ઈન-કમિંગને કારણે મહાયુતીમાં ભીડ, ‘ઘરવાપસી’ ચાલુ થશે!
ઉમેદવારીની આશા ઘટતાં વિદર્ભના એક મોટા નેતા ભાજપ છોડીને કૉંગ્રેસમાં જોડાઈ જાય એવા સંકેત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપ લોકસભામાં 400 પારના પોતાના લક્ષ્યને સાધ્ય કરવા માટે અત્યારે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી રહી છે અને તેને કારણે મોટી સંખ્યામાં ભાજપ તેમ જ એનડીએ (મહારાષ્ટ્રમાં મહાયુતી)માં અનેક નેતાઓ જોડાઈ રહ્યા છે.
આ બધાની આડ અસરો અત્યારે જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં થઈ રહેલા ઈન-કમિંગને કારણે મહાયુતીમાં મોટા નેતાઓની ભીડ થઈ રહી છે અને તેને કારણે ભાજપમાં પહેલેથી જ રહેલા અનેક નેતાઓને ઉમેદવારી મળવાની આશાઓ ઘટી રહી છે. આ બધાને કારણે આગામી દિવસોમાં અનેક નેતાઓની ઘરવાપસી ચાલુ થાય એવા સંકેત મળી રહ્યા છે.
આધારભૂત સાધનો પાસેથી મળતી માહિતી મુજબ એક વર્ષ પહેલાં ભાજપમાં જોડાયેલા વિદર્ભના મોટા નેતા આગામી દિવસોમાં ફરી પાછા મૂળ કૉંગ્રેસ પક્ષમાં જોડાય એવા સંકેત મળી રહ્યા છે.
ગયા વર્ષના જૂન મહિનામાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ નાના પટોલેની આકરા શબ્દોમાં ટીકા કરીને આશિષ દેશમુખે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા.
આધારભૂત સાધનો પાસેથી મળતી માહિતી મુજબ આશિષ દેશમુખ સાવનેર મતદારસંઘમાંથી વિધાનસભામાં પહોંચવાની મહેચ્છા ધરાવે છે, પરંતુ જે રીતે અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા અને ત્યારબાદ મહાયુતીમાં અનેક નેતાઓની ઈન-કમિંગ થઈ રહી છે તેને કારણે આશિષ દેશમુખને ઉમેદવારી મળવાની આશા ધૂંધળી થતી જણાઈ રહી છે અને તેથી તેણે ફરી કૉંગ્રેસમાં જોડાઈ જવાના સંકેત આપ્યા છે.
આ બાબતે વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવારે શુક્રવારે નાગપુરમાં કહ્યું હતું કે મહાયુતીમાં હવે નેતાઓની ગિરદી થઈ રહી છે તેને કારણે અનેક લોકોને તેમની જગ્યા સુરક્ષિત લાગતી નથી. આવા લોકોની યાદી મોટી છે. ઉપરીઓને પોતાની મુનસફી પ્રમાણે કામ કરવું છે. આશિષ દેશમુખ પોતે પાછલા દરવાજે અમારી સાથે મુલાકાત કરી રહ્યા છે.
તેઓ કૉંગ્રેસ પાસે ઉમેદવારી માગી રહ્યા છે. આશિષ દેશમુખ એકલા નથી આવા અનેક નેતાઓ પાછા સ્વગૃહે પાછા ફરવાની ઈચ્છા ખાનગીમાં વ્યક્ત કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આવું ઘણું જોવા મળશે.