ધર્મતેજ

એક મહિનામાં કરોડપતિ થઈ ગયા રામ લલ્લા, ભક્તોએ અયોધ્યામાં કર્યું છુટા હાથે દાન…

ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને બરાબર એક મહિનો પૂરું થયું અને તેમ છતાં રામ લલ્લાના દર્શને આવનારા ભક્તોની સંખ્યામાં કંઈ ઘટાડો નથી જોવા મળી રહ્યો છે. ભક્તો શ્રદ્ધાથી રામ લલ્લાના ચરણે ભેટ અર્પણ કરી રહ્યા છે. આવો જોઈએ એક મહિના પછી રામ લલ્લાને ચરણે કેટલું દાન એકઠું થયું છે.


બાવીસમી જાન્યુઆરીના રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને એક મહિના બાદ પણ ભક્તોની ભીડ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અત્યાર સુધીમાં 60 લાખથી વધુ ભક્તો પોતાના આરાધ્ય દેવ રામ લલ્લાના દર્શન કરી ચૂક્યા છે. હવે વાત કરીએ રામ લલ્લાના ચરણે અર્પણ કરવામાં આવેલી દાનની રકમ વિશે વાત કરીએ તો તે કુલ 25 કરોડ રૂપિયા જેટલી છે.


શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ રકમમાં ભક્તો દ્વારા આપવામાં આવેલા ચેક, ડ્રાફ્ટ અને રોકડનો સમાવેશ થાય છે. જોકે, વિદેશી ભક્તો દ્વારા ભગવાન રામને ચઢાવવામાં આવેલા ચઢાવાની રકમનો આમાં સમાવેશ કરવામાં નથી આવ્યો, જે ભક્તોએ સીધેસીધી બેંકમાં જમા કરાવી છે. વિવિધ માધ્યમોની વાત કરીએ તો કુલ રકમનો આંકડો 25 કરોડ રૂપિયા જેટલો છે.


આ સિવાય ઘરેણા અને રત્નોની વાત કરીએ તો રામ ભક્તો મંદિરને એવી એવી વસ્તુઓ દાન આપી રહ્યા છે જેનો ઉપયોગ મંદિરમાં કરી જ શકાય એમ નથી. ભક્તોએ મોટી સંખ્યામાં સોના-ચાંગીના વાસણ, દાગિના રામ લલ્લાના ચરણે અર્પણ કર્યા છે. આશરે 25 કિલો ચાંદી અત્યાર સુધી રામ લલ્લાને ચરણે ભક્તોએ સમર્પિત કરી છે અને ચોક્કસ કેટલું સોનું રામ લલ્લાને ચઢાવા તરીકે ચઢાવવામાં આવ્યું છે એની ગણતરી તો નથી કરી શકાઈ પણ અંદાજ પ્રમાણે 10 કિલો સોનાના વાસણો, ઘરેણાં ભક્તોએ તેમના આરાધ્યદેવ રામ લલ્લાને અર્પણ કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button