નેશનલ

અરુણાચલમાં ભારે હિમવર્ષા: ૭૦ પર્યટક અને સ્થાનિકોને બચાવાયા

ગુવાહાટી: અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ઉંચાઇએ આવેલા સ્થળ નજીક સેલા ઘાટ પર થયલી હિમવર્ષાને પગલે ૭૦ જેટલાં પર્યટકો અને સ્થાનિકો ફસાઇ ગયા હતા, તેમને ઉગારવામાં આવ્યા હોવાનું સંરક્ષણ ખાતાના પ્રવકતાએ જણાવ્યું હતું.

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ આ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમણે સેલા ઘાટ પર અટવાયેલા ૭૦ પર્યટકો અને સ્થાનિકોને બચાવ્યા હતા અને અહીંના માર્ગો ટ્રાફિક માટે ખોલ્યા હતા.

૨૨ ફેબ્રુઆરીની મધરાતે સેલા ઘાટ પર વાહનો ફસાયા હોવાની જાણ થતાં જ બીઆરઓના જવાનોએ કામગીરી હાથ ધરી હતી.

માઇનસ ૧૦ ડિગ્રી સેલ્સિયસ જેવા વાતાવરણમાં મધરાતના સમયે બચાવ કામગીરી હાથ ધરવમાં આવી હતી અને પર્યટકો તેમ જ સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું પ્રવકતાએ જણાવ્યું હતું.

બીઆરઓના પ્રોજેક્ટ વર્તક હેઠળ લશ્કરના જવાનોને સેલા ઘાટ પર કામગીરી સોંપવામાં આવી છે અને તેઓ બચાવ કામગીરી ઉપરાંત આ વિસ્તારમાંના માર્ગો વાહનવ્યવહાર માટે યોગ્ય રહે તે જોઇ રહ્યાં છે.

હિમાચલમાં ૩૫૬ રસ્તા હજીય બંધ
હિમાચલ પ્રદેશની ઊંચી ટેકરીઓવાળા વિસ્તારમાં ઠંડી યથાવત રહી છે અને લાહોલ અને સ્પિતીનો કુકુમશેરી વિસ્તાર માઈનસ ૧૪.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડો રહ્યો હતો.
ચાર રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિત કુલ ૩૫૬ રસ્તાઓ બરફ પડવાને કારણે છેલ્લાં કેટલાક દિવસથી બંધ રહ્યા છે અને ૧૬૨ જેટલાં ટ્રાન્સફોર્મર કામ કરતા બંધ થઈ ગયા છે, એમ રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

લાહોલ અને સ્પિતીમાં ૨૬૯ રસ્તાઓ બંધ છે, ચંબામાં ૫૮ અને કુલુ જિલ્લામાં ૨૧ રસ્તા બંધ છે.
પાંગી કલ્યાણ સિંહના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળ ચંબાના નાયબ કમિશનર મુકેશ રેપાસ્વાલને મળ્યું હતું અને તેમણે બરફાચ્છાદિત પાંગીની વિમાની સેવા શરૂ કરવાની વિનંતી કરી હતી.
અહીંથી સ્થાનિક હવામાન કચેરીએ ઉપર ટેકરી વિસ્તારમાં ૨૪ થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન વરસાદ અને બરફ પડવાની આગાહી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button