મુંબઈમાં ‘ડીપ ક્લીન’ ઝુંબેશથી પ્રદૂષણમાં ઘટાડો: સુધરાઈ કમિશનરનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત ઊંચુ જવાને કારણે મુંબઈ હાઈ કોર્ટે પણ તેની નોંધ લઈને મુંબઈ મહાનગરપાલિકાને ફટકારી હતી ત્યારે હવે છેલ્લા અનેક મહિનાઓથી મુંબઈમાં ‘ડીપ ક્લીન’ ઝુંબેશ ચાલી રહી છે, તેને કારણે મુંબઈના વાતાવરણમાં પ્રદૂષણમાં ઘટાડો થયો હોવાનો દાવા પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે કર્યો છે.
મુંબઈમાં ચાલી રહેલી ‘ડીપ ક્લીન’ ઝુંબેશને કારણે મુંબઈમાં વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું છે. તેમ જ આ સફાઈ ઝુંબેશને કારણે ચેપી રોગ ફેલાવવા પર નિયંત્રણ આવશે અને ડેન્ગ્યુ, મલેરિયા અને લેપ્ટો જેવી ચોમાસાજન્ય બીમારી પણ ઘટાડો થશે એવો દાવો પણ કમિશનર ઈકબાલસિંહ ચહલે કર્યો છે.
મુંબઈ મહાનગરમાં ‘ડીપ ક્લીન’ ઝુંબેશ ચાલી રહી છે અને સળંગ ૧૩ અઠવાડિયાથી નાગરિકોના સહકારથી ચાલી રહેલા આ અભિયાનના સકારાત્મક પરિણામ જણાઈ રહ્યા છે. શનિવારે મુંબઈમાં હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન કમિશનરે કહ્યું હતું કે મુંબઈની નબળી પડેલી હવાની ગુણવત્તા સુધરી છે. પ્રદૂષણમાં ઘટાડો થયો છે.
વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવનારું ‘મુંબઈ મૉડેલ’ સંપૂર્ણ દેશમાટે આદર્શ બની ગયું છે. સ્વચ્છતા ઝુંબેશને કારણે મુંબઈગરાના આરોગ્યમાં પણ સુધારો થયો હોઈ ચેપી બીમારીઓ પણ નિયંત્રણમાં આવી ગઈ છે. ડેન્ગ્યૂ, મલેરિયા, લેપ્ટો જેવી ચોમાસાજન્ય બીમારી પણ નિયંત્રણમાં આવીને તે લોકોમાં ફેલાતી રોકવામાં મદદ મળવાની છે.