વાઢવણ બંદર વિરોધ: મુંબઈ-અમદાવાદ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ
પાલઘર: મહારાષ્ટ્રના પાલઘરમાં સૂચિત વાઢવણ બંદરનો વિરોધ કરવા સેંકડો લોકોએ ગુરુવારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર `રસ્તો રોકો’ આંદોલન કર્યું હતું, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો.
હાઇવે પરના ચારોટી ટોલ પ્લાઝા ખાતે બપોરે 12 વાગ્યાથી 2.30 વાગ્યાની વચ્ચે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન જિલ્લાના ગ્રામજનો અને માછીમારોએ કરોડો રૂપિયાના ગ્રીનફિલ્ડ બંદર સામે કાળા ધ્વજ લહેરાવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ તેમની આજીવિકા માટે મૃત્યુઘંટ સમાન હશે. જવાહરલાલ નહે પોર્ટ ટ્રસ્ટ અને મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ દ્વારા વાઢવણ પોર્ટ વિકસાવવામાં આવી રહ્યું છે અને તેને ફેબ્રુઆરી 2020માં કેન્દ્ર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. બંદરના નિર્માણથી પ્રદેશના લોકો બેઘર નહીં થાય કારણ કે વાજબી વળતર સાથે માત્ર મર્યાદિત જમીન જ સંપાદિત કરવામાં આવશે, એમ અધિકારીઓનું કહેવું છે. પરંતુ, વાઢવણ પોર્ટ વિરોધી કૃતિ સમિતિના પ્રમુખ નારાયણ પાટીલે જણાવ્યું હતું કે સ્થાનિકો આ બંદરના સંપૂર્ણપણે વિરોધમાં છે. 15થી વધુ સંસ્થાઓ એક્શન કમિટીમાં સામેલ છે. તેમણે કહ્યું કે સરકાર સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ પ્રત્યે ઉદાસીન છે અને સત્તાવાળાઓ વિરોધ હોવા છતાં પ્રોજેક્ટને આગળ ધપાવવા માગે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંત સુધીમાં બંદર માટે શિલાન્યાસ કરવાના છે તેવા અહેવાલો વચ્ચે, વિરોધીઓએ સરકારને ચેતવણી આપી હતી કે કાર્યક્રમ આગળ ન વધારે. અધિકારીઓએ જણાવ્યું કે વિરોધ સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સવારે 10 વાગ્યાથી પ્રદર્શનકારીઓ વિરોધ સ્થળે એકઠા થવા લાગ્યા હોવાથી કેટલાક કલાકો સુધી ટ્રાફિકને અસર થઈ હતી. વિરોધ બપોરે 2.30 વાગ્યે સમાપ્ત થતાં વાહનવ્યવહાર પુન:સ્થાપિત કરવામાં આવ્યો હતો. (પીટીઆઈ)