મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીનું નિધન, ગઈકાલે સાંજે હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
![manohar joshi](/wp-content/uploads/2024/02/manohar-joshi.webp)
મુંબઈ: સવાર સવારમાં આજે એક દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીનું નિધન થયું છે. મનોહર જોશીના અંતિમ સંસ્કાર આજે બપોરે 2 વાગ્યે કરવામાં આવશે. ગઈકાલે સાંજે સમાચાર આવ્યા હતા કે લોકસભાના પૂર્વ અધ્યક્ષ મનોહર જોશીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, જેઓ મહારાષ્ટ્રના છે, તેમણે સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું કે, સરના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણનો સંસ્કારી ચહેરો ખોવાઈ ગયો છે.
અમે એક એવા નેતાને ગુમાવ્યા છે જે અત્યંત નમ્ર, કુશાગ્ર બુદ્ધિવાળા અને મહારાષ્ટ્ર તેમજ મરાઠી લોકો માટે ઘણો ભાવ ધરાવતા હતા. ગઠબંધન સરકાર દરમિયાન મને જોશી સાહેબના નેતૃત્વમાં કામ કરવાની તક મળી હતી. પરિવારના વડાની જેમ અમને હંમેશા તેમનું માર્ગદર્શન મળતું. ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેઓ લોકસભાના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ રાજનેતા શ્રી મનોહર જોશીના નિધન પર શોક વ્યક્ત કરે છે. લોકશાહી મૂલ્યોને સમૃદ્ધ કરીને તેમણે શ્રેષ્ઠ સંસદીય પરંપરાઓ સ્થાપિત કરી હતી. ગૃહ ચલાવવાની તેમની વિશિષ્ટ અને ન્યાયી શૈલીને કારણે તેઓ તમામ પક્ષોના નેતાઓમાં આદર ધરાવતા હતા.
ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ મનોહર જોશી શિવસેનાના સ્થાપક સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના નજીકના સહયોગીઓમાંના એક હતા. તેઓ બાળાસાહેબના ખૂબ જ વિશ્વાસુ અને નજીકના સાથી ગણાતા હતા. ગયા વર્ષે જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે ઉદ્ધવ ઠાકરે તેમની પત્ની રશ્મિ અને પરિવારના અન્ય સભ્યો સાથે તેમની તબિયતની પૃચ્છા કરવા માટે હોસ્પિટલમાં ગયા હતા.
જોશી 1995 થી 1999 સુધી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા અને અવિભાજિત શિવસેના તરફથી મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન બનનારા પ્રથમ નેતા હતા. તેઓ સાંસદ પણ રહી ચુક્યા હતા. મનોહર જોશી મુંબઈ સેન્ટ્રલ બેઠક પરથી લોકસભા સાંસદ બન્યા હતા અને 2002 થી 2004 સુધી તેમણે કેન્દ્રમાં વાજપેયી સરકારમાં લોકસભાના સ્પીકરનું પદ પણ સંભાળ્યું હતું. તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે છ વર્ષનો કાર્યકાળ પણ સંભાળ્યો હતો.