તાલિબાને અફઘાનિસ્તાન સ્ટેડિયમમાં હત્યાના 2 દોષિતોને જાહેરમાં ગોળીએ દીધા
કાબુલઃ અફઘાનિસ્તાનમાં ક્રૂર તાલિબાનોનું શાસન અમલમાં છે. અહીં કોઇ પણ નજીવા ગુના માટે પણ લોકોને જાહેરમાં ફાંસી આપવી કે ગોળીએ દેવાની બાબત સામાન્ય છે. આવી જ એક ઘટનામાં અફઘાનિસ્તાનના ગઝની સ્ટેડિયમમાં તાલિબાને બે લોકોને જાહેરમાં ગોળીએ દીધા હતા. હજારો લોકોએ બે દોષિત પુરૂષોની હત્યા નિહાળી હતી. તાલિબાનની કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આ જોડી અલગ-અલગ હુમલાઓમાં બે લોકોને છરા મારવા માટે જવાબદાર છે.
નીચલી અદાલતો અને તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદાએ તેમના કથિત ગુનાઓના બદલામાં ગોળીએ દેવાનો આદેશ આપ્યો હતો. ધાર્મિક વિદ્વાનોએ પીડિતોના સંબંધીઓને દોષિતોને માફ કરવા વિનંતી કરી હતી, પરંતુ તેઓએ ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ તેમને પીડિતોના પરિવાર દ્વારા ગોળીએ દેવામાં આવ્યા હતા. આ બંને વ્યક્તિની ઓળખ મધ્ય વર્ડક પ્રાંતના સૈયદ જમાલ અને ગઝનીના ગુલ ખાન તરીકે કરી હતી.
આ બંને અપરાધીઓને ગોળીએ દેવાની સજા જોવા સ્ટેડિયમમાં હજારો લોકો એકઠા થયા હતા, જેમાં સરકારી અધિકારીઓ તેમજ રહેવાસીઓ ઉપરાંત દોષિત પુરૂષોના પીડિતોના પરિવાર પણ હાજર હતા, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો હતો.
1996 થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં અગાઉની તાલિબાન સરકાર હેઠળ જાહેરમાં કોરડા મારવા, ગોળીએ દેવા અને ફાંસીની સજાઓ નિયમિત હતી. કાબુલમાં તાલિબાન વહીવટીતંત્રએ ફરી એક વાર 2021 માં સત્તા સંભાળી અને ઇસ્લામિક શરિયા કાયદાનો અમલ સ્થાપિત કર્યો છે. ત્યારથી તાલિબાને સેંકડો દર્શકોની સામે મહિલાઓ સહિત લગભગ 350 લોકોને ફાંસી આપી છે અને કોરડા માર્યા છે.
પીડિત મહિલાઓ પર મોટાભાગે વ્યભિચાર અને ઘરથી ભાગી જવા જેવા ગુનાઓનો આરોપ હતો. અફઘાન સત્તાવાળાઓએ મહિલાઓના શિક્ષણ અને જાહેર જીવનના અધિકારો પર વ્યાપક નિયંત્રણો લાદ્યા છે. તેઓએ મહિલાઓના બાગબગીચાઓમાં કે જીમમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. અફઘાનિસ્તાનમાં છોકરીઓને છઠ્ઠા ધોરણથી આગળ શાળાઓમાં જવાની મનાઈ છે.
દરમિયાનમાં યુનાઈટેડ નેશન્સે માનવાધિકારના ઉલ્લંઘન તરીકે સજાની ટીકા કરી છે અને કહ્યું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ ચાલે છે અને આવી સજાઓ બંધ થવી જોઈએ.