મુંબઈ: બીડ જિલ્લાના ગેવરાઈમાં મરાઠા આંદોલનકારીઓએ એક બસને આગ ચાંપી દીધી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ કેસમાં ત્રણ આંદોલનકારીઓની ધરપકડ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ એસટી બસ બુધવારે મોડી રાત્રે છત્રપતિ સંભાજીનગરથી લાતુરના અહેમદપુર તરફ જઈ રહી હતી. એ જ વખતે બસ ગેવરાઈ વિસ્તારમાં પહોંચી કે તરત જ મરાઠા આંદોલનકારીઓએ સૂત્રોચ્ચાર કરતા બસને રોકી દીધી. આ પછી આંદોલનકારીઓએ બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોને નીચે ઉતાર્યા બાદ બસને આગ ચાંપી દીધી હતી.
મરાઠા ક્રાંતિ મોરચાએ ગુરુવારે પણ બીડ જિલ્લામાં જાલનામાં કરાયેલા લાઠીચાર્જનો વિરોધ ચાલુ રાખ્યો હતો. આને ધ્યાનમાં રાખીને ધુલે-સોલાપુર હાઇવે, બીડ-અહેમદનગર, બીડ-પાર્લી, માજલગાંવ-પરભણી, કલ્યાણ-વિશાખાપટ્ટનમ, ખામગાંવ-પંઢરપુર, અહેમદપુર-પટોડા હાઇવે વગેરે જેવા મહત્ત્વના રસ્તાઓ અને હાઇવે પર પોલીસ તહેનાત કરવામાં આવી છે.
દરમિયાન આજે મરાઠા અનામત મુદ્દે પોતાની માગને લઈને જાલનામાં ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગેએ હડતાળ ચાલુ રાખી હતી. ગઈકાલે તબિયત બગડતાં ડોક્ટરની ટીમે તેમની તપાસ કરી હતી. આજે સતત દસમાં દિવસે હડતાળ ચાલુ રહી હોવાનું સ્થાનિકે જણાવ્યું હતું.