મરાઠા આરક્ષણ અંગે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે: જરાંગે
મુંબઈ: મરાઠા આરક્ષણના મુદ્દે મહારાષ્ટ્ર સરકાર અને મનોજ જરાંગે પાટીલ વચ્ચે ફરી તણાવ વધવાની શક્યતા છે. એકનાથ શિંદેથી સરકાર દ્વારા મરાઠા સમાજને 10 ટકા આરક્ષણ આપતું બિલ જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં જરાંગે પાટીલે આંદોલનમાં લોકોનું સંબોધન કરતાં સરકાર આંદોલનને નબળું કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનો આરોપ કર્યો હતો.
જાલના જિલ્લાના અંતરવલી સરતી ગામમાં જરાંગે પાટીલે કહ્યું હતું કે તેઓ રવિવારે મરાઠા આરક્ષણ આંદોલનની આગળની યોજનાનો ખુલાસો કરશે અને મરાઠા સમાજને ફરી એક થવાનો પણ આગ્રહ કર્યો હતો. સરકાર આરક્ષણ માટેના તેમના પ્રયાસને નિષ્ફળ કરવાનું કાવતરું કરી રહી છે અને કુણબી મરાઠાના સગાસબંધીના કાયદાને બદલવા માટે મોડુ કરી રહી છે. મહારાષ્ટ્રની પોલીસ રાજ્ય અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના આદેશ પર મરાઠા કાર્યકરો સામે કાર્યવાહી કરી ગુનાઓ નોંધી રહી છે, એવો પણ આરોપ જરાંગે પાટીલે કર્યો હતો.
જરાંગે પાટીલે મરાઠા સમાજને સવારે 11 વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યા સુધી રસ્તો રોકો આંદોલન કરવાનું પણ આવ્હાન કર્યું હતું. આ બાદ મરાઠા આરક્ષણને જલ્દીથી લાગુ કરાવવા માટે બારામતીમાં મરાઠા કાર્યકરોએ બે કલાક સુધી રસ્તો રોકી આંદોલન કર્યું હતું જેને લીધે ટ્રાફિક જામની સમસ્યા પણ નિર્માણ થઈ હતી. આ દરમિયાન આરક્ષણ લાગુ થયા સુધી આક્રમક રીતે આંદોલન શરૂ રહેશે એવી જાહેરાત પણ કરી હતી.
મહારાષ્ટ્રમાં વિધાનમંડળમાં મંગળવારે એક વિશેષ સત્ર દરમિયાન મરાઠા સમાજને શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા આરક્ષણ આપવાનો નવો કાયદો રજૂ કરવામાં આવ્યો હતો, પણ જરાંગે પાટીલે ઓબીસી સમાજની જેમ મરાઠાઓને પણ આરક્ષણ આપવાની માગણી કરી હતી.