અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની તળાવો જોડવાની યોજના નિષ્ફળ: કૉંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર મનપા દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય માટે ઓક્સિજન પાર્ક બનાવવામાં આવે છે પરંતુ મોટાભાગના ઓક્સિજનોની સ્થિતિ અત્યંત બંદતર છે એક ઓક્સિજન પાર્કમાં છાણા મૂકવામાં આવે છે. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ તળાવ લીન્કીંગ યોજના પણ નિષ્ફળ નીવડી છે અને રૂ.૧ર હજાર કરોડના બજેટના ગુણગાન ગાતા સત્તાધીશો બજેટની રકમ ક્યા ખર્ચ થાય છે તેની તસ્દી પણ લેતા નથી તેવા આકરા પ્રહાર વિપક્ષી નેતા દ્વારા કરવામાં આવ્યા હતા.
મનપા કોગ્રેસ નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે મ્યુનિ. કોર્પો. દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના બજેટ મંજૂર કરવામાં આવે છે તેમાં પણ આ વર્ષે તો રેકોર્ડ બ્રેક ૧ર હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ બજેટના પૈસા ક્યાં અને કઈ રીતે ખર્ચ થાય છે તેની કોઈ જાણકારી લેવામાં આવતી નથી. દર વર્ષે જે રકમ ખર્ચ થાય છે તેના ઓડિટ થાય છે પરંતુ ઓડિટ વિભાગ દ્વારા જે વાંધા રજૂ કરવામાં આવે છે તેના નિકાલ થતા નથી છેલ્લા પ વર્ષ દરમિયાન ઈજનેર વિભાગ દ્વારા ૧ર૬૬૧ વાંધા રજૂ કરવામાં આવ્યા હતા જે પૈકી ર૬૧૬ વાંધાઓનો જ નિકાલ થયો છે જે બાબત તંત્ર અને ચુંટાયેલી પાંખ માટે અત્યંત શરમજનક છે. શહેરમાં ગેરકાયદેસર બાંધકામો મામલે પણ વહીવટી તંત્ર અને સત્તાધીશો નિષ્ક્રિય સાબિત થયા છે જેના કારણે વારંવાર ઈમ્પેકટ ફી ની જાહેરાત કરવામાં આવે છે. ર૦રરમાં ઈમ્પેકટ ફીનો જે અમલ શરૂ કરવામાં આવ્યો છે તે અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશનને ૪૯૭૭૬ અરજીઓ મળી છે જેની સામે માત્ર ૯પ૪૩ અરજીઓનો નિકાલ થયો છે જયારે ર૮૩૭ર અરજીઓનો નિકાલ બાકી છે મનપા શાસકો દ્વારા શહેરના નાગરિકો ખુશખુશાલ રહે તે માટે બગીચાઓ, ઓક્સિજન પાર્ક, તળાવ ડેવલપમેન્ટનાં કામો કરવામાં આવતા હોવાના દાવા સત્તાધીશો કરી રહ્યાં છે પરંતુ આ બધા કામ પૂર્ણ થયા બાદ તે જોવાની તસ્દી લેવામાં આવતી નથી. તંત્ર દ્વારા જે ઓક્સિજનપાર્ક તૈયાર કરવામાં આવ્યા છે તે પૈકી મોટાભાગના ઓક્સિજન પાર્કની હાલત અત્યંત ખરાબ હોય છે. નવા વાડજના ઓક્સિજનપાર્કમાં તો ઠેરઠેર છાણા પાથરવામાં આવી રહયા છે. તેવી જ રીતે તળાવ લીન્કીંગની મોટી મોટી વાતો બજેટ સત્ર દરમિયાન કરવામાં આવી છે પરંતુ આઠ માસ પહેલા જ લોકાર્પણ કરવામાં આવેલા છારોડી સહિતના મોટાભાગનાં તળાવો સુકાઈ ગયૌં છે. ચાંદલોડિયા તળાવની પણ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.