આમચી મુંબઈ

એક મહિના બાદ રાજ્યમાં વરસાદનું જોરદાર પુનરાગમન

આગામી ચાર દિવસ વરસાદની આગાહી

નાલાસોપારામાં ભારે વરસાદને કારણે રસ્તામાં ભરાયેલા પાણી. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મુંબઈ, થાણે, કલ્યાણ, વસઈ-વિરાર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગુરુવાર વરસાદે પુનરાગમન કર્યું હતું. વહેલી સવારથી ચાલુ થયેલા વરસાદને પગલે દહીંહાંડી ફોડવા નીકળેલા ગોવિંદાઓને મજા પડી ગઈ હતી. ઑગસ્ટ મહિનો લગભગ કોરો જવાથી ખેતીના કામ પણ રખડી પડ્યા હતા. ફરી એક વખત વરસાદનું આગમન થવાથી ખેડૂત વર્ગ સહિત તમામ લોકોએ રાહત અનુભવી હતી. તો મુંબઈગરાને પણ વરસાદને પગલે ગરમી અને ઉકળાટથી રાહત મળી હતી.

બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનું ક્ષેત્ર નિર્માણ થવાથી રાજ્યમાં ફરી એક વખત વરસાદે હાજરી પૂરાવી હતી. છેલ્લા સવા મહિનાથી વરસાદે વિરામ લીધો હતો. ઓછા વરસાદને પગલે રાજ્યના મોટાભાગના જિલ્લામાં દુકાળગ્રસ્ત પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. ત્યારે મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં ગુરુવારના પડેલા વરસાદે થોડી રાહત આપી હતી. ગુરુવાર સવારથી મુંબઈ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, મીરા-ભાયંદર, વસઈ-વિરાર વિસ્તારમાં વરસાદ પડવાનો ચાલુ થયો હતો, તે મોડી સાંજ સુધી ચાલુ જ રહ્યો હતો. સવારના અને બાદમાં સાંજના સમયમાં વરસાદનું જોર થોડું વધારે રહેતા સાંજના સમયે થોડા સમય માટે અંધેરી અને મલાડ સબ-વેમાં પાણી ભરાઈ જતા ટ્રાફિક માટે તે થોડા કલાક માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે વરસાદનું જોર હળવું થતા સબ-વે ફરી ખુલ્લા મુકાયા હતા. આ દરમિયાન અહીં વરસાદની પાણીનો નિકાલ કરવા માટે પંપ પણ ચાલુ કરવામાં આવ્યા હતા. મુંબઈના અમુક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ફરિયાદ પણ આવી હતી. તો અમુક જગ્યાએ વરસાદને કારણે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ હતી.હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ ઓડિસા, દક્ષિણ છત્તીસગઢ પાસે ચક્રાવાત સર્જાયું છે, તેને કારણે મહારાષ્ટ્ર, છતીસગઢ, મધ્ય મપ્રદેશ સાઉથ તેલંગણા પર ભારે વાદળો છવાયેલા હોવાથી વરસાદ પડી રહ્યો છે. તો બીજું કારણ પશ્ર્ચિમી પવનો છે. અરબી સમુદ્રથી વાઈ રહેલા પશ્ર્ચિમી પવનો વધુ મજબૂત થઈ ગયા છે. ભારે વરસાદની ગતિવિધિ માટેનું ત્રીજું કારણ પૂર્વ-પશ્ર્ચિમી શીયર ઝોન હતું, જે ઉત્તર મહારાષ્ટ્ર, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિસામાં મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરોમાં આશરે ૧૯ ડિગ્રી સાથે ચાલી રહ્યું હતું. હવાના ઓછા દબાણનો તેને કારણે તૈયાર થયેલા પટ્ટો પણ વરસાદ પડવાને માટે કારણ રહ્યું હતું.

શહેર કરતા ઉપનગરમાં વરસાદનું જોર વધુ

સવારથી વરસાદ ચાલુ થયો હતો. જોકે તળ મુંબઈ કરતા મુંબઈના ઉપનગરમાં વરસાદનું જોર વધુ હતું. હવામાન ખાતાના આપેલા આંકડા મુજબ સવારના આઠ વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધીમાં કોલાબામાં ૪૩.૬ મિ.મિ. અને સાંતાક્રુઝમાં ૯૨.૫ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. શહેરમાં આ સમયગાળામાં ૫૭.૬૩ મિ.મિ., પૂર્વ ઉપનગરમાં ૭૬.૯૪ મિ.મિ. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૯૦.૫૦ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. તો વસઈમાં સાંજ સુધીમાં ૧૧૮ મિ.મિ., વિરારમાં ૧૩૧.૨ મિ.મિ., થાણેમાં ૯૫ મિ.મિ. અને કલ્યાણમાં ૮૦ મિ.મિ. જેટલો વરસાદ પડ્યો હતો. મુંબઈની સરખામણીમાં આ વિસ્તારોમાં વરસાદનું જોર વધું રહ્યું હતું.

ચાર દિવસ વરસાદ

હવામાન ખાતાના કહેવા મુજબ મુંબઈ, થાણે, રાયગઢ, જળગાંવ, ધુળે, હિંગોલી, લાતૂર, ઔરંગાબાદ, પાલઘર, નાશિક, પરભણી, જાલના, ઉસ્માનાબાદ, રત્નાગિરી અને અહમદનગર જિલ્લામાં ગુરુવારના આખો દિવસ વરસાદ રહ્યો હતો. હવે શુક્રવાર માટે મુંબઈ, થાણે, પાલઘરના ભાગ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેથી અહીં વરસાદની સાથે વીજળીના ગડગડાટ અને પવન ફૂંકાવાની શક્યતા છે. શનિવાર સુધી રાજ્યમાં કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં યલો ઍલર્ટ રહેશે. તેથી આ વિસ્તારમાં મુશળધાર વરસાદની શક્યતા છે. મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ઘાટ એરિયા કહેવાતા નાશિક, સતારા, પુણેમાં સાત અને આઠ સપ્ટેમ્બરના મુશળધાર વરસાદ નવ સપ્ટેમ્બરના મરાઠવાડામાં વરસાદ રહેશે. વિદર્ભમાં આગામી ૪૮ કલાક મોટાભાગના વિસ્તારમાં વરસાદ રહેશે.

કયાં કેટલો વરસાદ?
મુંબઈમાં સવારના આઠથી સાંજના છ વાગ્યા સુધીમાં તળ મુંબઈમાં રાવળી કૅમ્પમાં ૯૦ મિ.મિ., વડાલામાં ૮૩ મિ.મિ., દાદરમાં ૮૨ મિ.મિ., માટુંગામાં ૮૧ મિ.મિ., પ્રભાદેવીમાં ૭૨ મિ.મિ., હાજીઅલીમાં ૬૭ મિ.મિ., ગિરગાંવમાં ૬૨ મિ.મિ., પરેલમાં ૬૧ મિ.મિ., ભાયખલામાં ૫૯ મિ.મિ., વરલીમાં ૫૭ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. જ્યારે પૂર્વ ઉપનગરમાં ગોવંડીમાં ૧૫૦ મિ.મિ., વિક્રોલીમાં ૯૬ મિ.મિ., કુર્લામાં ૮૪ મિ.મિ., ચેંબુરમાં ૮૧ મિ.મિ., ભાંડુપમાં ૮૦ મિ.મિ., કુર્લામાં ૭૬ મિ.મિ., ગવણપાડામાં ૬૦ મિ.મિ., મુલુંડમાં ૫૯ મિ.મિ., ઘાટકોપરમાં ૨૯ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. પશ્ર્ચિમ ઉપનગરમાં માલવણીમાં ૧૧૭ મિ.મિ., મરોલમાં ૧૧૫ મિ.મિ., અંધેરી (પ)માં ૧૦૪ મિ.મિ., ગોરેગાંવમાં ૯૮ મિ.મિ., બાંદ્રામાં ૯૩ મિ.મિ., વિલેપાર્લેમાં ૯૩ મિ.મિ., સાંતાક્રુઝમાં ૯૨ મિ.મિ. અને બોરીવલીમાં ૮૯ મિ.મિ. વરસાદ પડ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…