તાપમાનમાં વધારાને કારણે મહારાષ્ટ્રમાં વીજળીની માગમાં થયો ધરખમ વધારો

મુંબઈઃ રાજ્યના કેટલાક ભાગોમાં વધતા તાપમાનને કારણે, કૃષિ પંપની સાથે એર કંડિશનર, પંખા, કુલરનો ઉપયોગ વધવા લાગ્યો છે, તેથી ગુરુવારે રાજ્યમાં વીજળીની માંગ વધીને ૨૬,૦૦૭ મેગાવોટ થઈ ગઈ હતી, જેમાંથી ૨,૮૯૫ મેગાવોટ વીજળીની માંગ મુંબઈની અને ૨૧,૪૫૩ મેગાવોટની માંગ મહાવિતરણની હતી.
ગયા મહિને રાજ્યમાં નીચા તાપમાનને કારણે વીજળીની માંગ લગભગ ૨૫,૦૦૦ મેગાવોટ હતી. તેમાં મહાવિતરણની ૨૦,૦૦૦ મેગાવોટની માંગનો સમાવેશ થાય છે. જોકે, રાજ્યના કેટલાક ભાગોમાં ધીમે ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આથી વિદર્ભ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં એર કંડિશનર, પંખા, ઇલેક્ટ્રિકલ સાધનો, કૃષિ પંપ અને કુલર પણ શરૂ થઈ ગયા છે. જેના કારણે વીજળીની માંગ વધી છે.
રાજ્યમાં બુધવારે મહાનિર્મિતીના થર્મલ પાવર પ્લાન્ટમાંથી ૬,૩૩૩ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું હતું.મહાનિર્મિતીના ઉરણ ગેસ પ્રોજેક્ટમાંથી ૨૭૮ મેગાવોટ, હાઈડ્રો પાવરમાંથી ૭૭ મેગાવોટ, સૌર ઊર્જામાંથી ૮૭ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું હતું.
ખાનગી પ્રોજેક્ટ્સમાં, જિન્દાલમાંથી ૮૬૦ મેગાવોટ, અદાણીમાંથી ૧,૮૨૦ મેગાવોટ, આઈડિયલમાંથી ૧૫૩ મેગાવોટ, રતન ઈન્ડિયામાંથી ૧,૩૦૪ મેગાવોટ અને એસડબ્લ્યુપીજીએલ માંથી ૪૫૯ મેગાવોટનું ઉત્પાદન થયું હતું. જ્યારે રાજ્યને કેન્દ્રના હિસ્સામાંથી ૮,૪૨૧ મેગાવોટ વીજળી મળતી હતી.