રામરાજ્યનું એક લક્ષણ: સર્વાનુમતિ
આજનું ભારત બહુમતીથી સર્વાનુમતિ તરફ આગેકૂચ કરી રહ્યું છે…
કવર સ્ટોરી -મુકેશ પંડ્યા
ભારતમાં એક સમય એવો હતો જયારે ગઠબંધન દ્વારા ત્રિશંકુ સરકાર રચાતી હતી. એવા પણ દિવસો આવ્યા જયારે સૌથી વધુ બેઠકો ધરાવતા પક્ષો વિરોધ પક્ષોની પાટલી પર બેઠા હોય અને ઓછી બેઠકો ધરાવતા બે -ત્રણ પક્ષ સંપી જઈને સરકાર બનાવે . સ્પષ્ટ બહુમતી તો ઠીક, સ્પષ્ટ જનમત ન હોય તેવા પક્ષોને પણ આપણે સરકાર ચલાવતા જોયા છે. આવા સંજોગામાં મોદી સરકાર આવ્યા પછી દેશના રાજકારણમાં ઘણાં સમીકરણ બદલાઈ ચુક્યાં છે.
ગયા મહિને અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે હવે રામરાજ્ય આવશે કે આવવું જોઈએ એવી ચર્ચાઓ દેશમાં ચોરે ચૌટે ચર્ચાતી હતી. આ રામરાજ્યના અનેક લક્ષણ છે, જે ઘણી વાર ચર્ચાયા છે. જો કે હવે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તેના એક મહત્ત્વના ‘લક્ષણ સર્વાનુમતિ’ વિશે થોડું વધુ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ.ચાલો, થોડા ઊંડા ઊતરીએ…
ત્રેતાયુગમાં અયોધ્યાના રાજા દશરથને ત્યાં માતા કૌશલ્યાની કુખે જન્મેલા રામ તપોવનમાં ભણ્યા અને જયારે પાટવી કુંવર તરીકે એમના રાજ્યાભિષેકનો સમય આવ્યો ત્યારે જ કૈકેયી માતાના હઠાગ્રહને કારણે રામને વનમાં જવાની નોબત આવી. પૂરું અયોધ્યા આ નિર્ણયની વિરુદ્ધમાં હતું. માત્ર કૈકેયી અને મંથરા જ ઈચ્છતા હતાં કે રામ અયોધ્યા છોડે. કૈકેયીનો લાડકો પુત્ર ભરત પણ રામના પક્ષમાં હતો, છતાંય રામે વનની વાટ પકડી. કારણ?
કારણ બે હતા. એક: પિતાએ માતા કૈકેયીને જે વચન આપ્યું હતું એ પૂર્ણ કરવા રામ કટિબદ્ધ થયા. આજ કાલ તો પોતે કોઈને વચન આપ્યું હોય એ પણ માણસ ભૂલી જાય છે. અરે! દસ્તાવેજ બનાવીને લેખિત વચન આપ્યું હોય તો પણ ફરી જતા લોકોને આપણે જોયા છે. એ સંજોગોમાં પિતા વર્ષો અગાઉ જે ફક્ત મૌખિક વચન કૈકેયીને આપી બેઠા હતા એને પુત્ર રામે નિભાવ્યું.
રાજપાટ છોડવાનું બીજું કારણ એ હતું કે મર્યાદા પુરુષોતમ રામ સર્વસંમતિથી રાજ ચલાવવામાં માનતા હતા. માતા કૈકેયીની ઈચ્છા વિરુદ્ધ રાજગાદીએ બેસવા એ તૈયાર ન હતા. ૧૪ વર્ષ વનમાં વિતાવી એ અયોધ્યા પાછા ફર્યા ત્યારે પણ સૌપ્રથમ એમણે માતા કૈકેયીની આજ્ઞા લીધી હતી અને પછી રાજધૂરા સંભાળી હતી. એમના રાજકાજ દરમ્યાન જયારે એક ધોબીએ સીતાની ઉપરછલ્લી ટીકા કરી હોવાની જાણ થતાં એમણે સીતાને વનવાસની સજા ફરમાવી અને સીતાના વિરહમાં પોતે પણ સજા ભોગવી. ધોબી પાસે કોઈ જ પુરાવા નહોતા, છતાં પ્રજામાં ઊભી થયેલી એક નામ માત્રની શંકાનું નિવારણ કરવા પણ એમણે સીતાને દંડ આપ્યો.
આજના સમયમાં તો કોઈ પુરાવા હોય તોય તેનો નાશ કરી દેવામાં આવે છે કે તોડી મરોડી દેવાય છે . ખરે જ રામરાજ્ય આજના સમયમા તો અશક્ય જ લાગે, પરંતુ મોદી સરકારના રાજમાં ભારત રામરાજ્ય તરફ એક ડગલું આગળ વધી શકે એવા સંજોગો તો ચોક્કસ આકાર લઈ રહ્યા છે.
મોદીએ છેલ્લી બે લોકસભાના ચૂંટણી એજન્ડામાંજે જે વચનો આપ્યાં હતાં એ શક્ય હોય કે અશક્ય, લગભગ બધા પાળી બતાવ્યા છે. વચન પાલનની બાબતે મોદીએ બધા જ રાજકરણીઓની સરખામણીમાં નંબર- વનનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
હવે રહી વાત સર્વાનુમતિની તો મોદીની સરકાર અત્યારે બહુમતીમાં તો છે જ , પરંતુ એમની કાર્ય શૈલી જોતા એ ઝડપથી દેશમાં સર્વાનુમતિની દિશા તરફ આગળ વધી રહ્યા હોય તેવી શક્યતા દેખાઈ રહી છે.
એક તો જેટલા વિપક્ષો છે એ બધા નરેન્દ્ર મોદીના કરિશ્મા સામે વેરવિખેર થઇ રહ્યા છે. કૉંગ્રેસના કંઇ કેટલાય સભ્યો ભાજપમાં દાખલ થઇ ચૂક્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાથી મિલિંદ દેવરા સુધીના એક વખતના ચુસ્ત કૉંગ્રેસીઓ ભાજપ સાથે જોડાઇ ચૂક્યા છે. કમલનાથ જેવા સિનિયર કોંગ્રેસી પણ આવી જ કોઇ વેતરણમાં છે. માત્ર રાહુલ ગાંધીની કૉંગ્રેસ જ નહીં, શરદ પવારની એન.સી.પી. અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પણ આવા જ હાલ છે. આ બેઉ પક્ષોના મોટા જૂથ ભાજપ સાથે મળીને હાલ મહારાષ્ટ્રની સરકાર ચલાવે છે. અલગ અલગ વિચારધારાની લડાઇ લડી રહેલા આ પક્ષોના મોટા ભાગના સભ્યો હાલ તુરત તો મોદીની વિચારધારામાં જ વિશ્ર્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
માત્ર પક્ષો જ નહીં જનતાને પણ અત્યારે મોદીમાં રામ દેખાઇ રહ્યા છે.
એક સમયે હિન્દુઓને સવર્ણ-દલિતોમાં ભાગલા પાડીને વિવિધ પક્ષો પોતાનું કામ કઢાવી લેતા. ભાજપીઓને દલિતો પોતાના વિરોધીઓ ગણતા, પણ હાલના શાસનમાં ૧૮૦ ડિગ્રીનો વળાંક આવી ગયો છે. સરકારની યોજનાઓને અને તેની નીતિને કારણે દલિતો અને વંચિતોની સુખ-સુવિધામાં વધારો થયો છે. મોદીનું શાસન રાષ્ટ્રપ્રેમ અને સનાતન ધર્મનો જુવાળ ઊભો કરવામાં સક્ષમ રહ્યું છે.
એથી આગળ વધીને દેશના મુસ્લિમોની વાત કરીએ અત્યાર સુધી એવું લાગતું હતું કે મુસ્લિમો ક્યારેય મોદીને વોટ નહીં આપે. જો કે હવે એ દહેશત પણ ખોટી પડતી જાય છે. મોદીની યોજનાઓનો યોગ્ય મુસ્લિમોને પણ એટલો જ લાભ મળ્યો છે જેટલો યોગ્ય હિન્દુઓને મળ્યો છે. અગાઉ કોમી હુલ્લડો થતાં ત્યારે હિન્દુઓની જેમ મુસ્લિમ સમાજને પણ નુકસાન તો થતું જ હતું . બેઉ કોમને ડરાવી-ધમકાવીને તે વખતના શાસનકર્તા પોતાની રોટલી શેકી નાખતા,જે હવે બંધ થયું છે. છાશવારે થતાં કોમી હુલ્લડો હવે અટકી ગયા છે.
છેલ્લાં ૧૦ વર્ષથી બેઉ કોમ શાંતિ અને અમનના વાતાવરણમાં પોતાના નોકરી-વ્યવસાય કરી રહ્યા છે. આ વાતનું ઉદાહરણ જોવું હોય તો કાશ્મીર જેવા એક વખતના સંવેદનશીલ રાજ્યના મુસ્લિમોની વાતો સાંભળવી જોઇએ. હાલમાં જ કાશ્મીરમાં વડા પ્રધાને ઇલેક્ટ્રિક ગાડીને લીલી ઝંડી આપી અને અન્ય અનેક યોજનાઓની શરૂઆત કરી ત્યારે રાજ્યના ખૂણે ખૂણેથી અને છેક પહાડી વિસ્તારોમાંથી આવેલા મુસ્લિમો જણાવતા હતા કે ‘વઝિરે-હિન્દ’ (ભારતના વડા પ્રધાન) નરેન્દ્ર મોદીના શાસનમાં કાશ્મીર છેલ્લાં ૭૦ વર્ષમાં જે જે વાતથી વંચિત હતું એ બાબતો હવે સાકાર થઇ રહી છે.
… અમારા છોકરાઓના હાથમાં એક સમયે પથરા હતા એ જ હાથમાં હવે પુસ્તકો ગોઠવાઈ રહ્યા છે.
પાંચ વર્ષ અગાઉ એક ટીવી ચેનલ પર મોદીને સવાલ પુછાયો હતો કે ‘તમે હિન્દુત્વના આધારે બહુમત મેળવવા મથો છો, પણ મુસ્લિમો તમારાથી નારાજ રહેશે તો?’
આ પ્રશ્ર્નનો ખૂબ સરસ જવાબ આપતાં મોદીએ કહ્યું હતું : આ હિન્દત્વ દરેકને સાથે લઇને ચાલનારું તત્ત્વ છે. માત્ર હિન્દુ-મુસ્લિમ જ નહીં. વસુધૈવ કુટુંબકમ
અર્થાત્ પૂરા વિશ્ર્વમાં બંધુત્વની ભાવના ફેલાવે છે આપણું હિન્દુત્વ. આપણા દેશના મુસ્લિમો પણ ભવિષ્યમાં નારાજ નહીં રહે. મને પણ પ્રેમ કરશે.!
આજે નરેન્દ્ર મોદીની આ વાત સત્ય સાબિત થઇ રહી છે. અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠા કર્યા બાદ એ યુએઇ (મુસ્લિમબહુલ મુલક)માં પણ મંદિરનું ઉદ્ઘાટન કરી આવ્યા. મુસ્લિમ મહિલાઓ પણ તલાક મુદ્દે મોદીથી ખુશ છે. અમેરિકા-યુરોપ કે રશિયા જેવા ખ્રિસ્તી અને વિકસિત દેશના નાગરિકો પણ મોદી પ્રત્યે માનભરી નજરોથી જોઇ રહ્યા છે. વેપાર હોય કે ઉદ્યોગ., ભારત વિકાસ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે.
આમ, પક્ષ હોય કે પ્રજા, હિન્દુ હોય કે મુસ્લિમ, સવર્ણો હોય કે દલિત, નોકરિયાત હોય કે વેપારી – દરેક લોકો મોદી તરફ આશા અને વિશ્ર્વાસથી નજર માંડી રહ્યા છે.
બહુમતીથી સર્વાનુમતિ તરફ સરકવું એ જ રામ અને રામરાજ્યનો ઉદ્ેશ હતો.
રામરાજ્ય એ ગાંધીજીનું સ્વપ્ન હતું. એ તરફ દેશ આજે મક્કમતાથી આગળ વધી રહ્યો છે.