લૌરા: લાખો દુખિયારા માટે આશાની બારી ખોલતી ગઈ!
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
ગત સપ્તાહે આપણે લૌરા બ્રિજમેનની વાત માંડેલી. બહુ નાની ઉંમરે સ્કાર્લેટ ફિવરનો ભોગ બનેલી લૌરાએ જોવા-સાંભળવા ને બોલવાની શક્તિ ગુમાવી દીધી. ઓછું હોય એમ સ્વાદેન્દ્રિયે પણ દગો દીધો. લગભગ અશક્ય લાગે એવા સંજોગોમાં લૌરા જીવી ગઈ. પરિવારમાં માતા સિવાય કોઈની હૂંફ ન મળી, ઉલટાનું લોકો એનાથી અળગા જ રહ્યા. જો કે, આ બધાની વચ્ચે ટેની નામનો એક – માનસિક રીતે નબળો ગણાય એવો છોકરો એનો મિત્ર બન્યો. ટેની પોતાના આદિવાસી મિત્રો પાસેથી હાથોના સ્પર્શ વડે ‘વાતચીત’ કરતા શીખેલો. એણે એ રીત લૌરાને પણ શીખવી. અને એ રીતે બંને બાળક ‘હેન્ડ ટોક’ કરતા થયા. આનો ફાયદો એ થયો કે એક મોટા ડોક્ટરને લૌરાનો કેસ રિફર કરવામાં આવ્યો. લૌરાને તપાસ્યા પછી આ ડોક્ટરને લાગ્યું કે અપંગ અવસ્થા ભોગવતી આ છોકરી ધારવા કરતાં ખાસ્સી હોશિયાર છે અને નવું શીખવાની એની આવડત પણ સારી છે. આથી ડોક્ટરે સૂચન કર્યું કે લૌરાને વધુ અભ્યાસ અર્થે એમના મિત્ર ડૉ. હોવે પાસે મોકલવામાં આવે. ડૉ. સેમ્યુઅલ ગ્રીડલી હોવે તબીબ હતો અને ગ્રીસના યુદ્ધની તબાહીને નજરે જોઈ ચૂક્યો હતો. આથી અપંગ થઇ ગયેલાં બાળકો પ્રત્યે એને વિશેષ સહાનુભૂતિ, ખાસ કરીને અંધ બાળકો પ્રત્યે. ઇ.સ. ૧૮૩૨ના જુલાઈમાં હોવે બોસ્ટન પાછો ફર્યો. એ અરસામાં યુદ્ધ સહિતનાં કારણોને પગલે અંધાપો વેઠી રહેલાં કેટલાંક બાળકો પણ હોવે સાથે રહેવા આવી ગયાં. એણે આ અંધ બાળકો માટે એક ઇન્સ્ટિટયૂટ ઊભું કરવા પાછળ કામ શરૂ કર્યું. હેતુ ઉમદા હતો એટલે દાતાઓ અને સરકાર તરફથી સારું એવું ફંડ મળતું થયું. સેમ્યુઅલ હોવેના પ્રયત્નોને કારણે અંધ વિદ્યાર્થીઓ માટે જે ઇન્સ્ટિટયૂટનું નિર્માણ શક્ય બન્યું, એ આગળ જતા ’પર્કિન્સ ઇન્સ્ટિટયૂશન’ તરીકે વિશ્ર્વવિખ્યાત બની.
ડૉક્ટરે કરેલા સૂચન મુજબ લૌરાને ડૉ. સેમ્યુઅલ હોવેની દેખરેખ હેઠળ ‘પર્કિન્સ ઇન્સ્ટિટયૂશન’ માં લાવવામાં આવી. હવે આ ઇન્સ્ટિટયૂશન જ લાંબો સમય માટે એનું ‘ઘર’ બની રહેવાનું હતું.
ડૉ. હોવેને પણ નવી આવેલી આ બાળકીમાં વિશેષ રસ પડ્યો. લૌરા અને હોવે વચ્ચે ગજબનું ટ્યુનિંગ થઇ ગયું. ઇન્સ્ટિટયૂટના બીજા ટીચિંગ સ્ટાફ સાથે પણ એને સારું બનતું. લૌરા ઘણી નવી બાબત શીખવા માંડી. એવું કહેવાય છે કે ડૉ. હોવે અને લૌરા વચ્ચે એક વિશિષ્ટ સંબંધ સ્થાપિત થઇ ચૂક્યો હતો. એક કાચી ઉંમરની દીકરી પોતાના બાપ પર જે હદે નિર્ભર રહેતી હોય એ રીતે લૌરા પણ ડો. હોવે પર નિર્ભર રહેવા માંડી. જો કે ડોક્ટર પાસે લૌરામાં રસ લેવાનું એક બીજું કારણ પણ હતું એ સમયે ડૉ. સેમ્યુઅલ હોવેનું ઇન્સ્ટિટયૂટ નવું નવું હતું અને સ્વાભાવિક રીતે જ એના વિકાસ ને વૃદ્ધિ માટે સતત મોટા ભંડોળની જરૂર પડતી. સેમ્યુઅલે એક તરકીબ વિચારી. એણે અંધ ક્ધયા લૌરા બ્રિજમેનનું એક પૂતળું (bust)ં તૈયાર કરાવ્યું અને પોતે જે શહેરમાં પ્રવાસ કરે, ત્યાં લોકોને એ આ અંધ ક્ધયાનું પૂતળું બતાવતા. કોઈ અંધ ક્ધયા પણ ભણી શકે, એ વાત લોકો માટે નવી હતી એટલે ડૉ. હોવે અને ‘પર્કિન્સ ઇન્સ્ટિટયૂશન’ની ખ્યાતિ ફેલાવા માંડી. સાથે જ લોકો ઉદાર હાથે ભંડોળ પણ આપતા થયા. ખરી મજા તો એ થઇ કે જે લૌરા એના પિતાને જ નહોતી ગમતી, એ ખુદ એની સરાહના કરવા અને એને અભિનંદન પાઠવવા માટે સાવ અજાણ્યા લોકો પત્રો લખવા માંડ્યા. લૌરા ઉપસાવેલા અક્ષરોને આધારે થોડું ઘણું ‘લખતા-વાંચતા’ શીખી ગઈ હતી એટલે એણે પત્રોના પ્રત્યુત્તર પાઠવવાના પણ શરૂ કર્યા!
એક સમય તો એવો આવ્યો કે લૌરા રીતસરનું ‘સેલિબ્રિટી સ્ટેટસ’ ભોગવવા માંડી. એક રીતે જોઈએ તો આ ચમત્કાર ડૉ. સેમ્યુઅલના માર્કેટિંગ ગીમિકનો હતો ને લૌરાના નીરસ જીવનને આવો પોઝિટીવ ધક્કો પણ બહુ જરૂરી હતો. વાત એટલી પ્રસરી કે માત્ર વિક્ટોરિયન યુગના જ નહિ, પણ ઓલ ટાઈમ ગ્રેટ ગણાય એવા લેખક-નવલકથાકાર ચાર્લ્સ ડિક્ધસે લૌરા વિષે લેખ લખ્યો, જે ખાસ્સી પ્રસિદ્ધિ પામ્યો.
જો કે, બધા દિવસો સરખા ક્યાંથી હોય? લૌરાને જેની સાથે બહુ ભળતું એવી એની ટીચર લીડિયા નોકરી છોડીને પરણી ગઈ. એનાં સ્થાને આવેલી મેરી સ્વિફ્ટ એક ઉમદા શિક્ષિકા હતી, પણ ધર્મ વિષેના એના વિચારો ખાસ્સા પરંપરાવાદી હતા. ડૉ. હોવે ધર્મ બાબતે સાવ વિરુદ્ધ મતનાં હતા. મેરી સ્વિફ્ટ ધાર્મિક બાબત અંગે પોતાના વિચારો લૌરાના મગજમાં ઉતારવાનો પ્રયત્ન કર્યા કરતી. બીજી તરફ, ડૉ. હોવે ઇચ્છતા હતા કે લૌરા કોઈ પણ પ્રકારની બાહ્ય ધાર્મિક અસરથી મુક્ત રહે….
આ ખેંચતાણમાં લૌરાને ભાગે લાચારી સિવાય ભાગ્યે જ કશું આવ્યું હશે. આખરે એ હોવેની મરજી વિરુદ્ધ ખ્રિસ્તી બની (baptism) ખરી, પણ એવું મનાય છે કે એ પછી ડોક્ટરે પોતાનો અણગમો પ્રકટ કરવા માટે એની સાથે એક અંતર જાળવવાનું પસંદ કર્યું.
અધૂરામાં પૂરું, લૌરા ચૌદેક વર્ષની થઇ ત્યારે ઇસ ૧૮૪૩માં ડૉ. સેમ્યુઅલ પોતાનાથી અઢાર વર્ષ નાની જુલિયા વોર્ડ સાથે પરણી ગયા. લગ્ન પછી ડોક્ટર હનીમૂન પર ઊપડ્યા, જે પંદર મહિના લાંબું ચાલ્યું! ૧૮૪૫માં ટીચર મેરી સ્વિફ્ટ પણ લૌરાને આગોતરી જાણ કર્યા વિના લગ્ન કરવા માટે જતી રહી! આ આખો સમયગાળો ટીનએજ લૌરા માટે ભયંકર વેદના-સંવેદના લઈને આવ્યો છતાં આ છોકરી કોઈક ઈશ્ર્વરીય કૃપાથી ટકીર હી.
નવી આવેલી શિક્ષિકા સારાહ વાઈટ સારી હતી. એણે લૌરાને ગણિત અને ઇતિહાસ સહિતના વિષયો ભણાવ્યા. સાથે જ એણે એ પણ નોંધ્યું કે પહેલા વધુ પડતું એટેન્શન મળ્યું અને એ પછી બધાએ વારાફરથી તરછોડી દીધી એમાં લૌરાનો સ્વભાવ બગડી ગયો છે. એ હંમેશાં લોકોના કેન્દ્રમાં રહેવા માગે છે અને સ્વભાવ ચીડિયો થઇ ગયો છે. એક સમય એવો આવ્યો કે લૌરાને પાચનશક્તિ સંબંધી સમસ્યાઓ ઊભી થઇ. ડૉ. સેમ્યુઅલે એને સાવ ધૂત્કારી હોય એવું જરાય નહોતું. ઉલટાનું લૌરા આજીવન ઇન્સ્ટિટયૂટમાં રહી શકે અને એને આજીવિકા તરીકે નિયત રકમ મળતી રહે એવી વ્યવસ્થા એમણે ગોઠવી હતી, પણ બદલાતો સમય નોર્મલ માણસને ય તકલીફ આપતો હોય એમાં આ બિચારી મૂંગી, બહેરી, આંધળી લૌરાના મનમાં કેવાં તોફાન પેદા થયા હશે, એ તો એ જ જાણે! ૧૮૫૦માં એનો અભ્યાસ પૂરો થયા બાદ ‘પર્કિન્સ ઇન્સ્ટિટયૂટ’ છોડીને લૌરા ફરી પોતાના પરિવાર સાથે રહેવા આવી ગઈ. એના નાના ભાઈ-બહેનો, દોસ્ત ટેની… બધાને મળીને થોડો સમય રાજીપામાં વીત્યો. હવે લોકો સાથેનો પત્રવ્યવહાર ચાલુ રહ્યો હોવા છતાં, ઇન્સ્ટિટયૂટના પીઠબળ સાથે જે સેલિબ્રિટી સ્ટેટ્સ હતું એ ન રહ્યું. સમય સાથે લૌરા એકલવાયી થતી ગઈ. હાથરૂમાલ પર ગૂંથણ વગેરે જેવાં કામ દ્વારા એનો સમય પસાર થઇ જતો અને આજીવિકા મળતી, પણ એ સિવાય જીવનમાં ખાસ રસપ્રદ કશું નહિ. આખરે ૫૯ વર્ષની ઉંમરે લૌરા બ્રિજમેન મૃત્યુ પામી.
…પણ, લૌરાએ દુનિયાના લાખો દુખિયારા માટે આશાની બારી ખોલી નાખી હતી. ડિક્ધસે જે લેખ લખેલો એ વર્ષો પછી મિસિસ કેટ નામની સ્ત્રીએ વાંચ્યો. એ તરત ‘પર્કિન્સ ઇન્સ્ટિટયૂટ’ પહોંચી. મિસિસ કેટને પોતાની મૂંગી- બહેરી-આંધળી દીકરી માટે એક યોગ્ય શિક્ષિકાની જરૂર હતી. નસીબજોગે સંસ્થામાં એક એવી અંશત: આંધળી છોકરી રહેતી હતી, જેને લૌરા સાથે મિત્રતા હતી. લૌરા સાથે રહીને અંધ વ્યક્તિને કઈ રીતે શિક્ષણ આપી શકાય એ એને આવડતું હતું.
એ છોકરી તરત મિસિસ કેટની દીકરીને ભણાવવા અને સાથે રહેવા રાજી થઇ ગઈ, એટલું જ નહિ… સમય જતા આખી જિંદગી ફ્રેન્ડ- ફિલોસોફર- ગાઈડ બનીને એની સાથે રહી. વીસ વર્ષની એ અંશત: અંધ શિક્ષિકાનું નામ હતું એન સુલિવન અને ચાર્લ્સ ડિક્ધસનો લેખ વાંચીને ‘પર્કિન્સ ઇન્સ્ટિટયૂટ’ પહોંચેલી મિસિસ કેટ કેલરની મૂંગી- બહેરી-આંધળી દીકરીનું નામ હતું ‘હેલન કેલર’… એન્ડ રેસ્ટ ઇઝ નોટ હીઝ- સ્ટોરી…પણ ઈટ વોઝ હર- સ્ટોરી….!