આમચી મુંબઈમહારાષ્ટ્ર

…નહીં તો વર્ષાની બહાર વડાં પાંઉ વેચીશુંઃ હોકર્સ ફેડરેશન

મહારાષ્ટ્રના ફેરિયાઓ ધોરણોની અમલબજાવણી પર વીફર્યા

મુંબઈઃ રાજ્યમાં ફેરિયાઓના ધોરણની અમલબજાવણી કરવામાં સરકાર આંખ આડા કાન કરી રહી હોવાનો દાવો કરીને મહારાષ્ટ્ર ફેડરેશનના નેતૃત્વ હેઠળ ફેરિયાઓ 27મી ફેબ્રુઆરીના રોજ વર્ષા નિવાસસ્થાન ખાતે વડાં પાંઉ, ચા, ફળો અને શાકભાજીના સ્ટોલ્સ લગાવવાના છે. ફેરિયાઓના ધોરણ માટે ઓગસ્ટ ક્રાંતિ મેદાનથી બપોરે 12 વાગ્યે વિરોધ મોરચો પણ કાઢવામાં આવશે.

ફેરિયાઓનો વ્યવસાય સંરક્ષિત કરીને તેનો વિકાસ કરવા માટે 2014માં હોકર્સ કાયદો બનાવવામાં આવ્યો હતો. કાયદો બનાવ્યાને 10 વર્ષ વીતી ગયા પછી પણ અમલબજાવણી થઇ નથી. આને કારણે રાજ્યના 30 લાખ ફેરિયાઓ તેમના ન્યાય અધિકારથી વંચિત રહ્યા છે. શહેરમાં ટ્રાફિક જામ, ફૂટપાથ પર ગિરદી થતી હોવા માટે ફેરિયાઓ જ જવાબદાર છે.


રાજ્ય સરકાર અને મુંબઈ મહાપાલિકા જો ફેરિયાઓના કાયદાની યોગ્ય અમલબજાવણી કરે તો તેમને ન્યાય મળશે. જોકે સરકાર કાયદાની અમલબજાવણી કરી નથી રહી અને બીજી બાજુ પ્રશાસન શહેર વિદ્રુપ બની રહ્યું હોવાનું ખપ્પર ફેરિયાઓને માથે ફોડે છે. આવાં બેવડાં ધોરણ સરકાર અપનાવી રહી હોવાનો આરોપ હોકર્સ ફેડરેશનના મુંબઈ અધ્યક્ષ અખિલેશ ગૌડે કર્યો હતો.

હોકર્સ કાયદા અનુસાર દરેક શહેરમાં સર્વેક્ષણ કરીને ફેરિયાઓને તેમના વ્યવસાયનું સર્ટિફિકેટ આપવામાં આવે. સિટી હોકર્સ સમિતિ તૈયાર કરવી. જગ્યાનું યોગ્ય રીતે નિયોજન કરીને ફેરિયાઓને જગ્યા આપવી, એવો માર્ગ કાયદામાં હોવા છતાં ફેરિયાઓ સામે અમાનુષી કાર્યવાહી કરવામાં આવે છે.


પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના અંતર્ગત દેશ આખાના 78 લાખ ફેરિયાઓએ નેશનલાઈઝ્ડ બેંકમાંથી લોન લીધી હોવાનો શ્રેય મોદી અને રાજ્ય સરકાર લેતી હોય છે. દેશના વડા પ્રધાન પણ ચાવાળા હતા, એવું કહેવામાં આવી રહ્યું છે. પણ… કાયદાની અમલબજાવણી કરવામાં સરકાર નિષ્ફળ રહી છે, એવું ગૌડે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button