રાંચીની ટેસ્ટમાં આકાશ દીપના આક્રમણ પછી રૂટનું વર્ચસ

બિહારના નવા ફાસ્ટ બોલરે શરૂઆતની ત્રણેય વિકેટની ધમાકેદાર ઇનિંગ્સ સદ્ગત પિતાને અર્પણ કરી
રાંચી: ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાં શુક્રવારે પહેલા દિવસનો આરંભ ભારતના નવોદિત ફાસ્ટ બોલર આકાશ દીપનો હતો, પણ પછીથી બીજા ભારતીય બોલરોના આક્રમણ વચ્ચે બ્રિટનના પીઢ બૅટર જો રૂટે પોતાની ઇનિંગ્સ વધુને વધુ મજબૂત કરી હતી અને ૩૧મી સેન્ચુરી ફટકારીને લડાયક બૅટિંગ સાથે ભારતને વળતો જવાબ આપ્યો હતો. પ્રથમ દિવસની રમતને અંતે ઇંગ્લૅન્ડનો સ્કોર સાત વિકેટે ૩૦૨ રન હતો.
જો રૂટ ૨૨૬ બૉલમાં નવ ફોરની મદદથી બનાવેલા ૧૦૬ રનના પોતાના સ્કોર પર નૉટઆઉટ હતો અને તેની સાથે ઑલી રૉબિન્સન ૩૧ રને રમી રહ્યો હતો. દિવસની શરૂઆતમાં જ બિહારનો ૨૭ વર્ષીય બોલર આકાશ દીપ ત્રાટક્યો હતો અને બેન સ્ટૉક્સની
ટીમને ઓવરમાં બે ઝટકા આપવાની સાથે કુલ ૧૦ બૉલમાં ત્રણ વિકેટ લઈને ઇંગ્લૅન્ડનો ટૉપ-ઑર્ડર સાફ કરી નાખ્યો હતો. તેણે બેન ડકેટને કૅચઆઉટ કર્યા પછી ઑલી પૉપને એલબીડબ્લ્યૂ કર્યો હતો અને પછી ઝૅક ક્રૉવ્લીને ક્લીન બોલ્ડ કરી દીધો હતો.
ભારતને એ સાથે પેસ બોલિંગમાં નવી ટૅલન્ટ તેની પહેલી જ મૅચમાં મળી ગઈ હતી, પરંતુ ૩૩ વર્ષના જો રૂટે બાઝબૉલના અપ્રોચને બાજુ પર રાખીને નૅચરલ ગેમ રમવાનું પસંદ કરીને ભારતના મુખ્ય પાંચેય બોલરનો હિંમત અને સમજદારીથી સામનો કર્યો હતો અને એકલા હાથે બાજી સંભાળી રાખી હતી. તેણે વિકેટકીપર બેન ફૉક્સ સાથે ૧૧૩ રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. રૂટે પોતાને એટલો બધો ડિફેન્સિવ રાખ્યો હતો કે છેક ૨૧૯ બૉલમાં તે સેન્ચુરી પૂરી કરવામાં સફળ થયો હતો.
ભારત સિરીઝમાં ૨-૧થી આગળ છે અને ઇંગ્લૅન્ડની ટીમ શ્રેણીની હારથી બચવા ફાંફા મારી રહી છે. વિશાખાપટ્ટનમ અને રાજકોટ પછી હવે રાંચીમાં પણ એની હાર થશે તો સિરીઝની ટ્રોફી પર ટીમ ઇન્ડિયાનું નામ લખાઈ જશે.
આકાશ દીપે પોતાની આ ધમાકેદાર પ્રારંભિક ઇનિંગ્સ તેના સદ્ગત પિતાને અર્પણ કરી હતી. તેના પિતા રામજી સિંહનું ૨૦૧૫માં લકવાની બીમારી દરમ્યાન અવસાન થયું હતું. આકાશ દીપે પીટીઆઇને કહ્યું હતું કે ‘મારા પપ્પા મને હંમેશાં કહેતા કે દીકરા, જીવનમાં કંઈક બનજે. હું આ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યો અને સફળતાપૂર્વક શરૂઆત કરી એનો સંપૂર્ણ જશ તેમને અર્પણ કરું છું. તેઓ જીવંત હતા ત્યારે હું કંઈક બની નહોતો શક્યો, પણ હવે મને લાગે છે કે મેં તેમનું સપનું પૂરું કર્યું.’