રૂપિયો મજબૂત થતાં સોનામાં 103નો અને ચાંદીમાં 312નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સમાં ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવા સંકેતો પ્રાપ્ત થતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટાડો આવ્યા બાદઆજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ઈઝરાયલે દક્ષિણ ગાઝા પર બોમ્બમારો વધારતા લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને વૈશ્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 11 પૈસા મજબૂત થવાથી આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 103નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવ વધુ કિલોદીઠ રૂ. 312 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 312ના ઘટાડા સાથે રૂ. 70,396ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં ગઈકાલના વૈશ્વિક નિરુત્સાહી અને આજના પ્રોત્સાહક અહેવાલ છતાં ડૉલર સામે રૂપિયો મજબૂત થયો હોવાથી સ્થાનિકમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 103 ઘટીને 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 61,906ના મથાળે અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 62,155ના મથાળે રહ્યા હતા. જોકે, વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી.
ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની જાહેર થયેલી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ઊંચા વ્યાજદર લાંબા સમયગાળા સુધી જાળવી રાખવાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભવામાં ઘટાડો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત મધ્યપૂર્વના દેશોમાં વધેલા તણાવને કારણે સલામતી માટેની માગ ખૂલતાં હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને અનુક્રમે આૈંસદીઠ 2030 ડૉલર અને 2031.99 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ એક ટકો વધીને આૈંસદીઠ 23.08 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટે્રડરો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ગોલ્ડમેન સાશનાં વિશ્લેષકના મતાનુસાર ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત કરવામાં આવતાં સોનાને લાભ થશે, જ્યારે સિટી બૅન્કના વિશ્લેષકે જણાવ્યું હતું કે વર્ષ 2025 સુધીમાં સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 3000 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.