મેદાનમાં આવે છે એ વાત ખોટી છે કેમ કે કૃષિ કાયદા વિરૂદ્ધનું ખેડૂત આંદોલન ૧૫ મહિના ચાલ્યું ત્યારે ચૂંટણી ક્યાંય નજીકમાં નહોતી. બલ્કે એમ કહી શકાય કે, આ સરકાર ચૂંટણી આવે ત્યારે જ કોઈનું પણ સાંભળે છે.

ખેડૂતોનું આંદોલન હોય કે મરાઠાઓનું અનામત માટેનું આંદોલન હોય, સરકારની ફેં ચૂંટણી આવે ત્યારે જ ફાટે છે, બાકી ભલભલા આંદોલન કરનારાંને ગણકારાતા પણ નથી.મોદી સરકારના ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માગણી સાથે ખેડૂતો પંદર મહિના સુધી દિલ્હીની સરહદે ધામા નાંખીને પડેલા, પણ સરકાર એમને ગણકારતી જ નહોતી.

કેન્દ્ર સરકારને એમ જ હતું કે, આ ખેડૂતો બે-ચાર દાડા ઉધામા કરીને વેરાઈ જશે, પણ ખેડૂતોએ પંદર મહિના ખેંચી કાઢ્યા તેમાં કેન્દ્ર સરકાર ફફડી ગયેલી. આંદોલન ખેંચાયું તેમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક આવી ગઇ એટલે સરકારને હારી જવાનો ડર લાગ્યો ત્યારે ખેડૂત સંગઠનો સામે મોદી સરકારે ઘૂંટણ ટેકવ્યા.એ વખતે તો ભાજપના નેતા હાકલા પડકારા કરતા હતા કે, કોઈ કાળે કૃષિ કાયદા પાછા નહીં જ ખેંચાય. ભાજપે થૂંકેલું ચાટીને ૨૦૨૧માં દેવ દિવાળીના દિવસે ઘૂંટણ ટેકવવા પડેલા. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરવી પડેલી.

અત્યારે પણ ચૂંટણી નજીક છે એટલે સરકાર ખેડૂતો સાથે ચર્ચા કરે છે, બાકી એમને ગણકારતી જ ના હોત.

ખેર, અબૂધ માણસો ગમે તે લવારા કરે ને હાથમાં ફોન આવી ગયો એટલે પોતાને બુદ્ધિશાળી સમજે તેનાથી વાસ્તવિકતા ના બદલાય. ને વાસ્તવિકતા એ છે કે, આ દેશમાં આજે પણ ખેતી સૌથી વધારે રોજગારી આપનારી આર્થિક પ્રવૃત્તિ છે. સરકાર દેશની આર્થિક કાયાપલટ કરી નાંખી હોવાના ફડાકા ભલે મારે, પણ દેશનું અર્થતંત્ર તો ખેતીના જોરે જ ચાલે છે. દેશની વર્કફોર્સમાંથી ૫૦ ટકા વર્કફોર્સ ખેતી સાથે સંકળાયેલું છે અને દેશની જીડીપીમાં ૨૦ ટકા હિસ્સો ખેતીનો છે.

આ સંજોગોમાં ખેડૂતોને સાંભળવા જ પડે. એ સરકારની ફરજ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button