વીક એન્ડ

મોટા સંયુક્ત કુટુંબ મહા સુખી કુટુંબ

પ્રાસંગિક -મનીષા પી. શાહ

આધુનિકતાને રવાડે ચડેલા સમાજમાં હવે નાના કુટુંબ એકદમ ઇન-થીંગ ગણાય છે. વધુમાં બે સંતાન, ક્યાંક એક જ પછી ભલે દીકરો હોય કે દીકરી અને અમુક દંપતી સંતાન વગર રહેવાનું ય પસંદ કરે છે. આવા સંજોગોમાં કોઈ પરિવારમાં ૧૮૫ જણાં સાથે રહે એ તમે માની શકો?

માનો કે ન માનો પણ રાજસ્થાનમાં બે કુટુંબ એવાં છે કે જે આજના સમાજમાં અસાધારણ કે વિક્રમ લાગે. અજમેરના ગામમાં એક પરિવારમાં ૧૮૫ સભ્યો છે અને બધેબધા સાથે રહે છે. આ બધા વચ્ચેના સંપ, એકતા, પ્રેમ અને ભાઈચારાની વિગતો તો પારિવારિક ફિલ્મોના રાજા જેવા રાજશ્રી પ્રોડક્શન્સની ‘હમ સાથ સાથ હૈ’ અને ‘હમ આપ કે હૈ કોન’ને ઝાંખી પાડી દે.

આ પરિવારે જૂની હવેલીને રહેવા દઈને વધતા સભ્યોને સમાવવા માટે નવાં મકાનોની હારમાળા બાંધી છે, જાણે મહોલ્લો જ જોઈ લો.

કુટુંબના વડા માત્ર ત્રણ ચોપડી ભણેલા છે પણ નવી પેઢીમાં કોઈ ડૉક્ટરનું ભણે છે, કોઈ કમ્પાઉન્ડરની નોકરી કરે છે, બે શિક્ષક છે, એમ.એ. અને બી.એ. છે. અમુક નોકરીય કરે છે, પરંતુ એમનો મૂળ વ્યવસાય ખેતી અને પશુપાલન. ખેતીમાંથી વરસે દાડે ૩૦-૪૦ લાખની આવક થાય પણ મોટાભાગની રકમ નાના-મોટા ખેતીલક્ષી ખર્ચામાં જ વપરાઈ જાય, પરંતુ ૧૨૫ એકરની જમીન વેચવાનો ક્યારેય કોઈએ વિચાર સુધ્ધાં કર્યો નથી.

પરિવારના વડા વિરડીસિંહ આ એકતાનો શ્રેય પોતાના પિતા સુલ્તાનસિંહને આપે છે. કુટુંબને એક રાખવાનો આગ્રહ એમનો હતો અને એની કળા પણ શીખવી. આ પરિવારમાં કોઈ નિર્ણય વડીલોની મંજૂરી કે સલાહ સિવાય લેવાતા નથી.

ખેતી ઉપરાંત પશુપાલન અને અન્ય પગાર મળીને કુલ આવક બે કરોડની આસપાસ. આંગણે ૨૦૦ ગાય, ભેંસ અને બકરા છે. એમના દૂધમાંથી મહિને બે લાખની આવક થાય અને સાધન-સગવડમાં શું છે? ૭-૮ કાર, ૧૧ ટ્રેક્ટર અને ૮૦ મોટરસાઈકલ! અત્યારે ઘરમાં ૫૦ કુંવારી બહેનો છે.

રોજ લગભગ કોઈના ને કોઈના જન્મદિન કે લગ્ન દિન હોય જ. એક દિવસ તો પાંચ બર્થ-ડે સાથે આવે છે. વરસે દશેક બાળકનો જન્મ થાય.

ઘરની મહિલાઓ ઘરકામ કરવા સાથે છાણ વીણે અને છાણા ય થાપે. એક-એક મહિલા સવારે ચાર વાગે જાગીને કામે લાગી જાય. તરત ૧૩ સ્ટવ ભભૂકવા માંડે. રોજ ૫૦ કિલો લોટ રાંધવામાં વપરાય. સવારે ૨૦ કિલો અને સાંજે ૧૫ કિલો શાક જોઈએ. દૂધનો હિસાબ રખાતો નથી, કારણ કે ઘરમાં જ દૂધ એટલે જેને જ્યારે જેટલું જોઈએ એટલું લઈ લે.

આ પરિવારમાં ક્યારેય ઝઘડો થતો નથી. પરંતુ ગામમાં કંકાશ થાય ત્યારે ઉકેલ માટે તેમની પાસે આવે. આ કુટુંબની એક મહિલા ૮૦૦ મતથી જીતીને સરપંચ બની હતી. આમેય ઘરમાં ૧૪૦ મતદાર હોવાથી પંચાયત એમની મરજીની જ ચૂંટાઈ આવે. આ સંયુક્ત પરિવારનું જ રાજ છે.

રાજસ્થાનના કરૌલીમાં એક ઐતિહાસિક હવેલી છે. જેનું નિર્માણ ૨૦૦-૨૫૦ વર્ષ અગાઉ થયું હતું. આ હવેલી બની ત્યારથી એ બનાવનારા અમાનસિંહજી ધાભાઈના વંશજો સાથે જ એમાં રહે છે.

આજે એમાં ૧૬-૧૬ પરિવાર એકમેક સાથે સંપીને રહે છે. કુલ સંખ્યા ૧૫૦. એક વિશાળ હવેલીમાં ધાભાઈઓના કુટુંબીઓ સંપીને રહે છે. કોઈ પણ કામ, નિર્ણય કે પડકાર હોય, વડીલોની સલાહ-સંમતિ વગર એક ડગલું ય ન મંડાય. હોળી હોય કે દિવાળી, એ કેમ ઉજવવી એ વડીલ જ નક્કી કરે અને બધા સંપજંપથી એને માણે.

આ ૧૫૦ના સંયુક્ત પરિવાર જેટલી જ આશ્ર્ચર્યજનક છે લાલ પત્થરથી બનેલી હવેલી. આમાં કોઈ અજાણ્યો તો ઠીક પરિવારનો સભ્ય પણ એક-એક રૂમની જાણકારી મેળવી શકતો નથી. પ્રાચીન હોવા છતાંય એની ડિઝાઈન આધુનિક બંગલોને ટક્કર મારે એવી છે.

કુટુંબ અને હવેલીના સર્વેસર્વા વડીલ બચ્ચુસિંહ દૃઢપણે માને છે કે સાથે
રહેવાથી બાળકોને વડીલોના પ્રેમ સાથે સંસ્કાર મળે છે, મૈત્રી-ભાવ વધે છે અને એ જ ભારતીય સંસ્કૃતિના મૂળ છે અને ભવ્યતા પણ.

આંગળા મળીને મુઠ્ઠી બને અને એ તાકાત બની જાય. વ્યાપકપણે જોઈએ તો ભારત અને ચીનના દબદબા માટે એમનું સંખ્યાબળ પણ જવાબદાર જ ખરું ને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button