નિફ્ટી ફરી એક વખત તાજી ઓલ ટાઈમ હાઈ સપાટી પર, સેન્સેક્સમાં 535 પોઈન્ટનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સેન્સેક્સમાં 535 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટી ફરી એક વખત તાજી ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો છે. અત્યંત અસ્થિર સત્રમાં, પ્રારંભિક સત્રની તમામ નુકસાનીને ભૂંસી નિફ્ટીએ સાર્વત્રિક લેવાલીના ટેકા હેઠળ 22,252.50 પોઇન્ટની તાજી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી.
વિશ્વબજારના મિશ્ર સંકેતો પાછળ, બજારની શરૂઆત નિરસ અને મંદ ટોન સાથે થઈ હતી અને વિસ્તૃત પ્રોફિટ બુકિગને પગલે નિફ્ટી ઈન્ટ્રા-ડે 21,900ની ધકેલાઇ ગયો હતો. જોકે, પાછલા બે કલાક દરમિયાન નીકળેલી નવેસરની લેવાલીએ ઇન્ડેક્સને નવી ઊંચી સપાટી તરફ દોરી ગઇ હતી. નોંધવું રહ્યું કે, આ સપ્તાહમાં ત્રીજી વખત નિફ્ટીએ સર્વકાલિન ઊંચી સપાટી નોંધાવી છે. જોકે, સેન્સેક્સ 16 જાન્યુઆરી, 2024ના રોજ હાંસલ કરેલા તેના 73,427.59 પોઇન્ટના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી હજુ 225.87 પોઈન્ટ દૂર છે. સત્રને અંતે સેન્સેક્સ 535.15 પોઈન્ટ અથવા 0.74 ટકા વધીને 73,158.24 પોઇન્ટ પર અને નિફ્ટી 162.40 પોઈન્ટ અથવા 0.74 ટકા વધીને 22,217.45 પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
બજાજ ઓટો, એચસીએલ ટેક્નોલોજી, આઈશર મોટર્સ, આઈટીસી અને કોલ ઈન્ડિયા નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં હતા, જ્યારે ઈન્ડસઈન્ડ બૅન્ક, એચડીએફસી બૅન્ક, બીપીસીએલ, કોટક મહિન્દ્રા બૅન્ક અને હીરો મોટોકોર્પ ગુમાવનારા હતા. સેક્ટોરલ મોરચે, ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, પાવર, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમ દરેક 1 ટકા વધ્યા હતા. જોકે, બેન્ક ઇન્ડેક્સ નજીવો નીચો બંધ રહ્યો હતો.
નિફ્ટી બેન્ક ઈન્ડેક્સમાં પણ દિવસના નીચા 46,426.85થી 493 પોઈન્ટ્સની તીવ્ર રિકવરી જોવા મળી હતી, જે 46,919.80 પર બંધ થયો હતો. મિડકેપમાં એક ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો થયો છે.
એક્સિકોમ ટેલિસિસ્ટમ મૂડીબજારમાં 27મી ફેબ્રુઆરીએ રૂ. 429.00 કરોડના ભરણાં સાથે પ્રવેશ કરશે
મુંબઇ: એક્સિકોમ ટેલિસિસ્ટમ મૂડીબજારમાં 27મી ફેબ્રુઆરીએ રૂ. 429.00 કરોડના ભરણાં સાથે પ્રવેશી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. 135થી રૂ.142 છે. લઘુત્તમ લોટ સાઈઝ 100 શેર છે. સબ્સ્ક્રિપ્શન 29 ફેબ્રુઆરીના રોજ બંધ થશે. શેર ફાળવણી પહેલી માર્ચે ફાઇનલ થવાની ધારણા છે. શેર એનએસઇ અને બીએસઇ પર પાંચમી માર્ચે લિસ્ટેડ થશે. આ ઇશ્યૂ રૂ. 329.00 કરોડના 2.32 કરોડ શેરના ફ્રેશ ઇશ્યૂ અને રૂ.100 કરોડના કુલ 0.7 કરોડ શેરની સેલ ઓફરનું સંયોજન છે.
વીરહેલ્થકેર લિમિટેડે હેલ્થકેર સોલ્યુશન્સ સેગમેન્ટમાં રૂ. 33 કરોડના સૂચિત રોકાણ સાથે મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાઓની જાહેરાત કરી છે. આયુવીર બ્રાન્ડ હેઠળ આયુર્વેદિક, હર્બલ અને કોસ્મેટિક્સ હેલ્થકેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના અગ્રણી કંપનીના ઉપરોક્ત રોકાણમાં જમીન સંપાદન, ઈમારતોનું બાંધકામ, પ્લાન્ટ અને મશીનરીની પ્રાપ્તિ અને આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સહિતના વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે.
સિક્યોરિટી ગાર્ડિંગ અને મેનપાવર સોલ્યુશન્સ પ્રોવાઇડર, ડાયનેમિક સર્વિસિસ એન્ડ સિક્યોરિટી લિમિટેડ સોલેસ કોજેન પ્રાઈવેટ લિમિટેડ (એસસીપીએલ)નો 41.10 ટકા હિસ્સો અઘોષિત રકમ માટે હસ્તગત કરી રહી છે. આ એક્વિઝિન યોજનાના ભાગરૂપે ડાઇનેમિક એસસીપીએલના હાલના માલિકો પાસેથી રૂ.10ના મૂલ્યના એસસીપીએલના 616500 શેર હસ્તગત કરશે. એસસીપીએલનું વર્તમાન મેનેજમેન્ટ, તમામ વર્તમાન અને ભાવિ ડેટની માલિકી અને નિયંત્રણ જાળવી રાખશે.
એચડીએફસી લાઇફ અને લોકમાન્ય બહુહેતુક સહકારી સોસાયટીએ કોર્પોરેટ એજન્સી ટાઈ-અપમાં પ્રવેશ કર્યો છે જે, તેના ગ્રાહકોને એચડીએફસી લાઇફના જીવન વીમા ઉત્પાદનોનું વિતરણ કરવામાં સક્ષમ બનાવશે. નાણાકીય વર્ષ 2023માં, એચડીએફસી લાઇફે 99.7 ટકાના એકંદર દાવા પતાવટના ગુણોત્તર સાથે 6.80 કરોડથી વધુ લોકોને વીમા કવચ પુરું પાડ્યું છે.
ઓગસ્ટ 1995માં સ્થપાયેલી, લોકમાન્ય બહુહેતુક સહકારી મંડળી ચાર રાજ્યોમાં 200થી વધુ શાખાઓ ધરાવે છે.
કમિન્સ ઈન્ડિયા, સેઇલ અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝમાં 200 ટકાથી વધુ વોલ્યુમ ઉછાળો જોવા મળ્યો હતો. એબીબી ઇન્ડિયા, વોડાફોન આઇડિયા અને કમિન્સ ઇન્ડિયામાં લોંગ બિલ્ડઅપ જોવા મળ્યો હતો, જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, આઇઓસી અને બીપીસીએલમાં શોર્ટ બિલ્ડઅપ જોવા મળ્યો હતો. એબીબી ઈન્ડિયા, એગ્રો ટેક ફૂડ્સ, બીએફ યુટિલિટીઝ, કમિન્સ ઈન્ડિયા, ડિશમેન કાર્બોજ, ઈથોસ, ગોડફ્રે ફિલિપ્સ, ગ્રોઅર એન્ડ વેઈલ, ઈન્ડિયન હોટેલ્સ, જાગરણ પ્રકાશન, એમએન્ડએમ, માસ ફાયનાન્સિયલ સર્વિસિસ, એનસીસી, ક્વિક હીલ ટેક્નોલોજીસ, સિમેન્સ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પ, થર્મેક્સ સહિત 280 શેરોએ બીએસઇ પર તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શી હતી.
પ્રારંભના સત્રમાં મિડ અને સ્મોલકેપ્સ મંદીવાળાની પકડ હેઠળ રહ્યા હતા અને આ શેરોની વેચવાલીને કારણે બજારનું એકંદર સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જોકે,. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ, ઇન્ડેક્સે ધીમે ધીમે તેની ખોટ સરભર કરવાનું શરૂ કર્યું અને સત્ર પુુરુ થવાના બે કલાકમાં જોરદાર લેવાલીનો ટેકો મળતાં બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં આગળ વધવામાં સફળ રહ્યાં હતાં.
બેન્ક નિફ્ટી સિવાય, તમામ ક્ષેત્રોએ દિવસનો અંત ગ્રીન ઝોનમાં કર્યો હતો, જેમાં આઇટી અને ઓટો આઉટપરફોર્મર રહ્યા હતા. જાણીતા ચાર્ટિસ્ટે જણાવ્યું હતું કે, દૈનિક ચાર્ટ પર, ઇન્ડેક્સે તેના 21,930ના સમર્થન સ્તરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યા પછી મજબૂત બુલિશ કેન્ડલની રચના કરી છે અને તે 23,120ના લક્ષ્ય તરફ આગળ વધવા માટે તૈયાર છે. તેમના મતે ટૂંકા ગાળામાં 22,400 અથવા 22,600 સુધી પહોંચવાની સંભાવના સાથે એકંદરે સેન્ટિમેન્ટ ફરી એકવાર સકારાત્મક બન્યું છે. સપોર્ટ લેવલ 22,100 બનશે.