Sandeshkhali: સંદેશખાલી કેસના આરોપી શાહજહાં શેખ સામે EDએ વધુ એક કેસ દાખલ કર્યો, 6 સ્થળો પર દરોડા
કોલકાતા: પશ્ચિમ બંગાળના 24 પરગણા જીલ્લાના સંદેશખાલી હિંસા મામલે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખ સામે કડક વલણ દાખવ્યું છે. આજે શુક્રવારે EDએ શાહજહાં શેખ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપમાં કેસ નોંધ્યો હતો. જાણકારી અનુસાર તપાસ એજન્સી હાલમાં શાહજહાં શેખના ઘર અને અન્ય 6 સ્થળો પર દરોડા પાડી રહી છે.
અગાઉ છેતરપિંડીના કેસમાં પણ FIR નોંધવામાં આવી હતી, ત્યાર બાદ હવે ED દ્વારા એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રીપોર્ટ (ECIR) દાખલ કરવામાં આવી હતી. હાલમાં હાવડા, બિરાટી, બિજયગઢ સહિત 6 સ્થળો પર EDનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
નોંધનીય છે કે TMCના સ્થાનિક દબંગ નેતા શાહજહાં શેખ જાન્યુઆરીથી ફરાર છે. 5 જાન્યુઆરીએ રાશન કૌભાંડ સંબંધિત સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે EDની ટીમ શાહજહાં શેખના પરિસરમાં પહોંચી તો તેના સમર્થકોએ ED ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં EDના ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા.
આ હુમલા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી અને શાહજહાં શેખના સહયોગી શિબુ હાઝરા અને ઉત્તમ સરદારની ધરપકડ કરી. જોકે, શાહજહાં શેખ હજુ પણ પોલીસની પકડની બહાર છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 17 શખ્સોની ધરપકડ કરી છે.