ડૉલર સામે રૂપિયો નવ પૈસા નરમ
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અટકવાની સાથે ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૪૧૦.૦૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાને કારણે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે નવ પૈસાના ઘટાડા સાથે ૮૨.૯૪ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૮૫ના બંધ સામે સાધારણ નરમાઈ સાથે ૮૨.૮૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૯૬ અને ઉપરમાં ૮૨.૮૪ની રેન્જમાં અથડાઈને અંતે નવ પૈસાના ઘટીને ૮૨.૮૪ના મથાળે બંધ રહ્યો હતો.
વધુમાં આજે મુખ્યત્વે માસાંતને કારણે આયાતકારોની ડૉલરમાં નીકળેલી લેવાલી ઉપરાંત વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી
રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં
ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા
મળતાં રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળશે.
આમ છતાં જો ક્રૂડતેલના ભાવમાં વધારો થશે અને મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધે તો રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા પણ નકારી ન શકાય.