ગામડું-ખેતર ને વાડનું અજાયબ વિશ્ર્વ
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
મારા ખેતરને શેઢેથી લ્યા, ઊડી ગઈ સારસી!
પોતાના શબ્દોથી ચિરંજીવ બની ગયેલા આપણા ગુજરાતી કવિ રાવજી પટેલની આ પંક્તિ ગ્રામ્યજીવનના પ્રતીકથી માનવ સંવેદનાઓને હચમચાવે છે. કવિ રાવજી પટેલની અન્ય એક કાવ્યપંક્તિ જોઈએ તો સાંભળ તો સખી એક ઝીણેરી મોરલાની ડાળ, નરી ટહુકાની નવીસવી વાડ…’
પ્રથમ પંક્તિ ખેતરના ‘શેઢા’ની વાત કરે છે અને શેઢો એટલે ખેતરની સીમા. આ સીમાની રખેવાળી કરવા માટે માનવે જે સર્જ્યુ એ ‘વાડ’. આજથી પચ્ચીસેક વર્ષ પહેલાં તમે તારની વાડની કલ્પના પણ કરી ન શકો, વાડ તો પ્રાકૃતિક ઝાડી ઝાંખરા અને થોરની જ હોય. ખેડૂત જે રીતે ખેતરની જમીન, ઉગેલા પાકની ચિંતા કરે છે, એ જ પ્રેમભાવથી પોતાના ખેતરના શેઢે ઊગેલી અથવા ઉગાડેલી વાડના પણ રખોપા કરે છે. કારણ માત્ર એટલું કે જે શેઢાઓની સલામતી વાડ કરે છે એ વાડને પણ સરસ રાખવી પડે ને?
-તો ચાલો, આજે શેઢા અને વાડને એક અનોખા દૃષ્ટિકોણથી સમજીએ. ખેતરો અને ગામડાં એકબીજાના પૂરક છે. વાડ એ કઈ માત્ર અલગ અલગ માલિકોનાં ખેતરોને જુદા પાડતું ઝાડીઝાંખરનું કે કાંટાળા થોરનું માળખું માત્ર નથી. વાડની પોતાની એક સૃષ્ટિ છે. ગામની હદ પૂરી થાય ત્યાંથી વાડની પોતાની સૃષ્ટિ શરૂ થાય. રસ્તાની બંને બાજુ ખેતરોના શેઢાનું સંરક્ષણ કરતી વાડો પોતાની વચ્ચેથી પસાર થતી ગાડાવાટને સુરેખ અને નયનરમ્ય પણ બનાવે છે. ખેતરે જવાના રસ્તાને અઢેલીને લંબાયેલી વાડ સૂર્યનારાયણના ઊગવાના સમયથી લઈને સૂર્યની તમામ કળાઓના પ્રભાવમાં અનેક રંગરૂપ ધારણ કરતી હોય છે.
આવું જ રાત્રિના સમયે બને છે, ચંદ્રની પંદર દિવસની અજવાસની કળાઓ અને બીજા પંદર દિવસો સુધી ઘટતા જતાં ચંદ્રપ્રકાશની સાથે સાથે ખેતરોની વાડો અને શેઢાઓ ચાંદનીમાં સુંદરતા અને આધારિયું જામતું જાય તેમ તેમ ભયજનક સ્વરૂપો ધારણ કરે છે.
જો કે, વાડ અને તેના બાહ્ય રંગરૂપ વિશે વાત કરવાની સાથે સાથે આપણે આજે પ્રકૃતિમાં તેના યોગદાન અને મહત્ત્વને પણ સમજીએ. વાડ કોઈ પણ પ્રકારની હોય, ભલેને પછી તે ખેતરની હોય, બાગ-બગીચાની હોય કે પછી ગ્રામીણ મકાનોમાં જોવા મળતી મેંદીની વાડ હોય, પરંતુ એક યા બીજી રીતે પ્રકૃતિના અનેક જીવો માટે તેનું મહત્ત્વ અનેરું છે. તમને જરૂર થશે કે આ માણસ શું વાત કરે છે… ફેંકતા હૈ, ક્યા?… પણ ના દોસ્તો, આવું તમને થાય તેનું કારણ એ છે કે આપણા ઘર, ગામ અને ખેતરોની વાડ પ્રત્યે આપણે કદી ધ્યાન આપ્યું જ નથી. તમે માનો કે ન માનો…. વાડોના વિશ્ર્વમાં કિટક, સરીસૃપોથી લઈને સ્તનધારી પ્રાણીઓના
બસેરા હોય છે, અને તેનું પોતાનું અલાયદું જૈવિક ચક્ર છે.
શરૂઆત કરીએ તો વાડના તળિયે ભેગો થતો કચરો, ખરી જઈને કોહવાતા પાંદડાની નીચે અનેક પ્રકારની જીવાત વસે છે. હા, અમુક ચોક્કસ પ્રકારના પતંગિયા પણ વાડમાં જ જન્મે છે અને વાડના વિશ્ર્વમાં જ મૃત્યુના આગોશમાં જઈને માટીમાં મળી જાય છે.
વાડ કીટક, પતંગિયા, મોટા કદના જીવડાંનું આશ્રયસ્થાન છે, તો સામે પક્ષે કીટકનું ભક્ષણ કરતાં કાળિયા કોશી, ચામાચીડિયા જેવા અનેક નાના મોટા શિકારી પક્ષીઓ અને કાચીંડા જેવા સરીસૃપ માટે વાડ ભોજનાલયની ગરજ પણ સારે છે. સાથે સાથે તમે જો ધ્યાન આપ્યું હોય તો અનેક પ્રકારની માખીઓ પણ વાડમાં જ વસતી હોય છે. તો શું માખીઓ માત્ર તેમના શિકારીઓનું પેટ ભરવા માટે જીવે છે? ના વાડમાં વસતી માખીઓનું સૌથી મોટું કાર્ય છે ફૂલોની પરાગરજનું વહન કરવાનું. આ માખીઓને કંટ્રોલમાં રાખવા અને પોતાનું પેટ ભરવા અમુક પ્રકારના કરોળિયાઓએ વાડને પોતાની કર્મભૂમિ બનાવી છે.
હવે વાત કરીએ રોડન્ટ્સની. રોડન્ટ્સ એટલે ઉંદરની પ્રજાતિના જુદાજુદા જીવો. ભારતની જ નહીં, પરંતુ વિશ્ર્વના કોઈ પણ દેશની વાડનો અભ્યાસ કરવામાં આવે તો તેમાં ચોક્કસ જાતના ઉંદરો અને છછુંદરોનો વાસ જોવા મળશે. આ ઉંદરો જીવાત ઉપરાંત અળસિયા, અને તીતીઘોડા જેવા મોટા કીટકોનો પણ શિકાર કરી લેતા હોય છે. તો પછી આ ઉંદરડાનો ત્રાસ વધે તો શું કરવાનું લ્યા? ભાઈ એટલે જ તો કહું છું, આપણે કશું ઑબ્ઝર્વ કરતાં જ નથી . . . કારણ કે ખેડૂતનો મિત્ર ગણાતો સાપ ખેતરમાં ખુલ્લામાં થોડી રહે છે? ના રે ના . . . એમને પણ આપણી વાડ કોઈ પ્રકારના ભેદભાવ વિના જ આશ્રય આપે છે. હવે સાપ જ્યાં રહેતો હોય ત્યાં તમને શું જોવા મળે? હા, બરોબર છે, તમારી કલ્પના સાચી છે. સાપને પણ કોઈકે તો કંટ્રોલ કરવો પડશે ને? તો આપણા નોળિયાભાઈ અને શેળાને પણ વાડ બહુ વ્હાલી હો . . . ગામડાના માણસોએ નોળિયા અને સાપની લડાઈ મોટે ભાગે ખેતરોની વાડો વચ્ચેથી પસાર થતાં ગાડામારગ પર જ જોઈ હશે . . . મારો શરત.
કોઈ અંધારી રાત્રે સાવ આછા ચંદ્રના અજવાળામાં વાડના પડછાયા ભૂતાવળ રચતા હોય, સીમમાં શિયાળવા લાળી કરતાં હોય, સીમ પૂરી થાય અને ગામ શરૂ થાય ત્યાં કૂતરા રુદન કરતાં હોય અને તમે ઘરેથી ખેતર જતાં હો, અથવા ખેતરેથી ઘરે પાછા આવી રહ્યા હો અને અચાનક વાડમાંથી કોઈ બાળકના રૂદનનો અવાજ આવશે તો તમે શું કરશો? મુઠ્ઠીઓ વાળીને ગડગડતી જ મુકશોને? આવી સ્થિતિમાં ભલભલાના હાજા ગગડી જાય. પણ દોસ્તો એ કોઈ ભૂત કે ચળિતર
નથી . . . એ ‘ઉંવા ઉંવા’ તો આપણા શેળાભાઈનો ડિસ્ટ્રેસ કોલ છે મતલબ કે શેળાભાઈને ડર લાગે અથવા ખતરો હોય ત્યારે તે આવો અવાજ કરે છે. આમ આપણે જોયું કે ખેતર, શેઢો અને વાડ એ માત્ર ગ્રામ્યજીવનના સૌંદર્યમાં વધારો કરતું એક તત્ત્વ માત્ર નથી, પરંતુ પ્રકૃતિના અનેક પાસાઓને સાચવતું, તેને સમૃદ્ધ કરતું અતિ મહત્ત્વનું અંગ છે. આપણે આજે જોઈએ છીએ કે પ્રગતિની લ્હાયમાંને લ્હાયમાં આધુનિક થતો જતો ખેડૂત પ્રાકૃતિક વાડને સ્થાને કાંટાળા તારની વાડ વાપરતો થયો, પરંતુ ખેડૂત એ ભૂલી રહ્યો છે કે ઝાઝી ઝંઝટ વિના જ પાકનું રક્ષણ કરતી તારની વાડના લોભમાં તે પ્રકૃતિના કેટલા અમૂલ્ય જીવોને જોખમમાં નાખી રહ્યો છે.
વિદેશની સરકારો અને વન પર્યાવરણ વિભાગો છેલ્લા બે – ત્રણ દાયકાઓથી સફાળા જાગ્યા છે અને વાડોના પુન:સ્થાપનનું માહાત્મ્ય ગાઈ રહ્યા છે. ભારતનું મહત્તમ ક્ષેત્રફળ આજે પણ ગ્રામ્ય વિસ્તારો અને ખેતરોના કબજામાં છે ત્યારે, ખરેખર તો વાડોને બચાવવાની અને તેને લગતી જાગૃતિનો મહાપ્રયાસ આદરવાની જરૂર છે, જેથી પછીથી મોં વાળીને રડવાનો વારો ન આવે.