ફરી સાયન આરઓબી માટે આવ્યા મોટા સમાચાર, આ તારીખથી થઈ શકે બંધ…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સબર્બનની હદમાં અંગ્રેજોના જમાનામાં નિર્માણ કરવામાં આવેલા રોડઓવર બ્રિજ (ROB) અને ફૂટઓવર બ્રિજ (FOB)ને બદલે નવા બ્રિજ બાંધવાની કમર કસવામાં આવી રહી છે, જે અંતર્ગત સાયન બ્રિજને બંધ કરવાની યોજના હતી. આમ છતાં હવે ફરીથી આ બ્રિજને બંધ કરવાના સમાચાર મળ્યા છે.
સાયનમાં આવેલો રોડઓવર બ્રિજને 28 ફેબ્રુઆરીથી વાહનો અને લોકો માટે પૂર્ણપણે બંધ કરી શકાય છે. થોડા સમય પહેલા જ બ્રિજ બંધ કરવાનો હતો, પણ સ્થાનિકો અને નેતાઓના વિરોધને લીધે બ્રિજને બંધ ન કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી હતી, પણ હવે આ બ્રિજને બંધ કરવાનો નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
એક અધિકારી મુજબ સાયનના આ આરઓબીના પુનઃનિર્માણ કરવામાં આવવાનું છે. આ બ્રિજનું કામ બે વર્ષમાં પૂર્ણ થઈ જશે. મધ્ય રેલવેના માર્ગ પરથી પસાર થતાં આ આરઓબીના કામકાજ દરમિયાન મધ્ય રેલવેમાં બ્લોક લેવાની સાથે આ રોડના ટ્રાફિકને વૈકલ્પિક માર્ગ પર તૈયાર કરવાનો પણ પ્રશાસન દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
મુંબઈના સૌથી જૂના બ્રિજને લીધે અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા મુંબઈના અનેક જૂના બ્રિજનું પુનઃનિર્માણ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ બ્રિજ બ્રિટિશરોના સમયનો હોવાથી તે ખૂબ જૂનો થઈ ગયો છે. મધ્ય રેલવેના કુર્લા-પરેલ વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇન નાખવાનું કામ શરૂ થવાનું છે. આ કામમાં આરઓબી મુશ્કેલ નિર્માણ કરતાં બ્રિજને તોડી નવો બનાવવાની બીએમસીની યોજના છે.
સાયન આરઓબી ચાર લેનનો છે જેને છ લેનનો બનાવવાની સાથે એક 51 મીટર પહોળા સ્પાનનું નિર્માણ કરવામાં આવશે. આ બ્રિજની પહોળાઈ વધાર્યા બાદ રેલવે ટ્રેકના પશ્ચિમ ભાગમાં કુર્લા-પરેલ વચ્ચે વધુ બે રેલવે ટ્રેક નાખવાનું કામ કરવામાં આવશે.
સાયનમાં રેલવે ટ્રેક નીચેના ભાગમાં છે. આ કારણને લીધે વરસાદમાં રેલવે માર્ગમાં પાણી જમા થતાં ટ્રેન સેવા ખોરવાઈ જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે ટ્રેકની ઊંચાઈને વધારવાની યોજના હતી, પણ આરઓબીની ઊંચાઈ 5.1 મીટર હોવાથી તે શક્ય નથી, જેથી હવે નવા બ્રિજની ઊંચાઈ 5.4 મીટર રાખવામાં આવશે, જેથી રેલવે ટ્રેકની ઊંચાઈ વધારવું શક્ય બનશે એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.